ભુજ, તા. 8 : ઈ-કેવાયસી કરાવવા માટે જોવા
મળતી કકળાટ ભરી સ્થિતિ વચ્ચે કચ્છીમાડુઓ હાલ ચક્રવ્યૂહમાં ફસાયા હોય તેવો અનુભવ કરી
રહ્યા છે. ખાસ કરીને જિલ્લામાં આધારકાર્ડ અપડેટ કરાવવાને લઈ સ્થિતિ બેકાબૂ બનતાં તંત્ર
હરકતમાં આવ્યું છે. જિલ્લામાં 123 જેટલી આધારકિટ કાર્યરત કરી નવા ઓપરેટર મૂકવા સહિતની
ગતિવિધિ પ્રશાસને હાથ ધરી છે. જેના પર ખુદ કલેક્ટર મોનિટરિંગ કરી રહ્યા છે. કલેક્ટર
કચેરીમાં આ કામગીરીનું સંકલન કરતા મામલતદાર ભરવાડે કહ્યું કે, 10 વર્ષથી વધુ જૂના આધારકાર્ડ
અપડેટ કરાવવા માટેની સમય અવધી 31 ડિસેમ્બર નક્કી કરાઈ છે. તંત્ર માટે પણ રાત થોડીને
વેશ જાજા જેવી સ્થિતિ વચ્ચે કલેક્ટર અમીત અરોરાના સીધા માર્ગદર્શનમાં કલેક્ટર કચેરી
હસ્તકની 16 તેમજ મામલતદાર, શિક્ષણ, આઈસીડીએસ સહિતની પાસેથી 21 મળી 37 આધારકિટ કાર્યરત
કરવામાં આવી છે, તો પોસ્ટ ઓફિસ, બેન્ક, પોસ્ટલ પેમેન્ટ બેન્ક મળી કુલ 123 કિટ કાર્યરત
છે, જેમાં અત્યાર સુધી 18498 આધાર કાર્ડ અપડેટ કરાયા છે, તો 76 જેટલા કાર્ડ નવા બન્યા
છે. આ ઉપરાંત નવા ઓપેરટર નિમવા તેમજ આનુષાંગિક વ્યવસ્થા ઊભી કરી કામગીરી સરળ બનાવવા
તરફ ધ્યાન કેન્દ્રીત કરાયું છે. તંત્ર દ્વારા કામગીરી સરળ કરવા માટે વ્યવસ્થા ગોઠવાયાના
દાવા વચ્ચે અરજદારોની હાલાકી યથાવત્ રહી છે. આધારકિટની ઓછી ઉપલબ્ધી તેમજ દરરોજ જેટલા
અરજદાર આવે છે, તેમની સામે ટોકન ઓછા પ્રમાણમાં ફાળવાતા હોવાથી અજરદારોને ધરમધક્કા ખાવાનો
વારો આવી રહ્યો છે. રાશનકાર્ડમાં ઈ-કેવાયસી અપડેટ કરાવવા માટે પણ આધારકાર્ડ અપડેટ કરાવવો
અનિવાર્ય હોતાં આધારકાર્ડ અપડેટ કરવાના કાર્યમાં જ અરજદારોને નાકે દમ આવી રહ્યો છે.
રાશનકાર્ડમાં ઈ-કેવાયસી ઓનલાઈન અપડેટ થઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે, પણ જો આધારકાર્ડ
અપડેટ ન હોય તો આ વ્યવસ્થા પણ કામે આવતી ન હોવાનો અરજદારોમાં ગણગણાટ જોવા મળી રહ્યો
છે.