• રવિવાર, 06 જુલાઈ, 2025

હાફીઝ-મસૂદ ભારતને સોંપવા પાકની `તૈયારી'

નવી દિલ્હી, તા. 5 : ઓપરેશન સિંદૂર દરમ્યાન ભારતની શક્તિ અને ગુસ્સાનો પરચો જોનારા પાકિસ્તાનની સાન ઠેકાણે આવતી હોય એમ તેણે તેના દેશમાં લપાયેલા ભારતના બે સૌથી મોટા દુશ્મન અને ખતરનાક આતંકવાદી હાફિઝ સઈદ અને મસૂદ અઝહરને સોંપવાની તૈયારી બતાવી છે. સિંધુ જળ સંધિ બહાલ કરવા મામલે અત્યાર સુધી પોકળ ધમકીઓ આપતા રહેતા પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ પહેલી વખત તેમના દેશને વિશ્વાસ બહાલીના રૂપમાં તપાસના દાયરામાં આવેલી વ્યક્તિઓને ભારતને સોંપવામાં કોઈ વાંધો ન હોવાનું નિવેદન આપ્યું છે. પાકિસ્તાની અખબાર ડોન અનુસાર બિલાવલે અલ-જજીરા સાથેની મુલાકાતમાં આ ટિપ્પણી કરી હતી. તેણે કહ્યું કે, લશ્કર-એ-તોયબાના વડા હાફિઝ સઈદ અને જૈશ-એ-મોહમ્મદ પ્રમુખ મસુદ અઝહરને સંભાવિત સમજૂતી અને સદભાવનાપૂર્ણ વલણ હેઠળ ભારતને પ્રત્યાર્પિત કરી શકાય તેમ છે. જો કે, ભારત પણ આ પ્રક્રિયામાં સહકાર આપે તે જરૂરી છે. જો કે, બિલાવલે આવી વ્યક્તિઓના પ્રત્યાર્પણ માટે જરૂરી કાનૂની જોગવાઇઓ પૂર્ણ કરવામાં ભારતના સહકારની શરત પણ મૂકી હતી. બિલાવલે કહ્યું કે તેમના દેશને વિશ્વાસ બહાલીના ઉપાય તરીકે આવું  કરવામાં કોઈ વાંધો નથી પરંતુ શરત એ છે કે નવી દિલ્હી આ પ્રક્રિયામાં સહયોગ કરવાની ઈચ્છા દર્શાવે. અહેવાલ અનુસાર પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના પ્રમુખ બિલાવલે શુક્રવારે અલ ઝઝીરા સાથેની વાતચીતમાં આતંકવાદીઓના પ્રત્યાર્પણની વાત કરી હતી. લશ્કરે તોઈબાના પ્રમુખ હાફિઝ સઈદ અને જૈશે મોહમ્મદના મસૂદ અઝહરને સંભવિત સમજૂતી અને સદભાવનાપુર્ણ વલણ હેઠળ ભારતને હવાલે કરવા અંગેના એક સવાલના જવાબમાં તેમણે હકારાત્મક પ્રતિક્રિયા આપી હતી. બિલાવલે આતંકવાદીઓને પકડવાના ભારતના સંકલ્પ અંગે ચિંતા વ્યક્ત કરી અને તેને નવી અસામાન્યતા ગણાવી હતી. તેમણે કહ્યું કેપાકિસ્તાન સાથે એક વ્યાપક વાર્તાના ભાગ તરીકે, જ્યાં આતંકવાદ એ મુદ્દાઓમાંથી એક છે જેના પર આપણે ચર્ચા કરીએ છીએ, મને વિશ્વાસ છે કે તેમાં કોઈ પણ ચીજનો વિરોધ નહીં કરે. રાષ્ટ્રીય આતંકવાદ નિરોધક કાયદા અનુસાર પાકિસ્તાને લશ્કરે તોઈબા અને જૈશે મોહમ્મદ બન્ને સંગઠન પર પ્રતિબંધ મૂકેલો છે. ર6/11 મુંબઈ હુમલાનો મુખ્ય કાવતરાખોર હાફિઝ સઈદ આતંકવાદને નાણાકીય રીતે પોષવાના આરોપમા દોષિત ઠરતાં 33 વર્ષની જેલની સજા ભોગવી રહ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે, ભારત કેટલીક પાયાની વાતનું પાલન કરવાનો ઇન્કાર કરી રહ્યું છે કે, જેની દોષસિદ્ધિ માટે જરૂર હોય છે આ મહત્ત્વપૂર્ણ છે. અદાલતોમાં પુરાવા રજૂ કરવા, લોકોને જુબાની આપવા ભારતથી આવવું, જે પણ જવાબી આરોપો લાગે તેને સહેન કરવા.. જો ભારત આ પ્રક્રિયામાં સહકાર આપવા તૈયાર હોય, તો મને વિશ્વાસ છે કે, કોઇ પણ તપાસના દાયરામાં આવેલી વ્યક્તિને પ્રત્યાર્પિત કરવામાં કોઇ અવરોધ આવશે નહીં એમ બિલાવલે ઉમેર્યું હતું. 

Panchang

dd