• શનિવાર, 20 ડિસેમ્બર, 2025

17 હજાર વિદ્યાર્થી : સ્વામિનારાયણ મંદિર કચ્છની સૌથી મોટી સંસ્થા બની

કેરા (તા. ભુજ), તા. 19 : ન માત્ર કચ્છ સત્સંગ, પરંતુ સમગ્ર ગુજરાતના સ્વામિનારાયણ સંપ્રદાયમાં કેળવણી ક્ષેત્રે શિરમોર કામ કરતી સંસ્થા તરીકે ભુજનું નરનારાયણદેવ મંદિરે 17 હજાર છાત્ર-છાત્રા સાથે મોખરાની સંસ્થાનું સ્થાન હાંસલ કર્યું છે, જેમાં સંતોનું સમર્પણ પાયામાં છે. નારાણપર ગુરુકુળના ઉત્સવની પોથીયાત્રામાં ઊમટેલા ભાવિકો એ વાતના સાક્ષી બન્યા હતા. ભુજ મંદિરના મહંત પુરાણી ધર્મનંદનદાસજી સ્વામી, ઉપમહંત પુરાણી ભગવદ્જીવન સ્વામી, કોઠારી પાર્ષદવર્ય જાદવજીભગત, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, કોઠારી દેવપ્રકાશદાસજી સ્વામી, સ્વામી ધર્મચરણદાસજી, શાત્રી કૃષ્ણજીવનદાસજી સ્વામી, શાત્રી દેવચરણદાસજી સ્વામી, શાત્રી મુક્તવલ્લભદાસજી સ્વામી જેવા અનેક વડીલ અને યુવા સંતોની દૃષ્ટિનીં કારણે ભુજ મંદિરે કેળવણી ક્ષેત્રે ગુણવત્તાયુક્ત માનભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું છે, જેમાં અનેકવિધ સત્સંગ પરાયણ દાનવીરોએ છૂટા હાથે લક્ષ્મીનું સમર્પણ કર્યું છે, આવો ભાવ હરિભક્તોએ નારાણપર સ્વામિનારાયણ  ગુરુકુળના 20 વર્ષ નિમિત્તે ઊજવાતા સદ્વિદ્યા પર્વ પ્રસંગે વ્યક્ત કર્યો હતો. બહોળી સંખ્યામાં ચોવીસી ઊમટી પડતાં પ્રથમ જ દિવસથી માહોલ જામ્યો હતો. કેરા, કુંદનપર, નારાણપર, સૂરજપર, ગોડપર, મેઘપર, બળદિયા, પાંચાડાનાં ગામોની હાજરીમાં શિક્ષાપત્રી કથાનું મંગળાચરણ વિશાળ કથા પંડાલમાં થયું હતું. ગુરુકુળના ટ્રસ્ટી નવીનભાઈ પાંચાણી, રવજીભાઈ કેરાઈ, ગોવિંદભાઈ હાલાઈ, મુકેશભાઈ વેકરિયા, હરીશ સૂર્યવંશી સહિતના અનેક કાર્યકરો જોડાયા હતા. વિલ્સડન મંદિર પ્રમુખ કુંવરજીભાઈ કેરાઈ, પૂર્વ આફ્રિકા ચેરમેન કાંતિભાઈ મનજી કેરાઈ, વરિષ્ઠ સત્સંગી રામજીભાઈ દેવજી વેકરિયા, કુંવરજીભાઈ દેવરાજ વેકરિયા, કે.કે. જેસાણી, રવજીભાઈ વરસાણી, આર. ડી. વરસાણીના પ્રતિનિધિ જયંતીભાઈ કેરાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોને પીળી પાઘ, ઉત્સવમુદ્રા અપાઈ હતી. પ્રથમ સત્રમાં નરનારાયણદેવના જયઘોષ સાથે ભુજ મંદિરના કેળવણી યજ્ઞની જ્યોત વધુ પ્રકાશે વિસ્તરી હતી.

Panchang

dd