• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

ગાંધીધામમાં માર્ગોનાં કામ ધીમી ગતિએ થતાં મુશ્કેલી

ગાંધીધામ, તા. 6 : ગાંધીધામ-આદિપુરના અલગ-અલગ વિસ્તારોમાં કરોડ રૂપિયાના ખર્ચે નવા માર્ગોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ કામ ધીમી ગતિએ થઈ રહ્યું છે. ખોદકામ કરીને મૂકી દેવામાં આવતાં નાગરિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અધિકારીઓ દ્વારા કામગીરીની સમીક્ષા કરીને કોન્ટ્રાક્ટરોને કામ બાબતે જરૂરી સૂચનાઓ આપવામાં આવે તે આવશ્યક છે. ગાંધીધામના ટાગોર રોડથી ગુરુકુળ તરફ જતો માર્ગ નવો બનાવવામાં આવી રહ્યો છે. કોન્ટ્રાક્ટરે ખોદકામ કરીને મૂકી દીધું છે. રોડ એક બાજુ બંધ કરી દેવાતાં ટ્રાફિક સહિતની સમસ્યાઓ સર્જાઇ રહે છે. લોકોને તેમજ સ્કૂલનાં બાળકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, તો આદિપુરમાં ગણપતિ માર્ગ ઉપર પણ ખોદકામ કરીને મૂકી દેવાયું છે. મંથર ગતિએ થતી કામગીરીથી નાગરિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા પછી એક પછી એક માર્ગોનાં કામ શરૂ કરવામાં આવ્યાં છે, તો પાણી નિકાલ માટે વરસાદી નાળાં બનાવવાની કામગીરી પણ શરૂ થઈ છે. ખાસ કરીને ગાંધીધામ સંકુલના લોકો માર્ગોને લઈને પરેશાન છે. કમિશનર મનીષ ગુરુવાણી આવ્યા પછી કામગીરીનો ધમધમાટ શરૂ થયો છે. નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી દેસાઈ અને મ્યુનિસિપલ કમિશનર સંજય રામાનુજ કામગીરી ઉપર નજર રાખી રહ્યા છે, પરંતુ હાલના સમયે કોન્ટ્રાક્ટરો ધીમી ગતિએ કામ કરતા હોવાથી લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 176 કરોડના વિકાસનાં કામોનું ખાતમુહૂર્ત કર્યા પછી મોટાભાગનાં કામો શરૂ થયાં છે. સાડા પાંચ કરોડના ખર્ચે 36 પેવરબ્લોક માર્ગ બની રહ્યા છે, તો ટાગોરથી ગુરુકુળ અને ત્યાંથી લઈને રમતગમત સંકુલ સુધી ઉપરાંત અલગ-અલગ વિસ્તારોમાં માર્ગોનાં કામો શરૂ થયાં છે. આદિપુરમાં ગણપતિ માર્ગ તેમજ એસ.આર.સી. નજીકના રોડ સહિતના વિસ્તારોમાં માર્ગોનાં કામ શરૂ છે. મંથર ગતિએ કામ થતાં હોવાથી મુશ્કેલીઓ વધી રહી છે. અધિકારીઓ દ્વારા આ બાબતે સમીક્ષા કરીને કોન્ટ્રાક્ટરો નાગરિકોને હેરાનગતિ ન થાય તે રીતે ઝડપથી કામગીરી કરે તે સહિતની સૂચના આપવી અત્યંત આવશ્યક અને જરૂરી હોવાનું જાણકારો જણાવી રહ્યા છે.

Panchang

dd