• રવિવાર, 06 જુલાઈ, 2025

ભુજમાં ધોળા દિવસે કર્મચારીઓના પગારનાં નાણાંની ઉઠાંતરી

ભુજ, તા. 5 : શહેરના ધમધમતા સંસ્કાર નગરમાં ધોળા દિવસે ખાનગી ઓફિસનું શટર ખોલી ટેબલનાં ખાનાંમાં કર્મચારીઓના પગાર માટે રાખેલા રોકડા રૂા. 98 હજારની ચોરી થયાના બનાવથી ચકચાર પ્રસરી હતી. ભુજના એ-ડિવિઝન પોલીસ મથકે સંસ્કાર નગરમાં યામાહા શો-રૂમની સામે શિવાલિક એન્જિનીયર્સ એન્ડ સર્વેયરની ઓફિસના મિરાજ ચેતનભાઇ ઠક્કરે નોંધાવેલી ફરિયાદ મુજબ પહેલી તારીખ આવતી હોવાથી કર્મચારીઓને પગાર આપવા તેઓ ગત તા. 30/6ના સવારે ઘરેથી રોકડા રૂા. 98000 લઇ ઓફિસના ટેબલના ખાનામાં રાખ્યા હતા અને બપોરે દોઢ-બે વાગ્યે ફરિયાદી તથા સાથેના બધા કર્મચારીઓ ઓફિસનું શટર બંધ કરી જમવા ગયા હતા અને દોઢેક કલાક બાદ પરત આવ્યા હતા. આમ આ ગાળા દરમ્યાન કોઇ અજાણ્યો માણસ ઓફિસનું શટર ખોલી ખાનાંમાં રાખેલા રોકડા રૂા. 98000ની ચોરી કરી લઇ ગયો હતો. લોકોની અવર-જવરથી ધમધમતાં સંસ્કારનગરમાં ધોળા દિવસે થયેલી આ ચોરીથી ચકચાર પ્રસરી છે. પોલીસે આ ચોરી અંગે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. 

Panchang

dd