• મંગળવાર, 03 માર્ચ, 2026

નખત્રાણા પંથકમાં શિયાળુ પાકની લણણીનો પ્રારંભ

મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 2 :  આ તાલુકો એટલે ખેતીનો `પ્રધાન' આ વિસ્તારમાં શિયાળુ રાયડાનો પાક મોટા પ્રમાણમાં લહેરાયો છે અને પાકની લણણી સાથે બજારમાં માલ આવવા લાગ્યો છે. સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર થયા પણ ખરીદી સેન્ટર હજી સુધી નક્કી ન થતા ખેડૂતોને નીચા ભાવે વેચાવાનો સમય ન આવે એવો આક્રોશ સાથે સરકારે ખરીદી સેન્ટર સત્વરે શરૂ કરવા માંગ કરાઈ હતી. વિથોણના ખેડૂત શાંતિલાલ નાયાણીએ કહ્યું હતું કે, હાલમાં રાયડાની લણણી બાદ માલ તૈયાર છે. સરકારે ટેકાના ભાવ 2480 (1 મણના) જાહેર કર્યા છે. અરજીઓ થઈ ગઈ પણ સેન્ટર નક્કી ન કરાતા ખેડૂતો અવઢવમાં છે. વધુ ઉમેર્યું હતું કે, હાલમાં 2300 ભાવ 1 મણના રાયડાના છે. ગત વર્ષ રાયડાના 2370 મણના હતા. સરકાર ટેકાના ભાવે ખરીદીનું સેન્ટર જલ્દી શરૂ કરે તો ખેડૂતોના મમાલનો નિકાલ થાય તેવી માંગ ઊઠી હતી.

ઘઉંની લણણી શરૂ :

નખત્રાણા તાલુકાના  પંથકમાં શિયાળુ પાક એવા ઘઉંની વાઢણીનો પ્રારંભ કરાયો છે. પંજાબમાંથી આવેલા આધુનિક હાર્ડવેસ્ટર મશીનો ખેતરોમાં ધમધમ્યા છે.

નેત્રા પંથકમાં મોટા પાયે ઘઉનુ ઉત્પાદન

ચાલુ વર્ષે નેત્રા પંથકમાં મોટા પાયે ઘઉંનું વાવેતર કરાયું હતું. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ આગામી એક મહિના સુધી કાપણી કામગીરી પૂરજોશમાં ચાલશે. ખેડૂત મામદભાઈ સંગારે જણાવ્યું હતું કે હાર્ડવેસ્ટર દ્વારા એકરદીઠ રૂ. 1,400થી 1,600 સુધીની મજૂરી ચૂકવવી પડે છે હાલ ટેકાના ભાવ અંગે સત્તાવાર જાહેરાત થઈ નથી. સ્થાનિક બજારમાં 496 ક્વોલિટીના ઘઉંને રૂ. 22થી 24 પ્રતિ કિલો ભાવે ખરીદી કરવામાં આવી રહી છે, જ્યારે ઘરવપરાશ માટે રૂ. 28થી 30 સુધી ભાવ મળતા હોવાનું જાણવા મળે છે. ઘઉંના ટેકાના ભાવો અને સેન્ટર તેમજ રાયડા ના ખરિદી સેન્ટર સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે જાહેર થાય, એવું ખેડૂતો ઈચ્છી રહ્યા હોવાનું જણાવ્યું હતું.

Panchang

dd