ગાંધીધામ, તા.
21 : પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરે કચ્છના રેલવે પ્રશ્નોની સમીક્ષા કરી હતી, જેથી ગાંધીધામ
ચેમ્બર ઓફ કોમર્સ અને ડીઆરયુસીસીના પ્રતિનિધિઓની ટીમે તેમની મુલાકાત લઈ જિલ્લામાં મુસાફર
અને માલવાહક રેલવે સેવાઓમાં વધુ સુધારા કરવા સહિતના મુદ્દે રજૂઆત કરી હતી. ચેમ્બરના
પ્રમુખ મહેશ પૂંજે જણાવ્યું હતું કે, કચ્છમાં ઔદ્યોગિક અને પર્યટન કેન્દ્રોને ધ્યાને
રાખીને રેલ સેવાઓ વિસ્તરણ અને સુવિધા માટે નોંધપાત્ર મહત્ત્વ ધરાવે છે જેથી આ બાબતે
સકારાત્મક નિર્ણય લેવો જરૂરી છે. પેસેન્જર અને ઉદ્યોગોને રેલવે સુવિધા મળી રહે તે માટે
સતત અવાજ ઊઠાવતા ચેમ્બરના વિભાગીય સલાહકાર સમિતિના સભ્ય રાકેશકુમાર જૈન તથા સલાહકાર
સમિતિના સભ્ય દિપક બજાજ દ્વારા પશ્ચિમ રેલવેના મુંબઈ સ્થિત જનરલ મેનેજર અશોક મિશ્રાની
મુલાકાત દરમ્યાન આવેદનપત્ર પાઠવ્યું હતું. ચેમ્બરના મંત્રી મહેશ તીર્થાણીએ કહ્યું હતું
કે, ઔદ્યોગિક અને પર્યટન કેન્દ્ર તરીકે ઝડપથી વિકસતા કચ્છમાં વધુ માલવાહક અને પેસેન્જર
રેલવે સેવાઓની તાતી આવશ્યકતા છે. આ માટે વધુ ટ્રેન સેવાઓ, ટ્રેક જોડાણ અને પ્લેટફોર્મની
ક્ષમતા વધારવા જેવી સુવિધાઓ વધુ મજબૂતી આપશે. તેમજ કચ્છથી અમદાવાદ જતી ટ્રેનમાં વધતી
જતી પ્રવાસીઓની સંખ્યાને જોતાં વધારાના કોચ ઉમેરવા તથા આંબલી અને સાણંદ ખાતે સ્ટોપેજ
આપવા, ભુજ-બરેલી ટ્રેનને જયપુર નજીકના રીંગાશ સ્ટેશન ખાતે સ્ટોપેજ આપવા, ભુજ-પાલનપુર
ટ્રેન ફરીથી દોડાવવા, ગાંધીધામ-હાવડા એક્સપ્રેસ ટ્રેનને વીકમાં ત્રણ દિવસ કરવા વગેરે
મુદ્દે રજૂઆત કરાઈ હતી. ગાંધીધામ ચેમ્બરના આ સૂચનો મહત્ત્વના બની રહેશે, તેવું પશ્ચિમ
રેલવેના જનરલ મેનેજર સાથે જોડાયેલા પીસીઓએમ વી.એ. માલેગાંવકર, ડીઆરએમ સુધીરકુમાર શર્મા
તથા એઆરએમ આશિષ ધનિયાની સંયુક્ત ટીમ દ્વારા જણાવાયું હતું.