• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

મઢ જાગીરની ડેલી : અન્નપૂર્ણાનું પ્રવેશદ્વાર

દેશ અને ગુજરાતનો સૌથી મોટો જિલ્લો એટલે `કચ્છ' ને આ કચ્છની ધરતી પર નાના-નાના પર્વતો ને ટેકરીઓ વચ્ચે આવેલું સુંદર રમણીય ગામ એટલે લખપત તાલુકાનું માતાના મઢ. મા આદ્યશક્તિ જગદંબા આઇ આશાપુરાનું પવિત્ર સ્થાન જ્યાં મા મઢવાળી કચ્છ ધણિયાણી તરીકે બિરાજે છે. કચ્છીમાં મંદિરને  મઢ?કહેવામાં આવે છે. એ પરથી કપાલીક સાધુ મહાત્માએ  આ ગામનું નામ માતાજીનો મઢ આપ્યું. આ સાથે એમના નામે એક તળાવ પણ ખોદાવેલું હતું.

માતાના મઢમાં લાખો શ્રદ્ધાળુ દેશ-દુનિયાથી માનાં દર્શનાર્થે તથા પોતાની મનોકામના પૂર્તિ હેતુ પ્રાર્થના અર્થે આવે, એ મા મઢવાળીનો મહિમા તો દુનિયાથી અજાણ્યો નથી. મા આશાપુરા અને માતાના મઢનો ઇતિહાસ તો ભાગ્યે જ કોઇ ન જાણતું હોય, પણ માતાના મઢની એક એવી જગ્યા જે માનાં દર્શને આવતા લાખો લોકોની પ્રથમ નજરે આવતી હોવા છતાં પણ દરેકની નજરે ઝાંખી પડી જાય છે.

હજારો વર્ષના ઇતિહાસને એક બોલતાં પુસ્તકાલયની જેમ સાચવી રાખતી માતાના મઢ મંદિરના પ્રાંગણે ઉજવાતા સારા-નરસા દરેક પ્રસંગોને  સાક્ષીભાવથી જોતી, નિહાળતી, ભૂકંપ જેવી અનેક  કુદરતી આફતો સામે પણ આજે પણ અડીખમ ઊભી રહી છે. એવી આ જગ્યા માતાના મઢના ઇતિહાસને ટકાવી રાખવા આજે પણ જાજરમાન થઇને ઊભી છે.

ભારતીય સંસ્કૃતિમાં ઘરનો મુખ્ય દરવાજો જેને ગુજરાતીમાં `ડેલી' કહેવાય છે. સૌથી પહેલો ટકોરો થાય એ બારણું  ઘરમાં પ્રવેશતાં પહેલાં  તમારું સ્વાગત થાય એ ડેલી. આપણી ગુજરાતી સંસ્કૃતિમાં ખાસ કરીને કચ્છમાં ડેલીનું વિશેષ મહત્ત્વ હતું. એક સમયમાં વાર-તહેવાર નિમિત્તે ડેલીને ઘરથી પણ વિશેષ શણગારવામાં આવતી. જે-તે વખતની કલા સંસ્કૃતિ પ્રમાણે ડેલીએ ભાત-ચિત્રો, રંગકામ, માટીકામ, ચિત્રો, લીપણકામ, તોરણ જેવી કલાઓ-વસ્તુઓથી શણગારવામાં આવતી. ગામડાંમાં આજે પણ કોઇ દીકરીનાં લગ્ન હોય ત્યારે ઘરની ડેલીએ  વરપક્ષ તરફથી આવતી વ્યક્તિઓનું `તોરણિયા' તરીકે ડેલીએ સ્વાગત કરવામાં આવે છે. આજે પણ ઘરમાં કોઇ પ્રવેશપાત્ર હોય કે ન હોય ઘરની ડેલી (મુખ્ય દ્વાર) સૌની નજરે ચડે છે.

