• શુક્રવાર, 20 ફેબ્રુઆરી, 2026

નર્મદાનાં પાણી માટે રકમ

માંડવી, તા. 18 : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં વિકસિત ભારત-2047ને સાકાર કરવા ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ચાર લાખ કરોડથી વધુ રકમના પાંચ સ્તંભો પર રચાયેલાં બજેટને આવકારું છું એમ માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ જણાવ્યું હતું. ગરીબ, યુવાન, ખેડૂત, મહિલાઓના ઉત્કર્ષ માટે અનેકવિધ જોગવાઈઓ સાથે પ્રકૃતિ, પર્યાવરણનાં સંરક્ષણની વ્યવસ્થાઓને આવરીને શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબોનાં મકાનો માટે સહાય, પશુપાલન માટે જોગવાઈ, આંતરમાળખાંકીય સુવિધાઓને સમાવિષ્ટ કરતાં જેવાં કે, સુજલામ સુફલામ યોજના હેઠળ નર્મદાનાં વધારાનાં પાણીને પાઈપલાઈન દ્વારા કચ્છનાં જળાશયો ભરવાં, હયાત ડેમોને મજબૂત કરવા તથા નવા ચેકડેમો બનાવવા માટે માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે એમ કહ્યું હતું. - ગરવી ગુજરાતને વધુ ગૌરવવંતું બનાવતું બજેટ : ગુજરાત વિધાનસભામાં 2026-27નું બજેટ નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે રાજ્ય સરકારના બજેટને વધાવતાં જણાવ્યું હતું કે આ બજેટ 2047ના વિકસિત ભારતની સમાંતરે ઊભનારા સમૃદ્ધ, સક્ષમ અને શિક્ષિત ગુજરાત બનાવવાની દિશામાં આગેકૂચ કરતું એક દૂરંદેશીભર્યું બજેટ છે.  શ્રી વરચંદે જણાવ્યું હતું કે, સમાજના પ્રત્યેક વર્ગોને આવરી લેતાં આ બજેટ થકી ગુજરાતની ઔદ્યોગિક ક્ષમતામાં વધારો થશે, શ્રમિકો અને ગ્રામીણ ગુજરાતનું જીવનધોરણ ઊંચું આવશે, નર્મદાનાં પાણીને સમુદ્રમાં વહી જતું અટકાવવા કચ્છમાં સુજલામ સુફલામ પાઈપલાઈન યોજના માટે માતબર રકમની ફાળવણી, કામધેનુ મહાવિદ્યાલય હેઠળ ભુજ ખાતે પશુચિકિત્સા અને પશુપાલન યુનિવર્સિટી માટે અઢાર કરોડ જેટલી રકમની જોગવાઈ માટે તેમજ કચ્છના આરોગ્ય કેન્દ્રની ચિંતા કરીને વિશેષ બજેટ ફાળવવા બદલ કચ્છની જનતા વતી તેમણે સરકારનો આભાર માન્યો હતો. શ્રી વરચંદે ગરવી ગુજરાતને વધુ ગૌરવવંતું બનાવતું બજેટ ગણાવ્યું  હતું. - વિકાસને વેગ મળશે : ગુજરાત સરકારનું વર્ષ 2026-2027નું બજેટ નાણામંત્રી કનુભાઇ દેસાઇ દ્વારા રજૂ કરવામાં આવ્યું. તેનાથી આગામી ગુજરાતના વિકાસને વેગ મળશે. ખાસ કરીને કચ્છ માટે સિંચાઇ, પશુપાલન, પ્રવાસન ક્ષેત્રે પણ આ બજેટમાં સારી એવી જોગવાઇઓ કરેલ છે, ત્યારે કિસાનો, શ્રમિકો તેમજ ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત કરવાના વિઝન સાથે શહેરી વિસ્તારોમાં પણ માળખાંકીય સુવિધાઓ વધુ સુદૃઢ બનશે તેવું કેડીસીસી બેન્કના ચેરમેન દેવરાજ ગઢવીએ જણાવ્યું હતું. - કચ્છને વિશેષ મહત્ત્વ અપાયું : કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. સરહદ ડેરીના ચેરમેન  વલમજીભાઈ હુંબલે જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લાને વિશેષ મહત્ત્વ સાથે કૃષિ, ખેડૂતો, પશુપાલકો અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે ઉત્તમ બજેટ રજૂ થયું હોવાની લાગણી વ્યક્ત કરી હતી. આ બજેટ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા  માટે વિશિષ્ટ મહત્ત્વ છે તેમજ ગુજરાત  ભારતનું ગ્રોથ એન્જિન બનાવવાની દિશામાં ઝડપથી આગળ વધશે. - ધોળાવીરાનો વિકાસ : ગુજરાતના ઇતિહાસનું અત્યાર સુધીનું સૌથી મોટું રૂા. 4,08,053 કરોડનું બજેટ વિધાનસભામાં રજૂ કરવા બદલ નાણામંત્રી  કનુભાઈ દેસાઈને અભિનંદન પાઠવતાં ક.વી.ઓ. જૈન મહાજન ભુજના પ્રમુખ જિગર છેડાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યની સાથે કચ્છ જિલ્લાના વિકાસને આવરી લઈ સંતુલિત વિકાસશીલ બજેટ સાથે રાજ્ય સરકારે બજેટમાં ગ્રીન ઊર્જા, ઉદ્યોગ, પ્રવાસન, વ્યાપાર, કૃષિ, ડેરી ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે વિગેરે માટે મોટી રકમની જોગવાઈઓ કરી સરકારે ખાસ કરીને સાચા અર્થમાં નાનામાં નાની વ્યક્તિની ચિંતા કરી છે. કચ્છ જિલ્લામાં ઐતિહાસિક વારસા સમાન ધોળાવીરાને સાંસ્કૃતિક હબ તરીકે વિકસાવવાની જાહેરાત કરાઈ છે. - કચ્છમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રના વિકાસને વેગ મળશે : કુલપતિ : ગુજરાત સરકારે રજૂ કરેલાં અંદાજપત્રને આવકાર આપતાં કચ્છ યુનિ.ના કુલપતિ ડો. મોહનભાઇ પટેલે કહ્યું કેબજેટમાં કરાયેલી મહત્ત્વની જાહેરાતથી કચ્છમાં ઉચ્ચ શિક્ષણના વિકાસના દ્વાર ખૂલશે. નેકની માન્યતા મળ્યા બાદ ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગા, ધારાસભ્ય અનિરુદ્ધ દવે સહિતનાના પ્રયાસથી 48.26 કરોડની માતબર ગ્રાન્ટ ફાળવાતાં સ્પોર્ટસ કોમ્પ્લેક્સ, નવાં સાધનો ખરીદવા, સ્કિલ એજ્યુકેશન માટે નવા ભવન સહિતની માળખાંકીય સુવિધા વિકસશે. કચ્છમાં સંભવિત પ્રથમવાર કોઇ એક તાલુકામાં બીજી સમકક્ષ કોલેજની મંજૂરી મળી છે. ગઢશીશામાં ત્રણેય પ્રવાહની સરકારી કોલેજની મંજૂરીથી વિશેષ રીતે દીકરીઓના અભ્યાસનું પ્રમાણ વધશે. સિનુગ્રામાં કૃષિ કોલેજ અને અંજારમાં પોલિટેકનિક કોલેજ માટેની જોગવાઇને તેમણે આવકાર આપ્યો હતો. - કચ્છ માટે વિશેષ યોજના : ખેડૂતોના વિકાસના લક્ષ્ય સાથેનાં બજેટને પૂર્વ ધારાસભ્ય પંકજભાઇ મહેતાએ વધાવવા સાથે મુખ્યમંત્રી અને નાણામંત્રીને અભિનંદન પાઠવ્યા હતા. બજેટને આવકારવા સાથે જણાવ્યું હતું કે, દરિયામાં વહી જતાં નર્મદાનાં પાણીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાળવા સુજલામ સુફલામ પાઇપલાઇન યોજના માટે 1237 કરોડ રૂપિયા, કચ્છ યોજના માટે 1333 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા. કચ્છ જિલ્લાના દુધઇ સબ-બ્રાન્ચ કેનાલનાં કામો માટે રૂા. 