• બુધવાર, 30 એપ્રિલ, 2025

ગરમી વધતાં કૂંડાં-ચકલીઘરની માંગમાં નોંધપાત્ર ઉછાળો

ભુજ, તા. 19 : ઉનાળાની કાળઝરતી ગરમીમાં અબોલા જીવોને તેમજ તરસ્યા પશુ-પક્ષીઓને પીવાનું પાણી મળી રહે એવા ઉદ્દેશ સાથે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા 21 વર્ષથી જીવદયા ક્ષેત્રે અનોખું કાર્ય દાતાઓ અને જીવદયા પ્રેમીઓના સાથ-સહકાર કરવામાં આવી રહ્યું છે. જલારામ ચેરિટેબલ ટ્રસ્ટ-દાદર તથા કોટિ વૃક્ષ અભિયાન-બિદડા આ કાર્યમાં સહકાર આપી રહ્યા છે. માનવજ્યોતનાં કૂંડાં અને ચકલીઘર કચ્છનાં દરેક શહેરો અને ગામડાઓ સુધી પહોંચ્યાં છે.  યુવક મંડળો, મહિલા મંડળો, ટ્રસ્ટો, સંસ્થાઓ જીવદયાની આ પ્રવૃત્તિમાં જોડાયા છે. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્વરી તથા પૃથ્વીરાજાસિંહ જાડેજાના જણાવ્યા મુજબ ગરમી વધતાં જ કૂંડાં-ચકલીઘરની જીવદયાની પ્રવૃત્તિમાં વેગ આવ્યો છે. અનેક સંસ્થાઓ-મંડળો-મંચો કૂંડાં-ચકલીઘર પોતાનાં ગામ-શહેરોમાં વિતરણ કરી જીવદયાનું કાર્ય કરી રહ્યા છે. માનવજ્યોત સંસ્થા-ભુજ દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રવૃત્તિએ કચ્છના સીમાડા ઓળંગી ગુજરાતનાં અનેક શહેરોમાં પહોંચી છે. અમદાવાદ, મુંબઇ, કોલકાતા તથા અન્ય શહેરો સુધી આ કૂંડાં-ચકલીઘર પહોંચ્યા છે, તો વિદેશથી આવેલા એન.આર.આઇ. આ કૂંડાં-ચકલીઘર વિદેશની ધરતી સુધી પહોંચાડયા છે.  શ્વાનો માટે સિમેન્ટની ચાડીઓ તથા ગૌમાતાઓ માટે સિમેન્ટની મોટી કૂંડીઓ માનવજ્યોત સંસ્થાએ ઠેર-ઠેર ગોઠવી છે. આ પ્રવૃત્તિ હવે ચારે તરફ ફેલાઈ છે. કુંભારી ભાઈઓ જેટલા પણ કૂંડાં-ચકલીઘર બનાવે છે, એની અતિ ભારે ડિમાન્ડ રહે છે. માનવજ્યોત સંસ્થા કુંભારી ભાઈઓ પાસેથી ચકલીઘર-કૂંડાંઓ-ચણ થાળી લે છે અને જુદા-જુદા વિસ્તારોમાં વિતરણ કરે છે.  જીવદયાના આ કાર્યમાં રમેશભાઈ માહેશ્વરી, સહદેવાસિંહ જાડેજા, આનંદ રાયસોની, દીપેશ શાહ, શંભુભાઈ જોષી, કનૈયાલાલ અબોટી, કરસનભાઈ ભાનુશાલી, મૂળજીભાઈ ઠક્કર, નિતિનભાઈ ઠક્કર, રફીક બાવા, પ્રવીણ ભદ્રા, નરશીભાઈ પટેલ, ગાવિંદભાઇ પાટીદાર, મનસુખભાઈ નાગડા સહકાર આપી રહ્યા છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd