• રવિવાર, 06 જુલાઈ, 2025

શરીર સ્વસ્થ હશે તો સમાજ-સંસ્કૃતિ રાષ્ટ્ર માટે કામ કરી શકાશે

ભુજ, તા. 5 : તાલુકાના મદનપુર (સુખપર) ગામે પરિવારના મોભી જેઠાલાલ કરશન વેલાણીનું 77 વર્ષની વયે દેહાવસાન થતાં વેલાણી પરિવારના સૌ સભ્યોની વડીલના અંગોનું દાન કરવાની ઈચ્છા હોવા છતાં વડીલને કેન્સરની બીમારી હોતાં આ ઇચ્છા પૂરી થઈ શકી નહોતી. આ વસવસો ટાળવા અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ કેળવવા સાથે પ્રાર્થનાસભામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકો સમક્ષ અંગદાન અને સ્વાસ્થ્ય જાગૃતિને વિષય મુકાયો હતો. કીડની, લિવર, હૃદય સહિતનાં અંગો ખરાબ થવાની સમસ્યાઓથી પોતાને કોઈ મૃતકનું અંગ દાનમાં મળી જાય તેની પ્રતિક્ષામાં લાખો લોકો પીડાઈ રહ્યા છે, ત્યારે પોતાને મળેલા કોઈ મૃતકનાં અંગથી નવું જીવન મળવાથી આ કાર્યને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટનાં માધ્યમથી સમગ્ર ગુજરાતમાં અંગદાન જાગૃતિને એક મહા ઝુંબેશનું સ્વરૂપ આપનારા સામાજિક કાર્યકર્તા દિલીપભાઈ દેશમુખ (દાદા)એ જણાવ્યું કે, શરીર સ્વસ્થ હશે તો જ સમાજ, સંસ્કૃતિ, ધર્મ અને રાષ્ટ્ર માટે કામ કરી શકીશું. એટલે સ્વાસ્થ્ય વિશે અતિસ્વાર્થી બનીને સેવાકીય કાર્યો કરતાં સમય આવ્યે, જ્યારે શ્વાસ છૂટે ત્યારે નિરોગી શરીરના એક એક અંગનું પણ દાન કરીને અન્યોને પણ જીવનદાન આપવાની પ્રેરક વાત કરી હતી.  પ્રકૃતિ અને ગૌપ્રેમી તથા આર.એસ.એસ.ની ગ્રામ વિકાસ ગતિવિધિના સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક મનોજભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, આપણા વડીલો અને પૂર્વજોએ પ્રકૃતિ, પાણી, પર્યાવરણ અને જીવસૃષ્ટિનું સહેજે જતન કરીને આપણે જે શુદ્ધ વાતાવરણની ભેટ આપી છે તે જ વાતાવરણ આપણી નવી પેઢીને આપવાની સૌની સામૂહિક જવાબદારી છે. મિત્રવર્તુળમાં `કાકા'ના હુલામણા નામે જાણીતા સ્વ. જેઠાભાઈની સ્મૃતિમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સહિત વિવિધ સામાજિક પ્રવૃત્તિઓમાં કાર્યરત આ વેલાણી પરિવારે શિક્ષણ, સ્વાસ્થ્ય અને સેવાકીય પ્રવૃત્તિઓમાં યોગદાન સ્વરૂપે સુખપરમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરતા માધવ સ્મૃતિ ટ્રસ્ટને એક સ્માર્ટ બોર્ડ માટે 1.25 લાખ સંસ્થાના પ્રમુખ રવજીભાઈ ગોરસિયાને, સમગ્ર કચ્છમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ માટે સેવા સાધના- કચ્છને 1.51 લાખ સંસ્થાના પ્રમુખ માવજીભાઈ સોરઠિયાને અને ભુજમાં એમ.એમ.પી.જે. તથા કે.કે. પટેલ હોસ્પિટલના માધ્યમે કચ્છ માટે આરોગ્ય સેવાનો પર્યાય બની ચૂકેલા લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટને એક ડાયાલિસીસ મશિન માટે 7.50 લાખ સમાજના પ્રમુખ વેલજીબાપા તથા ગોપાલભાઈ ગોરસિયાને એમ કુલ 10.25 લાખની રકમના ચેક પરિવારની દીકરીઓના હાથે ઉપરોકત સંસ્થાઓને અર્પણ કરાયા હતા. પ્રાર્થનાસભામાં સંઘના વરિષ્ઠ પ્રચારક સજ્જનભાઈ ઓઝા, વિવિધ ધાર્મિક, સામાજિક અને રાજકીય અગ્રણીઓ સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, રાષ્ટ્ર સેવિકા સમિતિ, વિશ્વ હિંદુ પરિષદ, કિસાન સંઘ, વિદ્યાભારતી, અધિવક્તા પરિષદ, ગૌસેવા ગતિવિધિ સહિતના વિવિધ સંગઠનોના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હોવાનું સંઘના વિભાગ કાર્યવાહ રવજીભાઈ ખેતાણીની યાદીમાં જણાવાયું છે. 

Panchang

dd