230 કરોડની જોગવાઇ, કચ્છના વનવિસ્તારમાં ગાંડા બાવળને દૂર કરી તેના સ્થાને બામ્બુ વાંસ સહિત અન્ય સ્થાનિક વૃક્ષોનું વાવેતર કરવા તેમજ કચ્છ બન્ની ઘાસિયાં મેદાનમાં ગ્રાસલેન્ડ રિસ્ટોરેશન માટે રૂા. 97 કરોડની જોગવાઇ કરવામાં આવી. રાજ્યના 10 સામૂહિક કેન્દ્રો માટે રૂા. 28 કરોડની જોગવાઇ જેમાં કચ્છનો સમાવેશ, કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના દૂધ ઉત્પાદક સહકારી સંઘોને વિવિધ માળખાંકીય સુવિધાઓ પૂરી પાડવાની જોગવાઇ, જે આવનારા સમયમાં કચ્છના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા અદા કરવાની લાગણી વ્યક્ત કરી હતી. - બજેટમાં 10 ટકાના વધારાથી રાજ્યના વિકાસને ગતિ મળશે : રાજ્ય સરકાર દ્વારા આજે રજૂ કરાયેલા અંદાજપત્રમાં વિવિધ ક્ષેત્ર માટે કરાયેલી જોગવાઈઓથી રાજ્યના વિકાસને ગતિ મળશે, તેવું ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તેજાભાઈ કાનગડે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, વિશ્વ ધરોહર ધોળાવીરા માટે તેમજ લોથલ ખાતે બનતા મ્યૂઝીયમ  કે જેમાં દીનદયાલ પોર્ટનો પણ સહયોગ છે, તે માટે કરાયેલી રકમની  ફાળવણી આવકારદાયક છે અને તેનાથી  પ્રવાસનને વેગ મળશે.  બજેટમાં 10 ટકાના વધારાની જોગવાઈથી વિકાસને ગતિ મળશે તેમજ  જીઆઈડીસીના વિકાસ માટે લેવાયેલા નિર્ણયથી નાના ઉદ્યોગો અને લઘુ ઉદ્યોગોને ફાયદા થશે તેવું તેમણે ઉમેર્યું હતું. - ભુજને મનપાનો દરજ્જો ન મળતાં નિરાશા : નાણામંત્રી કનુભાઇ મોહનલાલ દેસાઇ દ્વારા પાંચમી વાર બજેટ રજૂ કરાયું છે, જેને આવકાર આપતાં ચેમ્બર ઓફ કોમર્સ ભુજના પ્રમુખ અનિલ ગોરે પ્રતિક્રિયાઓ આપી હતી. આ વર્ષનાં બજેટમાં ભુજને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો નથી જેથી નિરાશા ફેલાઇ હતી. સુજલામ સુફલામ યોજના હેઠળ કચ્છમાં નર્મદાનું પાણી મળશે તેથી ઉદ્યોગ અને કૃષિ ક્ષેત્રે ફાયદો થશે. - કચ્છમાં સી.એન.જી. : ગુજરાતનું આ બજેટ નાના અને મધ્યમ લોકો માટે બહુ સારું એવું બજેટ સરકારે રજૂ કર્યું છે જેની અંદર ઉદ્યોગનીતિ, શિક્ષણ, મેડિકલ, ખેડૂતો અને મહિલાઓને ધ્યાનમાં રાખીને બજેટ રજૂ કરવામાં આવ્યું. આ બજેટમાં કચ્છ માટે જીઆઇડીસી નવી બનાવવા માટે અને સુજલામ સુફલામ તથા પાણીની નવી પાઈપલાઈનો માટે રૂપિયા 3043 કરોડ ફાળવવામાં આવ્યા. બાયો. સી.એન.