ભુજ, તા. 20 : શહેરના મિરજાપર રોડ પર પ્રાઇમ
લોકેશન ગ્રાઉન્ડના વિશાળ પરિસરમાં નર્મી અને કચ્છમિત્ર દ્વારા મુખ્ય પ્રાયોજકો અદાણી
ફાઉન્ડેશન, અદાણી પેટ્રોકેમિકલ્સ તેમજ
એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝના મુખ્ય સહયોગથી યોજિત 14મા હાઇટેક કૃષિ-ડેરી એક્સપોના બીજા દિવસે
સોમવારે કચ્છભરમાંથી કિસાન પરિવારો ઊમટી પડયા હતા અને માહિતીના ખજાનાની મજા માણી હતી.
પ્રાકૃતિક ખેતીનાં ફળ, શાકભાજી,
વેધર સ્ટેશન, ડ્રોન ટેકનોલોજી, સોઈલ ટેસ્ટિંગ, સોઈલ ચાર્જ ટેક્નોલોજી જેવી સિસ્ટમ્સના
જીવંત નિદર્શનો, પ્રદર્શનો ભારે આકર્ષણ જમાવી રહ્યા છે. મુખ્ય
પ્રાયોજક અદાણી ફાઉન્ડેશનના સ્ટોલ પર ફાઉન્ડેશન પાસેથી તાલીમ મેળવીને પ્રકૃતિનાં ખોળે
ખેતી કરતા ખંતીલા ખેડૂતોએ પોંખીને પકવેલા 13 પ્રકારનાં શાકભાજી અને આઠ પ્રકારનાં ફળોનું નિદર્શન-પ્રદર્શન
જોઇને મોટી સંખ્યામાં કિસાનોએ પ્રેરણા મેળવી હતી. મુખ્ય પ્રાયોજક એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝના
સ્ટોલ પર `મહાલાભ'
તેમજ `મેક્સિમા'ની વનસ્પતિઓમાંથી નિર્મિત પ્રાકૃતિક જંતુનાશક
દવાઓનાં નિદર્શનને જોઇને કચ્છના ખૂણેખૂણેથી ઊમટેલો કિસાન સમુદાય પ્રભાવિત થયો હતો.
અનાજનો દાણેદાણો માત્ર દવા, ખાતર, પાણી
જ નહીં પરંતુ પરસેવાથી પકવીને પરિશ્રમ કરતા કિસાનો માટે કચ્છની સંસ્થાઓ, સંશોધકો તેમજ ખમતીધર ઉદ્યોગગૃહો કેટલી મહેનત કરે છે તે નજરોનજર જોવું-જાણવું
હોય તો હજુ બે દિવસ બાકી છે, ત્યારે હાઇટેક કૃષિ-ડેરી એક્સપોમાં
ઊમટી પડવા કિસાનોને આયોજકો-પ્રાયોજકોએ આમંત્રણ સાથે અપીલ કરી હતી. `સ્માર્ટ ફાર્મિંગ અપનાવો, પાકની ઉપજ વધારો'ના સંદેશ
સાથે `ફાયલો'
વેધર સ્ટેશનની કમાલની કૃષિ ટેકનોલોજીએ પણ કિસાનોમાં કુતૂહલ સાથે આકર્ષણ
જમાવ્યું હતું. - વાડી-ખેતરમાં જ હવે ઘરનું હવામાન ખાતું : ટચલેસ સેન્સર્સથી
સજ્જ વેધર સ્ટેશનની મદદથી પાણીનું વ્યવસ્થાપન, હવામાનની સાથોસાથ રોગ-જીવાતની આગાહી કરી શકાય
છે. આ વેધર સ્ટેશનથી 40 ટકા સુધી
પાણીની બચત, 30 ટકા સુધી ખાતરની બચત તેમજ 20 ટકા સુધી પાક ઉત્પાદનમાં વધારો જેવા લાભો મળી શકે છે. સાથોસાથ
દેશમાં પ્રથમવાર લાયો ફિલાઇઝેશન ટેકનોલોજીથી નિર્મિત જૈવિક ખાતરથી પાકને પોષણનાં નિદર્શનને
પણ ખેડૂતોએ વખાણ્યું હતું. જિલ્લા ખેતીવાડી અધિકારી કિરણસિંહ વાઘેલા, મદદનીશ ખેતીવાડી અધિકારી શાંતિભાઇ પ્રજાપતિ,
ગુણવત્તા નિયંત્રણ અધિકારી ઉપેન્દ્ર જોશી, આત્માના
ડાયરેક્ટર પી. કે. તલાટી, પૂર્વ મંત્રી વાસણભાઇ આહીર,
પૂર્વ નગરપતિ બાપાલાલ જાડેજા, કચ્છમિત્રના તંત્રી
દીપક માંકડ સહિત અગ્રણીઓએ મુલાકાત લીધી હતી.