ભુજ, તા. 11 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં મુખ્યમંત્રી
તરીકે પદભાર સંભાળી 23 વર્ષ અગાઉ રાજ્યની વણથંભી વિકાસયાત્રા શરૂ કરી હતી. આ અવસરને
વધાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં
રાજ્ય સરકાર દ્વારા 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી ચાલી રહી છે. વડાપ્રધાન શ્રી
મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે શ્યામજી કૃષ્ણ વર્માની અસ્થિઓને વિદેશથી
ભારત લાવીને રાજ્યભરમાં વીરાંજલિયાત્રા કાઢીને માંડવી ખાતે સ્મારકનું નિર્માણ કરાયું
હતું. કચ્છના માંડવીમાં જન્મેલા ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્માના અંતિમ સંકલ્પને
પૂર્ણ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સાચી શ્રદ્ધાંજલિ આપી છે. ક્રાંતિગુરુ શ્યામજી
કૃષ્ણ વર્માની 167મી જન્મ જયંતી નિમિત્તે કચ્છ આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માંડવી
તાલુકાના મસ્કા ખાતે રૂા. 20 કરોડના ખર્ચે અત્યાધુનિક ટેક્નોલોજી અને વિવિધ આકર્ષણો
સાથે આધુનીકીકરણ પામેલા શ્યામજી કૃષ્ણ વર્મા
સ્મારક ક્રાંતિતીર્થનું લોકાર્પણ કર્યું હતું.
વનવિભાગ દ્વારા શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ ખાતે નમો વન વડ મોડેલ તથા વનકવચ
યોજના અંતર્ગત 20 હજાર રોપાનું વાવેતર કરીને મેમોરિયલ પરિસરને હરિયાળું બનાવાયું છે.