માંડવી, તા. 5 : સુપ્રીમ કોર્ટના જજ બન્યા બાદ
પ્રથમ વખત જસ્ટિસ નિલયભાઈ અંજારિયા માદરે વતન માંડવી આવતાં માંડવીમાં આરોગ્ય ક્ષેત્રે
કામ કરતી સંસ્થા જનકલ્યાણ મેડિકલ સોસાયટી સંચાલિત `નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિસ અને ડાયાલિસીસ સેન્ટર'એ તેમનું સન્માન કરવા સમારોહ યોજ્યો હતો. સંસ્થાના
પ્રમુખ કિરણભાઈ સંઘવીના પ્રમુખસ્થાને યોજાયેલા સમારોહને જસ્ટિસ નિલયભાઈ અંજારિયાએ દીપ
પ્રગટાવીને કાર્યક્રમને ખુલ્લો મૂકતાં જણાવ્યું હતું કે, માંડવીની
જનકલ્યાણ મેડિકલ સોસાયટી દર્દીઓ માટે આશીર્વાદરૂપ છે. તેમણે સંસ્થાની આરોગ્યલક્ષી સેવાની
સરાહના કરી હતી. સંસ્થાના પ્રમુખ કિરણભાઈએ અંજારિયા દંપતીને આવકાર આપી, સંસ્થાની આરોગ્ય સેવાની માહિતી આપી હતી. નિલયભાઈ અંજારિયાને મોમેન્ટો એનાયત
કરી શાલ ઓઢાડીને સંસ્થાના પ્રમુખ અને ટ્રસ્ટી મંડળે અભિવાદન કરેલું હતું. જ્યારે નિલયભાઈના
પત્ની પ્રગતિબેનનું જ્યોતિબેન અરવિંદભાઈ ગાલાએ સન્માન કરેલું હતું. સંસ્થાના ઉપપ્રમુખ
શાંતિલાલભાઈ પટેલ, મંત્રી અરવિંદભાઈ શાહ, ખજાનચી નિશાંતભાઈ શાહ, સહમંત્રી મહેશભાઈ કંસારા,
ટ્રસ્ટી વી. કે. સોલંકી, ટ્રસ્ટી દિનેશભાઈ શાહ
અને નરોત્તમભાઈ ધોળું, માનદ સભ્ય ડો. આદિત્યભાઈ ચંદારાણા અને
મિતકુમાર શાહ તેમજ સંસ્થાના ડો. સૌરભ પટેલ, ડો. રવિભાઈ ગોસ્વામી,
ડો. પરમિત જોશી અને સંસ્થાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. જસ્ટિસ શ્રી અંજારિયાએ
સંસ્થાની હોસ્પિટલના ઓપરેશન થિયેટર, ડાયાલિસીસ સેન્ટર,
એક્સરે રૂમ, લેબોરેટરી, મેડિકલ
સ્ટોર, ફિઝિયોથેરાપી સેન્ટર તેમજ સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતો
માટે તાજેતરમાં જ નિર્માણ પામેલા મેડિકલી વૈયાવચ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. સંચાલન
સંસ્થાના સહમંત્રી મહેશભાઈ કંસારાએ જ્યારે મંત્રી અરવિંદભાઈ શાહે આભાર દર્શન કરેલું
હતું.