• ગુરુવાર, 01 મે, 2025

ઉલ્કાપિંડના આકાશી અજવાળાએ કૌતુક સર્જ્યું !

ભુજ, તા. 17 : કચ્છના આકાશમાં ગત મોડી રાત્રે દેખાયેલા અનોખા પ્રકાશપુંજે ભારે કૌતુક સર્જ્યું છે. કચ્છના આભમાં દેખાયેલી આ અવકાશી ઘટના ઉલ્કાઘર્ષણના થતા ફાયરબોલ એટલે કે, અગનગોળાનાં કારણે ઘટી હોવાનું ખગોળશાત્રીઓએ જણાવ્યું હતું. કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્રના તેમજ પાકિસ્તાનના અનેક વિસ્તારોમાં પણ આ અવકાશી ઘટના જોવા મળી હતી. મધરાત્રે સવા ત્રણ વાગ્યાના અરસામાં ભુજના રણકાંધીનાં ગામો ઉપરાંત સામખિયાળીથી લઈ કોટેશ્વર સુધીના મોટાભાગનાં ગામોમાં ત્રણથી ચાર સેકન્ડ માટે રાત્રિનો અંધકાર જાણે કે, દિવસમાં પરિવર્તિત થયો હોય તેવો નજારો જોવા મળ્યો હતો. સીસીટીવી કેમેરામાં આ પ્રકાશપુંજ જોવા મળ્યું તે આબાદ કેદ થઈ જતાં ઝડપભેર આ અવકાશી ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં ફરવા લાગ્યા હતા. આ ખગોળીય ઘટના બાબતે કચ્છના જાણીતા ખગોળશાત્રી એવા નરેન્દ્ર ગોર `સાગર'એ જણાવ્યું કે, અવકાશમાં લાખોની સંખ્યામાં નાની-મોટી ઉલ્કા ફર્યા કરતી હોય છે. ક્યારેક કોઈક ઉલ્કાનો ટુકડો પૃથ્વીના ગુરુત્વાકર્ષણનાં કારણે ખેંચાઈ આવે ત્યારે ઘર્ષણ થવાનાં કારણે આ ઉલ્કાપિંડ પૃથ્વી પર પડે તે પૂર્વે સળગી ઊઠે છે. ખગોળીય ભાષામાં આ ઘટનાને ફાયરબોલ કહેવામાં આવે છે. પ્રતિ સેકન્ડ 60થી 100 કિ.મી.ની ઝડપે આ ફાયરબોલની ઘટના સર્જાતી હોય છે. કચ્છના આકાશમાં ચમકતા પ્રકાશપુંજ સ્વરૂપે જોવા મળેલી ઉલ્કાનો ટુકડો મોટો હોતાં તેનો પ્રકાશ ખૂબ ચળકતો હોતાં આ અસામાન્ય પ્રકાશનાં કારણે લોકોમાં અચરજ ફેલાયું હતું. મધરાતે સર્જાયેલી આ અવકાશી ઘટનાને લઈ વિવિધ પ્રકારની ચર્ચાઓ પણ વહેતી થવા લાગી હતી. સામાન્ય રીતે ઉલ્કાવર્ષાનો નજારો આકાશમાં દેખાવાનો હોય ત્યારે આ પ્રકારની ઘટના ઘટવી સ્વાભાવિક હોય છે, પણ આ ઘટના એવા સમયે ઘટી છે કે, જ્યારે ઉલ્કાવર્ષાની ઘટના નજીકના સમયમાં ઘટવાની નથી, એટલે કે, થોડી અસામાન્ય અવકાશી ઘટના ગણી શકાય.અવકાશી ઘટના અંગે નિષ્ણાતોની ટીમ તપાસ કરશે કચ્છમાં ગત મોડીરાત્રે તીવ્ર પ્રકાશ પૂંજ સાથે સર્જાયેલી અવકાશી ઘટનાનું સચોટ કારણ જાણવા નિષ્ણાતો સ્થળ તપાસ કરશે. ભુજ તાલુકાની રણ કાંધીના પૈયા ગામ પાસે કોઈ અવકાશી પદાર્થ પડ્યાનું અનુમાન વ્યક્ત કરાયું છે. આગામી દિવસોમાં ઈસરોની ટીમ કચ્છ આવી સ્થળ તપાસ કરશે.- 2006 અને 2022માં આવી ઘટના ઘટી ચૂકી છેનિષ્ણાત ખગોળશાત્રીઓના જણાવ્યાનુસાર કચ્છમાં 2006 અને 2022ની સાલમાં આવી અવકાશી ઘટના ઘટી ચૂકી છે. 2006માં ભચાઉના વાંઢિયા ગામે એક મકાન પર ઉલ્કાપિંડ પડયો હતો, તો 2022ના જાન્યુઆરી અને એપ્રિલ માસમાં પણ આવી અવકાશી ઘટનાનો નજારો જોવા મળ્યો હતો. એ વખતે પણ નજારો સીસીટીવીમાં કેદ થયો હતો. લુણા પાસે રચાયેલું મોટું સરોવર ઉલ્કાપાતનાં કારણે સર્જાયાની ઘટના ઈતિહાસમાં અંકિત થયેલી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd