કેરા (તા. ભુજ), તા. 5 : યુરોપમાં
એક પણ શિખરબદ્ધ હિન્દુ મંદિર નહોતું, ત્યારે છેક 1975માં કચ્છ સત્સંગરત્ન ધર્મજીવનદાસજી
સ્વામીએ વિલ્સડન લેન ખાતે સર્જેલા સ્વામિનારાયણ
મંદિરને 50 વર્ષ પૂર્ણ થતાં શરૂ થયેલી
ઉજવણીની પોથીયાત્રા શનિવારે બપોરે દબદબાભેર નીકળતાં લંડનના માર્ગો ગાજ્યા હતા. વિલ્સડન
સ્વામિનારાયણ મંદિર પાસેના રસ્તેથી પ્રારંભ થયેલી પોથીયાત્રાનું મંગલાચરણ ભુજ મંદિરના
ઉપમહંત પુરાણી ભગવદ્જીવન સ્વામી, કોઠારી પાર્ષદવર્ય જાદવજી ભગત, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, પુરાણી માધવપ્રસાદ સ્વામી,
કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજી સ્વામી, પુરુષોત્તમસ્વરૂપ
સ્વામી, શાત્રી ધર્મચરણદાસજી
સ્વામી, પુરાણી સ્વામી ભક્તિપ્રિયદાસજી, સ્વામી વિશ્વવલ્લભદાસજી, સ્વામી કૃષ્ણપ્રિયદાસજી આદી અનેક વડીલ તથા યુવા સંતોએ દીપ આરતીથી કરાવ્યો હતો.
સ્વામિનારાયણ ભગવાનની પાલખી, બોલ્ટન, હેરોકેનન,
સ્ટેનમોર, વુલ્વીચ, ઇસ્ટ
લંડન, કાર્ડિફ, ઓલ્ધામ, માન્ચેસ્ટર અને યજમાન વિલ્સડન મંદિરની બેન્ડ, લેઝીમ,
મોરપંખ વેશભૂષામાં બાળકો, આઇએસએસઓની રાસ મંડલી,
મોટા પખાવજ સાથેના યુવાનો, જૂની વિન્ટેજ કારોમાં
સંતો જોડાયા હતા. પ્રારંભે ભુજ મંદિરના મહંત પુરાણી ધર્મનંદનદાસજીએ આશીર્વાદ આપતાં
બાળ ઘનશ્યામની કૃપાથી ઉત્સવની સફળતા નિશ્ચિત હોવાનું કહ્યું હતું. એક બાજુ સંતોની બહોળી
સંખ્યા મહોત્સવને સત્સંગના ઘેરાઘાટા રંગે રંગી
દીધો હતો, તો બીજી બાજુ મોટી સંખ્યામાં પોથીધારી મહિલાઓ અને યજમાન
પરિવારોએ ધર્મમય મેઘધનુષ્ય રચ્યો હતો. સ્કોટલેન્ડ યાર્ડના બ્રિટિશ પોલીસના જવાનો વ્યવસ્થારત
દેખાયા, તો ધજા પતાકાથી સજાવાયેલું મંદિર લંડનના આકાશમાં ધર્મ-ભક્તિ,
વૈરાગ્યની આહલેક પોકારતા હતા. ઉત્સવમાં મંદિર પ્રમુખ કુંવરજી અરજણ કેરાઇ,
ટ્રસ્ટી કે.કે. જેસાણી, યુ.કે. કોમ્યુનિટી અધ્યક્ષ
માવજીભાઇ વેકરિયા, કચ્છ સંલગ્ન તમામ મંદિરોના પ્રમુખ અને કાર્યવાહ
સમિતિ, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, આખાતી દેશો અને દેશથી આવેલા હરિભકતો, દાતા હીરજીભાઇ હીરાણી
(કિંગ્સબરી ફ્રૂટ એન્ડ વેજ) સહિતના આમંત્રિતો
જોડાયા છે. મહોત્સવ નિસડન સ્ટુડિયો કોમ્પ્લેક્સ ખાતે યોજાઇ રહ્યો છે. કચ્છ સંલગ્ન સ્વામિનારાયણ મંદિરોના પ્રસંગ ઇતિહાસમાં આ નવદિવસીય ઉજવણીની વિશિષ્ટ
તૈયારી કરાઇ છે. `ગોલ્ડન હાર્ટસ'માં શ્રીમદ્ હરિસ્મૃતિ ગ્રંથનું મંગલાચરણ થવા
સાથે રચયિતા નિષ્કુળાનંદજી સ્વામી લિખિત શાત્રબોધ સત્સંગને નવપલ્લવિત કરશે.