• ગુરુવાર, 01 મે, 2025

100 કલાકની અંદર જ પૂર્વ કચ્છ પોલીસની લાલઆંખ

ગાંધીધામ, તા. 17 : રાજ્યમાં અસામાજિક તત્ત્વોની 100 કલાકમાં યાદી તૈયાર કરી તેમના વિરુદ્ધ કડક પગલાં ભરવાના રાજ્ય પોલીસવડાના આદેશ બાદ પૂર્વ કચ્છ પોલીસે આવાં તત્ત્વોની યાદી તૈયાર કરી છે તેમજ શિકારપુર, અંજાર, ફતેહગઢમાં આવાં તત્ત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરાતાં આવા શખ્સોમાં રીતસર ફફડાટ ફેલાયો છે. રાજ્યના પોલીસવડા દ્વારા 100 કલાકનો આદેશ કરાયા બાદ પૂર્વ કચ્છ પોલીસ સક્રિય થઈ દોડતી થઈ છે. પૂર્વ કચ્છમાં હિસ્ટ્રીશીટર અને ગુનાહિત ઈતિહાસ ધરાવતા શખ્સો વિરુદ્ધ લાલઆંખ કરવા અને પગલાં ભરવા આદેશ વછૂટયા હતા. દરમ્યાન તમામ પોલીસ મથકોમાં આવાં તત્ત્વોની યાદી તૈયાર કરી લેવામાં આવી હતી અને આજે સવારે ભચાઉ તાલુકાના હિસ્ટ્રીશીટર વિરુદ્ધ સામખિયાળી પોલીસે કાર્યવાહીનો પ્રારંભ કર્યો હતો. ભચાઉ તાલુકાના શિકારપુરમાં રહેનાર હાજી આમદ ત્રાયા વિરુદ્ધ સામખિયાળી પોલીસ મથકે વર્ષ 2008માં મારામારી સહિતના બે ગુના નોંધાયેલા છે. 2011માં પણ મારામારી, 2014માં દારૂ સંબંધી, 2020માં હત્યા, 2022 આર્મ્સ એકટની જુદી-જુદી કલમો તળે ગુનો નોંધાયેલો છે તેમજ 2023માં ધાકધમકીની ફરિયાદ પણ થઈ ચૂકી છે. આ શખ્સ જુદા-જુદા ગુનાઓમાં સંડોવાયેલ હોઈ અને વારંવાર ગુના આચરવાની ટેવ ધરાવતો હોઈ તથા શિકારપુરમાં સરકારી જૂનાં દવાખાનાંની જમીન ઉપર બિનઅધિકૃત મકાન બનાવ્યું હતું જેથી પોલીસે પંચાયત વગેરે અન્ય સરકારી તંત્રોની સાથે સંકલન કરીને આજે આ સરકારી જમીન પર બનાવાનયેલ ગેરકાયદેસરનું બાંધકામ તોડી પાડયું હતું. બીજી બાજુ અંજાર પોલીસે પણ આવી કામગીરી કરવા કમર કસી છે. અંજારના દેવળિયા નાકા, ખાનાય શેરીમાં રહેનાર મુસ્તાક ઉર્ફે મુસિયો નઝીમુદ્દીન બાયડ નામના શખ્સ વિરુદ્ધ દારૂ, શરીર સંબંધી, લૂંટ, હત્યાની કોશિશ જેવા નવ જેટલા ગુના નોંધાયેલા છે. આ શખ્સે પોતાના મકાનમાં બિનઅધિકૃત રીતે વીજજોડાણ મેળવ્યું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ અહીં વીજતંત્રના કર્મીઓ સાથે પહોંચી હતી અને ઘરમાં રહેલા એ.સી. સહિતના વીજ ઉપકરણોની તપાસ કરી તેની યાદી બનાવી રૂા. 3 લાખનું વીજબિલ ફટકારવામાં આવ્યું હતું તેમજ ગેરકાયદેસરનું વીજજોડાણ કાપી નાખવામાં આવ્યું હતું. રાપર પોલીસે પણ આવાં તત્ત્વો વિરુદ્ધ કાર્યવાહીની શરૂઆત કરી હતી. ફતેહગઢમાં રહેનાર ગંગારામ વેરશી કોળી વિરુદ્ધ જુદા-જુદા વષ :દારૂ સંબંધી છ ગુના નોંધાયેલા છે તેમજ આજ ગામના શૈલેશ રાધુ કોળી  વિરુદ્ધ જુદા-જુદા પાંચ ગુના દારૂ સંબંધી નોંધાયેલા છે. આ બંન્નેના રહેણાક મકાને વીજતંત્રની ટીમ સાથે પોલીસ પહોંચી હતી અને બિનઅધિકૃત વીજજોડાણ કાપી નાખી મકાનમાં રહેલા વીજ ઉપકરણોની યાદી તૈયાર કરી ગંગારામને રૂા. 1 લાખ તથા શૈલેશને રૂા. 1 લાખ એમ બંને શખ્સોને રૂા. 2 લાખનું વીજબિલ ફટકારવામાં આવ્યું હતું. રાજ્યના પોલીસવડાના આદેશ બાદ પૂર્વ કચ્છ પોલીસે આવાં તત્ત્વો વિરુદ્ધ કાર્યવાહીનો પ્રારંભ કરાવતાં વારંવાર ગુના આચરતા આવા શખ્સોમાં રીતસરનો ફફડાટ ફેલાયો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd