ગાંધીધામ, તા. 10 : સતત 16 વર્ષ સુધી દેશના તમામ મહાબંદરોમાં
અગ્રેસર રહેલા કંડલા મહાબંદરમાં ભવિષ્યમાં હાઈડ્રોજન હબ સહિતના વિવિધ પ્રકલ્પો કાર્યરત થવાના છે, ત્યારે તે બાબતને ધ્યાનમાં રાખીને પોર્ટમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા તેમજ
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સજ્જ કરવા અંગે કંડલા સ્ટીમશિપ એજન્ટ એસોસીએશન દ્વારા કેન્દ્રીય
શિપિંગ મંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.
ગાંધીધામની મુલાકાતે આવેલા શિપિંગ મંત્રી સર્વાનંદ સોનોવાલને સ્ટીમશિપ એજન્ટ
એસોસીએશનના પદાધિકારીઓ દ્વારા રૂબરૂ મળીને રજૂઆત કરવામાં આવી હતી. કંડલામાં સ્પીડબોટની સુવિધા વિકસાવવામાં આવી તે
બદલ અભિનંદન પાઠવી હેલીકોપ્ટરની સુવિધા શરૂ
કરવા માટે માંગ કરાઈ હતી. ભદ્રેશ્વર પોર્ટને ટૂરિસ્ટ સ્પોટ તરીકે વિકસાવવા અંગે રજૂઆત કરાઈ હતી.
આ અંગે જણાવ્યું હતું કે, ભદ્રેશ્વર આસપાસ
જૈનોનું તીર્થ, રોકડિયા હનુમાન મંદિર, પ્રસિદ્ધ
ચોખંડા મહાદેવ મંદિર, જોગણીનાર સહિતના જાણીતા
યાત્રાધામો આવેલા છે. ભદ્રેશ્વરથી દ્વારકા સુધીની ફેરી સર્વિસ શરૂ કરવામાં આવે તો પ્રવાસનનો સારો વિકાસ થઈ શકે તેમ હોવાનું જણાવી
આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા અનુરોધ કરાયો
હતો. શિક્ષણ નગરી આદિપુરમાં 10 હજાર જેટલા
વિદ્યાર્થી અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીઓને મરીન એન્જિનીયરિંગ અંગેની માહિતી આપવા માટે ઈન્ટર્નશિપ જેવી સુવિધા શરૂ કરવા અનુરોધ
કરાયો હતો. અગામી સમયમાં પોર્ટમાં ગ્રીન
હાઈડ્રોજન સહિતના પ્લાન્ટ કાર્યરત થશે. ઓઈલ
જેટીનું વિસ્તરણ, નવું મેગા પોર્ટ નિર્માણ
સહિતના પ્રકલ્પો હાથ ધરાશે, ત્યારે કંડલાની
સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવી જરૂરી હોવાની
રજૂઆત કરાઈ હતી અને જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા માટે પોર્ટને એ.આઈ.થી સજ્જ કરવાની દિશામાં કાર્યવાહી કરવાની રજૂઆત
શિપિંગ મંત્રી સમક્ષ કરવામાં આવી હતી. પોર્ટના આધુનિકીકરણની વાત કરાય છે, ત્યારે નિષ્ણાત
વ્યક્તિઓનું એક પ્રતિનિધિ મંડળ તૈયાર કરવામાં આવે અને આ જૂથ દ્વારા પોર્ટ વપરાશકારોની
સાથે સંકલન સાધીને વિદેશની આધુનિક ટેક્નોલોજીનો અભ્યાસ કરીને કંડલા બંદરમાં અમલીકરણ અંગેનો અહેવાલ તૈયાર કરે
તેવી વ્યવસ્થા ગોઠવવા અનુરોધ કરાયો હતો. આ
વેળાએ સ્ટીમશિપ એજન્ટ એસોસીએશનના ભરત
ગુપ્તા, આશિષ જોષી, કે.એમ. ઠક્કર, ધાનેન્દ્ર ગોપાલન વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.