ગાંધીધામ, તા. 1 : રાપર તાલુકાનાં બાલાસર ગ્રંથ
મંદિર ખાતે ગુજરાત સાહિત્ય અકાદમીના માધ્યમથી આર્ય ફાઉન્ડેશન અમદાવાદ અને વાગડ શિક્ષણ
સમિતિના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા મહોત્સવ અંતર્ગત કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું
હતું. આ કાર્યક્રમમાં ભાવનગર મહારાજા કૃષ્ણકુમારાસિંહજી યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ
વિદ્યુત જોષીએ સરળ ભાષામાં બાળકોને માતૃભાષામાં રહેલા વૈવિધ્ય અને વિશાળતાનો પરિચય
આપી ભાષાને શા માટે બચાવવી જોઈએ તે વાત સમજાવી
હતી અને સાથે સાથે ભગવદ્ગોમંડલ ગ્રંથનો ઉપયોગ કરવા માટે જણાવ્યું હતું. જ્યારે શૈલેષ
વ્યાસે માતૃભાષા અને સંસ્કૃતિનાં જોડાણ અંગે માહિતી આપી હતી. અને પાઠયક્રમમાં સામેલ
ગુજરાતી વિશેષ રચનાઓ તરફ બાળકોનું ધ્યાન દોર્યું હતું. ભરતભાઈ પરમારે વાગડની બોલીની
વિશેષતા અંગે સમજાવ્યું હતું અને બાળકોને સાહિત્ય સર્જન કરવા અંગે માર્ગદર્શન આપ્યું
હતું. આ કાર્યક્રમમાં બાલાસર કુમાર ગ્રુપ શાળાના
આચાર્ય ભરતભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમનું સંચાલન વિજયભાઈ ચૌધરીએ કર્યું
હતું, આભારવિધિ પ્રકાશભાઈ જોશીએ કરી હતી. કાર્યક્રમમાં
સ્થાનિક આગેવાનો કુંભાભાઈ મારાજ, દીપકભાઈ ચાંડ, અશોક સુથાર દિવ્યેશ બારી, પ્રવીણ ચૌહાણ, બાબુભાઈ મોર સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.