• ગુરુવાર, 13 માર્ચ, 2025

201મા દૃષ્ટિ સેવા કેમ્પમાં 109 દર્દીનાં નિ:શુલ્ક ઓપરેશન

ભુજ, તા. 9 : જે.જે.સી. ભુજ અને જે.જે.સી. ભુજ લેડિઝ વિંગના સંયુક્ત ઉપક્રમે સમસ્ત મોરબિયા પરિવારના સૌજન્યથી આયોજીત 50 વર્ષથી સમાજને સમર્પિત જૈન જાગૃતિ સેન્ટરની સુવર્ણ જયંતીની ઉજવણી પ્રસંગે લાયન્સ હોસ્પિટલ ભુજ મધ્યે આંખના ત્રિદિવસીય  દૃષ્ટિસેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં 109 દર્દીના ટાંકા વગરના સારા ફોલ્ડેબલ નેત્રમણી બેસાડી અપાયા હતા. સમસ્ત મોરબિયા પરિવારના મોભી પિતા સ્વ. જેઠાલાલ ખેંગાર મોરબિયાની સ્મૃતિમાં તેમજ મંજુલાબેન જેઠાલાલ મોરબિયાની 90મી વર્ષગાંઠ પ્રસંગે આ 201મો કેમ્પ યોજાયો હતો. ઉદ્ઘાટન મંજુલાબેન જેઠાલાલ મોરબિયા દ્વારા દીપ પ્રાગટય કરીને કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન તરીકે જે.જે.સી. સેન્ટ્રલ બોર્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન રમેશભાઇ જેઠાલાલ મોરબિયા ઉપસ્થિત રહ્યા હતા. સ્મિતભાઇ હસમુખભાઇ ઝવેરી (પ્રમુખ વિશા ઓસવાળ જૈન ગુર્જર જ્ઞાતિ તથા સાત સંઘ ભુજ), કિશોરભાઇ મોરબિયા (પ્રમુખ વાગડ બે ચોવિસી સ્થાનકવાસી જૈન સમાજ), નિરજભાઇ દોશી (પ્રમુખ વાગડ બે ચોવિસી સ્થાનકવાસી જૈન સમાજ યુવક મંડળ ભુજ), ભાવિનભાઇ શાહ (વાઇસ ચેરમેન જે.જે.સી. સેન્ટ્રલ બોર્ડ), ભૂપેનભાઇ મહેતા (કો-ઓર્ડિનેટર), જુગલભાઇ સંઘવી, ડેનીભાઇ શાહ, જગદીશભાઇ વોરા (સ્થાપક પ્રમુખ જે.જે.સી. ભુજ), જે.જે.જસી. ભુજના પ્રેસિડેન્ટ દીપકભાઇ દોશી અને સેક્રેટરી રાજેશભાઇ શાહ, જે.જે.સી. ભુજ લેડીઝ વિંગના પ્રેસિડેન્ટ ઉષ્માબેન ખંડોલ અને સેક્રેટરી ધારાબેન શાહ તેમજ અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. લાયન્સ હોસ્પિટલ ભુજ આંખના ઓપરેશનના 200 ઓપરેશન કેમ્પ પૂર્ણ કરી ચૂકી છે. જેમાં 41000થી વધુ દર્દીના મોતિયા તેમજ વેલના સફળ ઓપરેશન કરવામાં આવ્યા છે. અમદાવાદના નિષ્ણાંત ડો. સચિન પટેલ કે જેઓ 1 લાખથી વધુ દર્દીના ઓપરેશન કરી ચૂક્યા છે, તેઓ આ ઓપરેશન માટે લાયન્સ હોસ્પિટલમાં અવિરત સેવા આપી રહ્યા છે. તેઓએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલની પણ બંને આંખના મોતિયાના ઓપરેશન કર્યાં છે. હોસ્પિટલમાં વર્ષોથી આ ઓપરેશન તદ્દન ફ્રી ઓફ ચાર્જ કરવામાં આવે છે, જેના માટે કચ્છ તેમજ દેશ-વિદેશના દાતાઓ અવિરત ડોનેશન આપી રહ્યા છે. દાતા રમેશભાઇ મોરબિયાએ આવનારાં બે વર્ષ સુધી સતત બે આઇ કેમ્પ ડોનેટ કરવાની જાહેરાત કરી હતી. સ્વાગત પ્રવચન લાયન્સ ક્લબ ઓફ ભુજના પ્રેસિડેન્ટ અજિતસિંહ રાઠોડે કર્યું હતું. હોસ્પિટલના ચેરમેન ડો. ભરત મહેતા સર્વેને હોસ્પિટલની પ્રવૃત્તિઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. શૈલેન્દ્ર રાવલ, વિપુલ જેઠી, મનસુખ શાહ, અનુપ કોટક, શૈલેષ માણેક, રોહિત જોષી ઉપસ્થિત રહ્યા હતા. હોસ્પિટલની પરંપરા પ્રમાણે દાતા પરિવારનું પાઘડી, શાલ, સન્માનપત્ર તથા મોમેન્ટોથી સ્વાગત કરાયું હતું. જ્યારે અન્ય ઉપસ્થિત તમામ મહેમાનોનું શાલ અને મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું હતું. આભારવિધિ તેમજ સંચાલન પ્રફુલ શાહએ કર્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd