ભુજ, તા. 19 : માય ભારત નેહરુ યુવા કેન્દ્ર દ્વારા અહીંના નીલકંઠ ભવન ખાતે
યોજાયેલા પાંચ દિવસીય આંતર-જિલ્લા યુવા આદાન-પ્રદાન કાર્યક્રમમાં સુરતના 27 યુવાનો જિલ્લાની સમૃદ્ધ સંસ્કૃતિ, વારસો, સ્થાનિક ભોજન તથા
લોક-નૃત્યોથી પરિચિત થયા હતા. કાર્યક્રમનું ઉદ્ઘાટન મુખ્ય મહેમાન નગરપાલિકા પ્રમુખ
રશ્મિબેન સોલંકીએ કર્યું હતું. કાર્યક્રમમાં યોગ અને સકારાત્મકતા, નેતૃત્વ, રાષ્ટ્રવાદ તથા દેશભક્તિ, ઉદ્યોગ-સાહસિકતા, કચ્છની હસ્તકલા સહિતના વિવિધ સત્રો
આકાશવાણીના મનોજભાઇ સોની, સ્વામી પ્રદીપ્તાનંદજી, હિરેન રાઠોડ, પ્રવીણભાઇ સહિતના અગ્રણીઓએ યોજી યુવાનોને
કચ્છની સંસ્કૃતિ તથા વારસો વિશે માર્ગદર્શન આપી વિકસિત ભારતમાં યુવાનોને મહત્ત્વપૂર્ણ
ભૂમિકા ભજવવા પ્રેરણા આપી હતી. યુવાનોમાં રાષ્ટ્રવાદ તથા લાગણીની ભાવના કેળવવા બીચ
સ્વચ્છતા અભિયાન, આકાશ દર્શન કરાવાયું હતું. ક્રાંતિતીર્થ,
વિજય વિલાસ પેલેસ, ધોળાવીરા હડપ્પીય સંસ્કૃતિ,
પ્રાગમહેલ, હમીરસર તળાવ સહિતની ક્ષેત્રીય મુલાકાતો,
ગરબા તથા કચ્છી ભાષા શીખવાનું સત્ર યોજાયું હતું. સુરતના સહભાગીઓએ સમાપન
સમારોહમાં લોક ગરબા રજૂ કર્યા હતા. પ્રમાણપત્ર વિતરણ તથા સહભાગીઓએ અનુભવની આપ-લે કરી
હતી. માય ભારત નેહરુ યુવા કેન્દ્ર સંગઠન દ્વારા દેશમાં વિવિધ જિલ્લાઓ તથા રાજ્યોની
જોડી બનાવીને યુવાનોને વિવિધ સ્થળોની શોધખોળ તથા જાણાકારી મેળવવાની તક આપવાના હેતુથી
યોજાતા કાર્યક્રમનું આયોજન જિલ્લા યુવા અધિકારી રચનાબેન શર્માએ કર્યું હતું. રામભાઇ
ગઢવી, ગુજરાત વિવેકાનંદ યુવક બોર્ડના ઝોનલ કો-ઓર્ડિનેટર તથા કચ્છ
યુનિવર્સિટીના બોર્ડ સભ્ય અને વૈશાલીબેન સોલંકીએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. કાર્યક્રમમાં
હસ્તકલા કમિશનર રવિવીર ચૌધરી, એનસીસી લેફટનન્ટ મોહમ્મદ અયાઝ,
બિપિનભાઇ સોની, રાષ્ટ્રીય યુવા એવોર્ડ વિજેતા વિજય
રાવલ, યોગ બોર્ડના હિતેશ કપૂર, નેહરુ યુવા
કેન્દ્ર ભુજના અતુલભાઇ રાવલ, આદિત્યભાઇ રાઠોડ, બટુકભાઇ રાઠોડ, ભરતભાઇ, નિર્મલ
સિંઘાણી, મયૂરભાઇ, સંજયભાઇ, લક્ષ્મણભાઇ, દીપેન ભાનુશાલી ઉપસ્થિત રહ્યા હતા.