ગાંધીધામ, તા. 5 : જિલ્લામાંથી લોકોને સિસલ્સ, ઇથોપિયા, ન્યૂઝીલેન્ડમાં
સુથારીકામ તેમજ અન્ય કામ માટે જવાની લાલચ આપીને નાણાં પડાવતા મુખ્ય આરોપી સાથેની ટોળકીને
ઝડપી પાડવામાં આવી છે. આરોપીઓએ અત્યાર સુધીમાં અલગ-અલગ લોકો પાસેથી 65 લાખ છેતરાપિંડી આચરી છે. આરોપીઓ
ઝડપાયા બાદ મોડસ ઓપરેન્ડી સામે આવી છે, જેના પગલે પોલીસે તમામના બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરાવ્યા છે. માધાપર પોલીસ મથકમાં હસમુખભાઈ હરજીભાઈ સુથારને આરોપી
આનંદ કોટકે લાલચ આપી હતી. માધાપર માહી ડેરીની સામે ગ્રીન વર્લ્ડ ટૂર એન્ડ ટ્રાવેલ્સ
નામની ઓફિસ ખોલીને આરોપી લોકોને સુથારી તેમજ
અન્ય મજૂરીકામ માટે વિદેશ લઈ જવાની લાલચ આપી હતી. આ મામલે 2,49,000ની છેતરપિંડી કર્યા બાદ ઓફિસ
અને તેનો ફોન બંધ આવતો હોવાની ફરિયાદ નોંધાવાઈ હતી,
જેનાં પગલે પોલીસે આ મુખ્ય આરોપીની ભાડ મેળવવા સતત વોચ રાખી હતી અને
ત્યાર પછી આરોપી અમદાવાદ હોવાની બાતમી મળતાં
આરોપી આનંદ ઉર્ફે લાલો હસમુખ કોટક અને ગાંધીધામના ડાયા ગાભાભાઇ રાજપૂતને અમદાવાદથી
ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે માનકૂવાનો આરોપી અકબર અલી મહમદ
આમદ બાફણ અમદાવાદ ભાગવાની ફિરાકમાં હતો, ત્યારે તેને પકડી પાડવામાં
આવ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીઓએ દોઢ વર્ષ પહેલાં આ છેતરાપિંડીની યોજના ઘડી હતી અને
લોકોને વિદેશ મોકલવાની લાલચ આપીને રૂપિયા લેવાનું શરૂ કર્યું હતું. અત્યાર સુધીમાં
અલગ-અલગ લોકો પાસેથી 65 લાખ રૂપિયા
લઈ લીધા હોવાનું સામે આવ્યું છે. લોકો પાસેથી લીધેલા રૂપિયા ચાર ભાગમાં વહેંચવામાં
આવતા હતા. ઝડપાયેલા આરોપીઓના બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે. આ છેતરાપિંડીના
ષડયંત્રમાં ભાગેલો આરોપી દિનેશ દેવજીભાઈ ભદ્રા રહે. માનકૂવાને પકડવા માટે પોલીસે ચક્રો
ગતિમાન કર્યાં છે.