એવી જ કાંઇક ઝલક આપતી મા આશાપુરા મંદિરનું પ્રવેશદ્વાર સમાન આ જગ્યા એટલે `મઢની ડેલી' જે માતાના મઢનાં મંદિરની ડેલી તરીકે ઓળખાય છે, જ્યાંથી પસાર થઇને જ મા જગદંબાના ઘરમાં એટલે મંદિરમાં પ્રવેશ થાય છે.

એક સમયે આ ડેલીમાંથી પસાર થવું, ઘડીક ભરનો વિસામો ખાઇને માનાં દર્શનાર્થે જવું જાણે પરંપરા બની ગઇ હતી, પરંતુ સમયાંતરે થયેલા મંદિર પ્રાંગણના બાંધકામના ફેરફાર પછી આ ડેલીની રોનક ઘટી ગઇ. આમ આ ડેલી માત્ર પ્રવેશદ્વારની જ ભૂમિકા નથી ભજવતી, પણ માનાં પ્રાંગણમાં પ્રવેશતા દરેક ચહેરાની ઓળખ રાખે છે. ક્યારેક ચોકીદારની નજરથી, ક્યારેક ગામના કોઇ મોભીની નજરથી તો ક્યારેક કોઇ યાત્રાળુઓની નજરથી. આમ આ ડેલી વર્ષોથી માતાના મઢ આવતા યાત્રિકોની ખબર રાખે છે.

હાલના મંદિર મુખ્ય પ્રવેશદ્વાર સામે જ દેખાતી આ ડેલી અંદાજે 300 વર્ષના સમયગાળા દરમ્યાન બંધાઇ હોય એવું જણાઇ આવે છે. ડેલીનો દરવાજો 18ડ્ઢ19 ફીટની  લંબાઇ ધરાવતો લાકડાંનો બનેલો છે, જેમાં પ્રાચીન-સંસ્કૃતિની ઝલક મળી આવે છે. આ પ્રવેશદ્વારની ડાબી-જમણી બાજુએ દ્વારપાળ ચંડ-મૂંડનો વધ કરીને ઊભા રહેલ મા કાળકા (ચામુંડા), ખજૂરાઓના મંદિરની ઝલક ઊભી કરતી બંને બાજુએ પથ્થરમાં આકૃતિઓ કંડારેલી છે. જેમ જૂના જમાનાની સાંકળ, દરવાજાની કડીનો પણ સમાવેશ થાય છે, જે આ ડેલીની પ્રાચીનતાની ઓળખ આપે છે.

આ સાથે ડેલીમાં પ્રવેશતાંની સાથે જ ડાબી બાજુએ જૂનવાણી વખતની યાદ અપાવતી બેઠક વ્યવસ્થા છે, જ્યાં ત્રણ ગોખલા છે, જ્યાં દીવાલ પર લટકાવેલું રણશિંગું આજે પણ રાજાશાહી સમયની યાદ અપાવે છે. ડાબી તરફ માતાના મઢ જાગીર ટ્રસ્ટની ઓફિસ છે, જે ટ્રસ્ટની સ્થાપના થઇ ત્યારથી અત્યાર સુધી લાખો યાત્રિકની અવર-જવર ને એમના દ્વારા થતી લેવડ-દેવડ, પ્રસાદ-ભેટ રૂપે સ્વીકારીને જાણે લાખો શ્રદ્ધાળુના હસ્તાક્ષર સાચવીને બેઠી છે.

