ગાંધીધામ, તા. 29 : કચ્છ બુલિયન ફેડરેશન અને જેમ્સ એન્ડ જ્વેલરી
એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ તથા ગાંધીધામ ગોલ્ડ અને સિલ્વર મર્ચંટ્સ એસોસિયેશનના સંયુક્ત
ઉપક્રમે ગાંધીધામ ખાતે સોના-ચાંદીના નિકાસ અંગે જાગૃતિ લાવવા સેમિનાર યોજવામાં આવ્યો
હતો. જી.જે.ઇ.પી.સી.ના ગુજરાત ચેરમેન વિજયભાઈ માંગુકિયા, કચ્છ બુલિયન ફેડરેશનના પ્રમુખ
રાજેશ પાટડિયા, ગાંધીધામ એસો.ના પ્રમુખ હોતચંદભાઈ મલકાની, જી.જે.ઇ.પી.સી.ના સ્પીકર
અમિત મુલાની, કે.બી.એફ. ફાઉન્ડર હરિલાલ સોની, હરિકાંતભાઈ સોની, કે.બી.એફ.ના ઉપપ્રમુખ
ધર્મેન્દ્ર પારેખ વગેરેના હસ્તે દીપ પ્રાગટય કરાયું હતું. સ્વાગત પ્રવચનમાં શ્રી માંગુકિયાએ
જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ તથા ભારત સરકાર સાથે મળીને નિકાસને
પ્રોત્સાહન મળે તેવી યોજનાઓની માહિતી આપી હતી તેમજ કચ્છના સોની વેપારીઓને પણ નિકાસ
માટે યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાના ભાગરૂપે બે દિવસની કાર્યશાળાનું આયોજન કરાયું
છે, જેમાં 35 જેટલા વેપારીએ નોંધણી પણ કરાવી લીધાનું કહ્યું હતું. શ્રી મુલાનીએ નિકાસ,
કયા દેશમાં સોના-ચાંદીના વેપારની તકો છે, એ અંગે જાણકારી આપી હતી તેમજ નાના પાયે પણ
નિકાસ થઈ શકે તેમ હોવાનું જણાવી, ઇ-કોમર્સ સહિતના વિવિધ મુદ્દાની છણાવટ કરી હતી. કચ્છ
બુલિયન ફેડરેશનના મહામંત્રી અશોકભાઈ ઝવેરીએ આભારવિધિ કરી હતી. બાદ કચ્છ બુલિયન ફેડરેશન
અને ગાંધીધામ ગોલ્ડ અને સિલ્વર મર્ચંટ્સ એસો. દ્વારા ઉપસ્થિતોનું સન્માન કરાયું હતું.
આયોજનમાં પ્રોજેક્ટ ચેરમેન હરીશભાઈ માંડલિયા, મહામંત્રી અશોક ઝવેરી, પ્રમુખ રાજેશ પાટડિયાએ
સહયોગ આપ્યો હતો. આ પ્રસંગે મુંદરા ગોલ્ડ-સિલ્વર એસો.ના પ્રમુખ રાજેન્દ્ર પાટડિયા,
ભચાઉ ગોલ્ડ-સિલ્વર એસો.ના પ્રમુખ ગિરીશભાઈ પાટડિયા તથા રાપરના હસમુખભાઈ સોની વગેરે ઉપસ્થિત રહ્યા હતા.