ભુજ, તા. 9 : આજથી શરૂ થયેલી ત્રિદિવસીય
પ્રેક્ષાધ્યાન શિબિર પ્રસંગે આચાર્ય મહાશ્રમણે વિદ્યાર્થીઓને જ્ઞાનપ્રાપ્તિની પાંચ
અડચણથી બચવાની પ્રેરણા આપી હતી. જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મસંઘના આચાર્ય વિરાજમાન છે, ત્યારે દરરોજ નવા-નવા કાર્યક્રમોનું આયોજન કરાઈ
રહ્યંy છે. રવિવારે કચ્છી પૂજ સમવસરણમાં ઉપસ્થિત
જનતાને આચાર્ય મહાશ્રમણે પ્રતિબોધમાં કહ્યું
હતું કે, માનવીનાં જીવનમાં શિક્ષણનું ખૂબ મહત્ત્વ હોય
છે. આજકાલ સરકાર પણ શિક્ષણ માટે ખૂબ પ્રયત્નશીલ છે. ઠેર-ઠેર સરકારી શાળાઓ, વિદ્યાલયો, મહાવિદ્યાલયો, ખાનગી
શાળાઓ અને કોલેજો જોવા મળે છે. બાળકો વિદેશમાં પણ ભણવા માટે જાય છે. એટલે કે શિક્ષણ
પ્રત્યે જાગૃતિ છે. શિક્ષણ બે પ્રકારનું હોય છે, પહેલી લૌકિક
શિક્ષણ અને બીજી આધ્યાત્મિક શિક્ષા. લૌકિક શિક્ષણથી વ્યક્તિ પોતાનાં ક્ષેત્રમાં નિષ્ણાત
બની શકે છે. તેનું પોતાનું એક મહત્ત્વ છે. શિક્ષણનો બીજો ભાગ છે આધ્યાત્મિક શિક્ષણ,
જેમાં ધર્મશાસ્ત્રો, આત્માને લગતી શિક્ષા,
કર્મવાદ, લોકવાદ અને અન્ય તત્ત્વજ્ઞાનની શિક્ષાઓનો
સમાવેશ થાય છે. વિનયથી જ વિદ્યા શોભાયમાન બને છે. જે વિદ્યાર્થી જ્ઞાન પ્રાપ્ત કરવા
ઈચ્છે છે, તેણે પાંચ મોટાં અવરોધોથી બચવા પ્રયત્ન કરવા જણાવ્યું
હતું. અહંકાર, ક્રોધ,
પ્રમાદ, બીમારી અને આળસ આ પાંચ અવરોધથી દૂર રહી,
જ્ઞાનાર્જનના માર્ગે આગળ વધવું જોઈએ. આચાર્યશ્રીના પ્રવચન પછી,
તેરાપંથ કિશોર મંડળ - ભુજ દ્વારા વિશેષ રજૂઆત કરાઈ હતી. જીતો એપેક્સના
જનરલ સેક્રેટરી લલિત ડાંગી દ્વારા વિશ્વ નવકાર દિવસ સંદર્ભે એક પત્ર રજૂ કરાયો હતો.
સમણી ખ્યાતિપ્રજ્ઞાજી અને સમણી નિર્મલપ્રજ્ઞાજીએ પણ ભાવાભિવ્યક્તિ વ્યક્ત કરી હતી.
આચાર્યશ્રીએ સૌને આશીર્વચન આપ્યા હતા. લગભગ દોઢસો જેટલાં વિચરણ કરી રહેલા સાધુ- સાધ્વી
તથા સમણી ભગવંતોની ધવલસેનાની સાથે મર્યાદા મહોત્સવ વ્યવસ્થા સમિતિ ભુજનાં માર્ગદર્શનમાં
તેરાપંથ સંઘ, યુવક પરિષદ, મહિલા મંડળ તથા
અણુવ્રત સમિતિના સદસ્યો વિ. વ્યવસ્થા સંભાળી રહ્યા છે. સમસ્ત જૈન સમાજ, જૈન મંડળોની સ્વૈછિક સેવા પ્રાપ્ત થઈ હોવાનું મર્યાદા મહોત્સવ પ્રવાસ વ્યવસ્થા
સમિતિ 2025 - ભુજ - કરછના પ્રિન્ટ મીડિયા
પ્રભારી મહેશ પ્રભુલાલ મહેતાએ યાદીમાં જણાવ્યું હતું.