• ગુરુવાર, 15 જાન્યુઆરી, 2026

ભોયણ નદીપટનો આડબંધ હવે ડેમ બન્યો

વિથોણ, તા. 15 : અધોછનીના સીમાડે આવેલી વેદડી અને ભોયણ નદીના સંગમ સ્થળે બાંધેલો આડબંધ વરસાદમાં પાણી સંગ્રહનો ડેમ બની ગયો છે. અત્યારે બંને નદીમાં  દૂર સુધી પાણીનો જથ્થો સંગ્રહલાયેલો જોવા મળે છે. આડબંધમાં ભરાયેલાં પાલર પાણીથી ખેતી પેદાશોની પાતાળી જળસ્તર પણ સુધરી છે. આ આડબંધના સંગ્રાયેલાં જળ સંગ્રહમાં જળચર પ્રાણીઓ વસવાટ કરે છે. નદી કિનારે નિત્ય પક્ષીઓના કલરવ સંભળાય છે. આડબંધ બનાવ્યા પછી વધુ પાણી સંગ્રહાય તેવા ઉદ્દેશ્ય સાથે સ્થાનિક ખેડૂતોએ આડબંધને મોટું રૂપ આપવા શ્રમદાન આપ્યું છે. અત્યારે બંને નદીના તળમાં એક કિલોમીટર સુધી પાણી ભરેલું છે. વેદડી નદીમાં પાલરધુના સુધી પાણી ભરેલું છે. જ્યારે ભોયણ નદીનું ઉદ્ગમ સ્થાન અઘોછની ડેમ અને ગંગાજી મંદિર સુધી જળશ્રોત ભરેલો છે જે પંથકના પશુઓ માટે જીવાદોરી સમાન છે. બંને નદીના સંગમ સ્થાને વિશાળ ડેમ બની ગયો છે અને પાણીના સંગ્રહમાં 4થી 5 જેટલા મગર વસવાટ કરે છે. સુઘરીના માળાઓ જોવા મળે છે. નર્મદાનું પાણી પશ્ચિમ કચ્છની ખેતી માટે અત્યારે દિવા સ્વપન જેવું છે. પંથકના ખેડૂતો કહે છે કે, નર્મદાનાં નીર અમારા માટે ઝાંઝવાના નીર છે, પરંતુ નદીઓ ઉપરના આડબંધો પાતાળી પાણી માટે રસાંગનું એક ઉત્તમ કાર્ય છે. બાગાયતી ખેતી અને હેતુને કારણે પાણીની મોટી બચત થઇ હોવાનું ખેડૂતોએ જણાવ્યું છે. કેસર આંબા, દાડમ અને પપૈયા જેવા બાગાયતી પેદાશોએ પાણીમાં પ્રાણ પૂર્યા છે, તેવું પ્રગતિશીલ ખેડૂત કાંતિભાઇ લીંબાણીએ જણાવ્યું છે.

Panchang

dd