ગાંધીધામ, તા. 5 : આધોઈથી ઘરાણા તરફ જતા માર્ગ
ઉપર અજાણ્યા વાહનની હડફેટે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ગાંગજીભાઈ પ્રેમજીભાઈ છાડવા (ઉ.વ.55)નું સારવાર દરમ્યાન મૃત્યુ
થયું હતું. રાપર તાલુકામાં ચિત્રોડથી ગોગાવાંઢ જતા માર્ગ ઉપર 35 વર્ષીય અજાણ્યા પુરુષનો મુતદેહ મળી આવ્યો હતો. ભચાઉ તાલુકાના
કરમરિયામાં અગમ્ય કારણોસર ઝેરી દવા પી જનારા
શેરૂભાઈ અમરશી ચૌહાણ(ઉ.વ.50)નું મૃત્યુ
થયું હતું. સામખિયાળી પોલીસે જણાવ્યું હતું કે, બેરા પરબ આધોઈથી ઘરાણા માર્ગ ઉપર ગત તા.1/7ના 08.45 વાગ્યાના
અરસામાં આ બનાવ બન્યો હતો. ભચાઉ તાલુકાના આધોઈમાં
રહેતા આધેડ વયના ગાંગજીભાઈ પગે ચાલીને જતા
હતા. દરમ્યાન અજાણ્યા વાહને તેમને ટક્કર મારી હતી,
જેના કારણે તેમને ગંભીર ઈજા પહોંચી હતી. ભુજની ખાનગી હોસ્પિટલમાં ચાલુ
સારવાર દરમ્યાન તા.3/7ના 07.30 વાગ્યાના અરસામાં તેમણે અંતિમ
શ્વાસ લીધા હતા. પોલીસે ભરતભાઈ ગાંગજીભાઈ છાડવાની
ફરિયાદના આધારે આ ગુનામાં સામેલ આરોપીને પકડી પાડવા સહિતની દિશામાં તપાસ આરંભી છે.
બીજી તરફ ગાગોદર પોલીસે જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રિના 11 વાગ્યાના
અરસામાં ચિત્રોડથી ગોગાવાંઢ તરફ જતા માર્ગ ઉપર 35 વર્ષીય યુવાનની બિનવારસુ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે ભારે વ્યાયામ
આદરીને આ યુવાનની ઓળખ કરી પરિવારજનોનો સંપર્ક
કર્યો હતો. મૃતક યુવાનનું નામ રામચંદ્ર શામરાવ
ગાવડે હતું. મહારાષ્ટ્રનો વતની આ યુવાન રાજસ્થાનમાં
સોનીકામ કરતો હોવાનું તપાસમાં બહાર આવ્યું
હોવાનું પોલીસે જણાવ્યું હતું. મોતના કારણે અંગે પોલીસે વધુ છાનબીન આરંભી છે. કરમરિયા
ગામમાં રહેતા શેરૂભાઈ નામના આધેડે ગત તા.4/7ના 10.26 વાગ્યાના અરસામાં કોઈ કારણોસર ઝેરી દવા ગટગટાવી હતી. પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે તેમને ભુજ જી. કે. જનરલ હોસ્પિટલ ખાતે મોકલાયા હતા. ચાલુ સારવાર દરમ્યાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
આ આધેડે કયા કારણોસર આ પ્રકારનુ અંતિમ પગલું ભરી લીધું હશે, તે જાણવા પોલીસે અકસ્માત નોંધના આધારે વધુ તપાસ
આરંભી છે.