ભૂતકાળમાં જાગીરના કારભારી તરીકે ભૂમિકા નિભાવનાર ગામના મોભી એવા સ્વ. જટાશંકર કાળીદાસ જોષીથી લઇને હાલ આ કાર્યાલયમાં મેનેજર મયૂરસિંહ જાડેજા, પ્રતાપસિંહ સોઢા, મનોજભાઇ, દશરથસિંહ, સેવાભાઈ વગેરે આ કાર્યાલયના માધ્યમથી જાગીરનો દરેક પ્રકારનો વહીવટ સંભાળે છે. ટ્રસ્ટી ખેંગારજી જાડેજા, પ્રવીણસિંહ વાઢેર સહિતના ટ્રસ્ટીગણનાં માર્ગદર્શન હેઠળ એ રીતે જોઇએ તો આ ડેલી જાણે વર્ષો જૂનો હિસાબ-કિતાબ પણ સાચવીને બેઠી છે. ઉપરાંત કાર્યાલયની કામગીરીના માધ્યમથી આ ડેલી આવતા જતા દરેકની માર્ગસૂચકની ભૂમિકા પણ ભજવે છે. માના દર્શને આવતા શ્રદ્ધાળુઓ માનો પ્રસાદ લેવા ભોજનાલય તરફ આ ડેલીએ પસાર થઇને જ જાય છે. એ રીતે આ ડેલી અન્નપૂર્ણાનો પ્રવેશદ્વાર પણ ગણાય.

ઇતિહાસ તરફ ડોકિયું કરીએ તો કચ્છના પ્રથમ કવિ તરીકે ઓળખાતા સંત-મહાત્મા મેકરણદાદાના ગુરુ એવા ગાંગો રાજા આ જાગીરના ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે હતા. એ સમયે 1778થી લઇને હાલ 2024 રાજાબાવા યોગેન્દ્રસિંહજીના પણ અધ્યક્ષ પદની સાક્ષી બની છે આ ડેલી.

1819માં જ્યારે સિંધના ગુલામશાહે મંદિર તથા જાગીરને લૂંટવાની મનસાથી ચડાઇ કરી ત્યારે અનેક કાપડીઓ-ભુવાઓ  મરાયા-હણાયા હતા, ત્યારે સિંધના દિવાને અપરાધભાવથી માતાજીને ક્ષમા-ચિહ્ન રૂપે ઘંટ ભેટ રૂપે આપ્યો હતોભ જે મોટો ઘંટ આજે પણ મંદિરમાં ઉપયોગમાં લેવાય છે. આ પ્રસંગથી  લઇને કચ્છાધિવાસી દ્વારા વર્ષોથી ચાલી આવતી પરંપરા એવી ચામરવિધિ પણ માના પ્રાંગણમાં ઊજવાય છે, જેમાં કચ્છના પાટનગર એવા ભુજથી ચામર લઇને આવતો રાજવી પરિવાર જ્યારે જાતરવિધિ માટે માતાના મઢ પધારે છે, ત્યારે આ ડેલીએ જાગરિયા સમાજના લોકો દ્વારા વગાડવામાં આવતી ડાક, ઢોલ, શરણાઇ, ઝાંઝ, મંજીરા સાથે નીકળતા આ સરઘસને રાજવીને જોવા પ્રજાજનો ઊમટી પડે છે અને `જીએ રા'ના જયનાદથી આ પ્રાંગણ સાથે ડેલી ગૂંજી ઊઠે છે.

આ તો થઇ ભૂતકાળની વાતો, પણ  વર્તમાન સમયની વાત કરીએ તો આજે પણ આ ડેલી જાણે પોતાની વર્ષો જૂની વિરાસત-વારસાને  સાચવી બેઠી છે. મંદિર પરિસરમાં ઊજવાતા દરેક પ્રસંગો, તહેવારોની, ઉજવણીની, પરંપરાઓની ખબર રાખે છે આ ડેલી.

