• મંગળવાર, 25 જૂન, 2024

ગાંધીધામમાં બીજા દિવસે પણ મિની વાવાઝોડાં જેવો માહોલ સર્જાયો

ગાંધીધામ, તા. 30 : આ સંકુલ તથા તાલુકામાં  સુસવાટા મારતા પવનોના લીધે ગઇકાલે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. રાત્રિ સુધી શાંત રહેલા વાતાવરણે આજે સવારે પલટો માર્યો હતો. સવારે ફરી પાછા કાળા ડિબાંગ વાદળોની સાથે જોરદાર પવન ફૂંકાયો હતો, જેમાં આજે પણ અમુક જગ્યાએ વૃક્ષો પડી ગયા હતા. અનેક વિસ્તારોમાં આજે પણ વીજળીએ રૂસણા લીધા હતા. અમુક જગ્યાએ વીજરેષા તૂટી ગયા હતા. પચરંગી એવા આ સંકુલ અને તાલુકામાં ગઇકાલે ફૂંકાયેલા જોરદાર પવને ભારે હાલાકી સર્જી હતી. અનેક જગ્યાએ વૃક્ષો પડી ગયાં હતાં.મોબાઇલનો ટાવર પણ તાસના પત્તાની જેમ પડયો હતો. એક જગ્યાએ વીજરેષા, વીજથાંભલા પડી ગયા હતા જેના કારણે અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયું હતું. અમુક વિસ્તારોમાં છેક રાત્રે બે વાગ્યે વિજળી આવી હતી અને રાત્રિ દરમ્યાન તથા આજે સવારે પણ વિજળીની આવન-જાવન ચાલુ રહી હતી, જેના કારણે લોકોના વીજ ઉપકરણોમાં પણ અસર થઇ હતી. ગઇકાલે ફૂંકાયેલા પવને  નગરપાલિકા અને વીજતંત્રની પોલ ખોલી નાખી હતી અને આ બંને તંત્રો દોડતા થયા હતા. રાત્રિ દરમ્યાન શાંત રહેલાં વાતાવરણે આજે સવારે 10.30ના અરસામાં પલટો માર્યો હતો. આકાશમાં અચાનક કાળા ડિબાંગ વાદળો આવી ચડયાં હતાં. આ વાદળોની સાથે આજે સવારે પણ સુસવાટા મારતા પવને અનેક વૃક્ષોને ભોંય ભેગા કરી નાખ્યા હતા. શહેરના ટાગોર રોડ, ટાઉનહોલ સેક્ટર-7 વગેરે વિસ્તારોમાં ઝાડ પડી ગયાં હોવાના કોલ  નગરપાલિકામાં આવ્યા હતા.પાલિકાની ટીમોએ  દોડીને આ વૃક્ષોની કટિંગ કરી માર્ગો સાફ કર્યા હતા. આજે પણ અમુક જગ્યાએ પતરાં ઊડયાં હતાં.અનેક જગ્યાએ વીજ વાયરો તૂટીને નીચે પટકાયા હતા, જેના કારણે આજે પણ અનેક વિસ્તારો વીજળી વિનાના રહ્યા હતા. આજે સવારે ફૂંકાયેલા પવનના કારણે કામે જતાં દ્વિચક્રીય વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang