• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

બિદડામાં રોબોટીક રિહેબિલિટેશન સેન્ટર કાર્યરત કરાશે

કોડાય, તા. 6 : બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત જયા રિહેબિલિટેશન ઇન્સ્ટિટયૂટ અને રિસર્ચ સેન્ટર છેલ્લાં 25 વર્ષથી દિવ્યાંગજનોના પુન:વસન હેતુ સતત પ્રયત્નશીલ છે, તેના જ ભાગરૂપે આગામી સમયમાં ટ્રસ્ટ મધ્યે રોબોટીક રિહેબિલિટેશનની શરૂઆત થવા જઇ રહી છે. બિદડા સર્વોદય ટ્રસ્ટ તથા જયા રિહેબિલિટેશનના ડાયરેક્ટર મુકેશ દોશીના જણાવ્યા અનુસાર રોબોટિક રિહેબિલિટેશન સેન્ટર માટે જે પણ સાધનો મગાવવામાં આવેલાં તે દર્દીઓ માટે પુન:પ્રાણે ઉપયોગી હોય તેમજ ડોક્ટર પણ એનાથી સર્ટિફાઇડ હોય તેવા જ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આ સેન્ટરમાં રાખવામાં આવશે. હાલમાં સિંગાપોરમાં બનેલું મશીન રોબોટીક ગેટ ટ્રાનિંગ જે અહીં મગાવવામાં આવેલું તેનો ડેમો ડોક્ટરો દ્વારા લેવામાં આવેલો અને તેમાં જોવામાં આવેલું કે, દર્દીને પોતાની મદદથી તેમજ થેરાપિસ્ટ કઈ રીતે ચલાવી શકશે અને તેમાં શું સુધારા વધારા કરી શકાશે, કઈ રીતે એ દર્દીઓ માટે ઉપયોગી નિવડશે અને કઈ રીતે એની મદદથી ભવિષ્યમાં આ વધારે ને વધારે દર્દીઓને મદદરૂપ થઈ શકશું, તેનું નિરીક્ષણ કરાયું હતું. બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડાના જણાવ્યા અનુસાર આવાં મશીનોની મદદથી જ રોબોટીક રિહેબિલિટેશન સેન્ટર શરૂ કરવામાં આવશે, જે મોટાભાગે અમદાવાદ, બરોડા, રાજકોટ, મુંબઈ જેવાં શહેરોમાં જોવા મળે છે. આવી સુવિધા હવે કચ્છમાં પ્રાપ્ત થશે. જયા રિહેબના એડમીન ડો. લોગનાથને મશીનની રૂપરેખા આપતાં જણાવ્યું કે, આ મશીનની મદદથી લકવાગ્રસ્ત દર્દીઓ કે જે લોકો પોતાનો પગ બરોબર રીતે ઉપાડી ન શકતા હોય પેરાલિસીસના અન્ય દર્દીઓ જે લોકોના પગમાં થોડી ઘણી નબળાઈ હોય, એ લોકોને વારંવાર કહેવાનું કે, આટલો પગ ઉપાડવાનો છે-આ રીતે પગ ઉપાડવાનો છે-એને પગ ઉપાડવામાં ઘૂંટણ ઉપાડવામાં જે પણ મદદ થેરાપિસ્ટ દ્વારા અથવા તો એમના ઘરના માણસ દ્વારા જે કરવામાં આવે છે, તે આ મશીનની મદદથી થોડું સહેલું થશે જેનાથી એ દર્દી વધારે ને વધારે પ્રેક્ટિસ કરી શકશે.  જયા રિહેબના ડો. અશોક ત્રિવેદીએ જણાવ્યું કે, આ મશીનની મદદથી એમાં પ્રોગ્રામ સેટ કરી શકાય છે કે, દર્દીએ કયો-કયો જોઈન્ટ કેટલો વાળવાનો છે, કયા સાંધાનો કેટલો ઉપયોગ કરવાનો છે, તેને કેટલા સ્ટેપ્સ લેવાના છે, કઈ ઝડપથી ચાલવાનું છે, તો તેનાથી સંપૂર્ણપણે કંટ્રોલ એમાં કરી શકાશે. બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત જયા રિહેબિલિટેશન ઇન્સ્ટિટયૂટ અને રિસર્ચ સેન્ટર દ્વારા દિવ્યાંગો માટે થઈ રહેલાં આ કાર્યમાં પ્રત્યક્ષ કે પરોક્ષ સહભાગી થવા બદલ સૌનો આભાર માનવામાં આવ્યો હતો.

Panchang

dd