જી. સ્થાપવા માટે 1200 કરોડની જોગવાઈ કરવામાં આવી. કચ્છની અંદર ડેવલોપમેન્ટ માટે આ બજેટમાં સમાવેશને ગ્લોબલ ચેમ્બર્સ ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રી એન્ડ લોના પ્રમુખ રાજેન્દ્ર ટાંકે આવકાર આપ્યો હતો. - ઔદ્યોગિક તાલીમ અભ્યાસમાં કન્યાઓની સંખ્યા વધશે : અંદાજપત્રમાં  જાહેર કરેલી નમો લક્ષ્મી કૌશલ્ય યોજનાથી ઔદ્યોગિક તાલીમ અભ્યાસમાં  કન્યાઓની સંખ્યામાં વધારો થશે તેવું ગાંધીધામ આઈટીઆઈના ઈન્સ્ટ્રક્ટર મયૂરીબેન રાજગોરે જણાવ્યું હતું. અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને વર્તમાન સમયમાં પણ અનેક લાભો મળી  રહ્યા છે, ત્યારે   રાજ્ય સરકાર દ્વારા નિ:શુલ્ક શિક્ષણ, શિષ્યવૃત્તિ સહિતના લાભો અપાય છે તેમજ નોકરીની તકો પણ 100 ટકા ઉપલબ્ધ છે, ત્યારે વધુ એક યોજના થકી કન્યાઓમાં તકનીની શિક્ષણ અંગે જાગૃતિ આવશે તેવું  ઉમેર્યું હતું.  - જીઆઈડીસી નવીનીકરણ નાના ઉદ્યોગો માટે લાભદાયી : ગુજરાત સરકાર દ્વારા આજે રજૂ કરાયેલાં અંદાજપત્રમાં  નાના ઉદ્યોગો માટે કરાયેલી જાહેરાત પ્રોત્સાહક હોવાનું ગાંધીધામ જીઆઈડીસી એસોસીએશનના પ્રમુખ રશ્મીકાંત મહેતાએ જણાવ્યું હતું.  તેમણે કહ્યું હતું કે, નાની જીઆઈડીસીના નવીનીકરણની જાહેરાતથી  નાના ઉદ્યોગોને લાભદાયી બનશે તેમજ સરકાર દ્વારા લધુ ઉદ્યોગ પ્રત્યે  વિશેષ ધ્યાન આપ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું. - શહેરીકરણનો વિકાસ જ્યારે ગ્રામ્યને નજરઅંદાજ કરાયું : ગુજરાત સરકારના બજેટમાં માત્ર શહેરીકરણના વિકાસને ધ્યાનમાં રાખવામાં આવ્યું છેપરંતુ  ગ્રામ્ય વિસ્તારને નજરઅંદાજ કરાયો હોવાનું  કાર્ગો હોન્ડાના જનરલ મેનેજર વિપિન ઠક્કરે જણાવ્યું હતું.  ગ્રામ્યને નજરઅંદાજ કરીને વિકાસ કેમ થશે, તેવો સવાલ કર્યો હતો. જો કે, પર્યટન, ધાર્મિક વિકાસ માટે જોગવાઈ છે, પરંતુ રોજગાર અને શિક્ષણ ક્ષેત્ર માટે  કોઈ નક્કર આયોજન ન હોવાનું તેમણે ઉમેર્યું હતું. ખેડૂતો અને  મહિલા સશક્તિકરણ માટેની જોગવાઈ પાસેરામાં પુણી સમાન હોવાનું તેમણે ઉમેર્યું હતું. - બજેટમાં શિક્ષણ માટે 13 જાહેરાત : એનઈપીની  ઝલક : `બજેટમાં ખાસ કરીને શિક્ષણ માટે 13 મોટી જાહેરાત છે અને એનઈપી-2020ની ઝલક જોવા મળે છે. એકંદર બજેટ ખૂબ સારું અને પ્રજાલક્ષી બજેટ છે `એમ કહે છે મુંદરાની એસ.ડી. શેઠિયા કોલેજ એજ્યુકેશનના પ્રિન્સિપાલ ડો.  કૈલાસ એમ નાંઢા. તેઓ ઉમેરે છે કે, નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના દ્વારા કન્યા શિક્ષણ પર ભાર એ શિક્ષણની ગતિ વધારશે. - માંડવી માટે જોગવાઇ નથી : પ્રત્યાઘાત આપતાં માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલ દોશીએ જણાવ્યું કે, ગુજરાતના સામાજિક અને માળખાંકીય વિકાસનું ગ્રોથ એન્જિન બની રહેશે. ગુજરાત સરકારે વર્ષ 2026ને પ્રવાસન વર્ષ તરીકે ઊજવવાનું નક્કી કર્યું છે ત્યારે કચ્છના પ્રવાસન વિકાસ માટે ખાસ કોઇ જોગવાઇ દેખાઇ નથી, જેમાં ખાસ કરીને માંડવી બંદર માટે પ્રવાસનના હાર્દસમા બીચના વિકાસ માટે નક્કર જોગવાઇ કરવાની ખાસ જરૂરત છે. 

Panchang

dd