આસો નવરાત્રિના નવેનવ દિવસ આ ડેલી એવો આભાસ કરાવે છે, જાણે ઘર આંગણે ભવ્ય પ્રસંગ ઊજવાતો હોય, માના દર્શને આવતા લાખો શ્રદ્ધાળુઓ, પદયાત્રીઓની અવર-જવર આ ડેલીની રોનક વધારે છે, એમાં પણ જ્યારે નવરાત્રિનો સાતમની રાત્રે હવન હોય, માના પ્રાંગણમાં લાખો ભક્તની ભીડ હોય એકબાજુ શાત્રોક્તવિધિથી પરંપરા મુજબ યજ્ઞશાળામાં રાજાબાવાના હસ્તે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા પવિત્ર મંત્રોના ઉચ્ચારણ સાથે હોમ-હવન થતા હોય, એકબાજુ રાજવી પરિવાર પ્રાંગણની શોભા વધારતો હોય, એક તરફ ઝગમગ-ચમકતી રોશનીથી માનું મંદિર-પ્રાંગણ ઝગમગતું હોય, સાથે ગરબીમાં ગામના ભાવિક ભક્તો દ્વારા પરંપરાગત રીતે આરતી,?છંદ, થાળ, ભજન-લોકગીતોને માતાજીના ગરબા ગવાતા હોય, સાથે-સાથે ગામ તથા બહાર ગામના શ્રદ્ધાળુ ભાઇ-બહેનો પરંપરાગત, ભાતિગળ સંસ્કૃતિ મુજબનાં વત્રો ધારણ કરીને જ્યારે ગરબે રમે છે, ત્યારે દૃશ્ય એટલું નયનરમ્ય જે દરેક ગુજરાતીને પ્રાચીન ગરબા પ્રથાની સાચી ઓળખ કરાવે છે ને દરેક કચ્છીને ગર્વ અપાવે એવું દૃશ્ય આ મઢની ડેલીએથી નિહાળવું એ પણ એક લ્હાવો છે.

આજે આધુનિક યુગના કારણે લુપ્ત થતી પ્રાચીન-નવરાત્રિઓની સરખામણી કરીએ તો આ માતાના મઢની નવરાત્રિ (ગરબી) ખરેખર  કચ્છની જ નહીં પણ જાણે ગુજરાતની સૌથી સુંદર પ્રાચીન ગરબી-નવરાત્રિ લાગે છે, જે આ ગરબીને નિહાળવી એ પણ એક સૌભાગ્ય છે.

માત્ર નવરાત્રિ જ નહીં પણ દરેક પૂનમની રાત્રે ખાસ કરીને શરદપૂર્ણિમાની રાત્રે જ્યારે ચંદ્રદેવ મા મઢવાળીની ધ્વજા પર બિરાજે છે, ત્યારે આ મનમોહક દૃશ્ય આ ડેલીએ ઊભેલી કોઇપણ ભાવિક વ્યક્તિના મનમાં, પ્રખ્યાત ગુજરાતી ફિલ્મના પ્રખ્યાત ગીતની આ કડીઓ યાદ અપાવી દે છે.

`આગે આગેથી મન (મઢ)ની ડેલીએ

કાંઇ આવ્યાકાશી કેર, ચાંદલીઓ ઉગ્યો રે

ઉડે ઉડેથી હરખું ગેલી રે

હું તો સમણાએ આંજુ નેર

ચંદલીઓ ઉગ્યો રે'

આ તો થઇ ભાવ-ભક્તિની વાતો, પણ અગત્યની વાત એ છે કે, ગામના વ્યક્તિગત હોય કે જાહેર-સાર્વજનિક, કોઇપણ અગત્યના નિર્ણયો હોય કે કોઇ પણ નાની-મોટી સમસ્યાનું સમાધાન હોય, એ મોટેભાગે આ ડેલીની બેઠકે જ થાય છે. એ રીતે ક્યારેક આ ડેલી કચેરીની ભૂમિકા પણ ભજવે છે. વર્ષોથી ગામના સરપંચો આ બેઠક પર પોતાની હાજરી પુરાવતા આવ્યા છે. એ રીતે આ ડેલીને પ્રાચીન-પંચાયત પણ કહેવી ખોટી નથી. વર્ષો પહેલાં શરૂ થયેલી પરંપરા સમાન ડેલીની બેઠક, જે જૂની પેઢીના જટાશંકર જોષી, મઢ જાગીર કારભારી, પ્રખ્યાત લેખક, રાજકીય અગ્રણી એવા સ્વ. ખરાશંકર જોષી, રવિલાલભાઇ શાહ, સ્વ. ચંદુભાઇ દેઢિયા મઢ જાગીરના કારભારી રહી ચૂક્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang