હેતલ પટેલ દ્વારા
ભુજ, તા. 30 : ગરબે રમવા થનગનતા
હૈયાની પ્રતીક્ષાનો અંત હવે આવી ગયો છે. ગણતરીના કલાકોમાં સૌનો પ્રિય તહેવાર નવરાત્રિ શરૂ થઇ જશે. એકબાજુ ગરબાના સ્ટેપથી સ્ટેપ
મિલાવવા બે માસ અગાઉથી ક્લાસ શરૂ થઇ જાય છે, તો બીજીબાજુ નવેનવ દિવસ ચાચર ચોકમાં ચણિયાચોળીમાં
સજ્જ થઇ મહાલવા માટે લેટેસ્ટ ટ્રેન્ડના વત્રોની ખરીદી શરૂ થઇ ગઇ છે. કોઇ ડિઝાઇનર પાસે
વત્રો તૈયાર કરાવે છે, તો કોઇ?ભાડે લેવાનું પસંદ કરે છે. ઓનલાઇન ઓર્ડરનું પ્રમાણ પણ
વધી ગયું છે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક જેવા માધ્યમોએ માર્કેટ મોકળું કર્યાનું દેખાઇ રહ્યું
છે. વાત છે, કચ્છમાં પરંપરાગત ગરબા રમવા થનગનતા ખૈલૈયાઓની કે નવ દિવસ કેવાં વત્રો પહેરીને
ગરબે રમવાનું છે. કચ્છની યુવતીઓ સુરત, વડોદરા, અમદાવાદની ફેશનને અનુસરી પોતાના કલેક્શનમાં
તેનો ઉમેરો કરી રહી છે જ્યારે ગુજરાત તેમજ સમગ્ર ભારતમાંથી પરંપરાગત લૂકના આગ્રહી અને
શોખીનો કહે છે કે, નવરાત્રિમાં તો કચ્છી પરિધાન જ !! ચેન્નઇ, કોલકાતા, મુંબઇ અને દિલ્હી
જેવા શહેરોનો બહોળો વર્ગ છે જે કચ્છથી ચણિયાચોળી ખરીદે છે. વળી ફક્ત ભારત પૂરતું સીમિત
ન રહેતાં વિદેશમાં પણ નવરાત્રિમાં સોશિયલ મીડિયાથી આકર્ષાઇને ચણિયાચોળી પહેરવાનું ચલણ
આવ્યું છે. ભુજના હોલસેલર અને રિટેઈલર ચિરાગ હસ્તકળાના રિતેશભાઇએ જણાવ્યું હતું કે,
દર વર્ષે કંઇક નવા ડ્રેસ સાથે રમવા ઉત્સુક યુવાઓ માટે બજાર સજ્જ છે. આ વર્ષે નવરાત્રિમાં
આવી સોશિયલ ચણિયાચોળીની વેરાયટીએ બજારમાં આકર્ષણ જમાવ્યું છે. કહે છે ને કે જૂનું એટલું
સોનું. એવી જ એક ફેશન આવે છે વિન્ટેજ લૂક ચણિયાચોળીની, જેમાં જૂની સિફોન ટીકલી વર્કવાળી
સાડીના પેચ જોડીને તૈયાર કરાયેલા ડિઝાઇનર પરિધાન રીચ લૂક આપશે. હાલે ડિજિટલ યુગનો સમય
છે ત્યારે ચણિયાચોળીમાં પણ આકર્ષક ડિજિટલ પ્રિન્ટેડ ચણિયાચોળી વિથ દુપટ્ટાની મનમોહક
વિશાળ રેન્જ જોવા મળી રહી છે. સૌથી મોખરે ડિમાન્ડ હોય તો આઠ મીટર ઘેરથી 12 મીટર સુધીની
ઘેરવાળા અમ્બ્રેલા ચણિયા વિથ ગોતાપટ્ટી અને બ્રોડ ગોલ્ડન બોર્ડર. આવી વિશાળ ઘેરવાળા
ચણિયામાં ઘુમ્મર રમતી યુવતીઓનો નયનરમ્ય નજારો નિહાળવા મળશે. મશરૂ મટીરિયલમાં અજરખ પ્રિન્ટવાળા
ચણિયા પર છૂટાછવાયા આભલા કામથી શોભતા ચણિયાની ફેશન તો સદાબહાર રહેવાની જ. સિમ્પલ લૂક
અને કમ્ફર્ટને પ્રાધાન્ય આપનારી માનુનિઓની પસંદગીમાં આવે છે કોટલ પ્રિન્ટેડ ચણિયા જેમાં
ખાસ અજરખ, ધાબુ, કલમકારી, નેચરલ પ્રિન્ટ જોવા મળી રહી છે. જેના પર વેસ્ટર્ન ટોપ, ટી-શર્ટ,
ક્રોપ ટોપ મિક્સ મેચ કરીને પહેરી શકાય. દુપટ્ટા વગર પણ આ ઇન્ડો વેસ્ટર્ન લૂક સુંદર
લાગે છે. `ઇઝી
ટુ વેર' હોવાથી
બહોળો વર્ગ આ પ્રકારના પરિધાન પર પોતાની પસંદગી ઉતારે છે. એપ્લિક પેચવર્ક અર્થાત હાથી, છત્રી, મોર જેવા મોટા
આકારોના કટવર્ક-પેચવર્ક દ્વારા તૈયાર કરાયેલા ચણિયા અલગ જ લૂક આપે છે. સિંગલ રંગમાં
બગલા, પોપટ, ચકલી, સુરખાબ જેવી ભાતનું એક જ રંગના દોરાથી કરાયેલું મશીન થ્રેડ વર્કનું
સાદગીમાં સુંદરતા શોધનારી
યુવતીઓને એક નજરમાં ગમી જાય એવું કલેક્શન પણ આવ્યું છે. આબેહૂબ ઓરિજિનલ કચ્છી વર્કની
કોપી કરીને મશીન વર્ક દ્વારા સસ્તા અને વજનમાં હલ્કા પરિધાન ખેલૈયાઓ તથા હેવી લૂકમાં
તૈયાર થવાના શોખીનો માટે કચ્છી આર્ટિફિશિયલ વર્ક સરસ વિકલ્પ છે. ચણિયા સાથે ચોલીનું
પસંદગીમાં પણ એટલું જ વૈવિધ્ય જોવા મળી રહ્યું છે, જેમાં આ વર્ષે સ્ફગેટી બેકલેસ બ્લાઉઝની
ફેશન મોખરે છે. આ ઉપરાંત આહીર વર્ક, જતવર્ક, મિરર વર્કવાળા બ્લાઉઝની ડિમાન્ડ સાથે વીસ
વર્ષ બાદ ફરીથી કોડીની ફેશન આવી છે ત્યારે 2005 બાદ આ વર્ષે ફરીથી ઓરિજિનલ કોડીવાળા
અજરખ પ્રિન્ટેડ બ્લાઉઝે માર્કેટ જમાવ્યું છે. ચણિયા અને ચોલી સાથે મિક્સ એન્ડ મેચ કરીને
કોટન મશરૂ, મોડાલ સિલ્ક, લગડી પટ્ટા, ખાટલી-આહીર વર્ક, કાલા કોટન દુપટ્ટાનો ક્રેઝ વધારે
છે. આ ઉપરાંત કંઇક નવું શોધનારી માનુનીઓ ધોતી સાથે જેકેટ, સ્રગના કોમ્બિનેશનને પણ પસંદ
કરી રહી છે. એસેસરીઝમાં પણ કોમન ઓક્સોડાઇઝની જ્વેલરીથી જુદું શોધતી ફેશનપ્રિય જનતાને
મનગમતું મળી જ રહે છે. આજકાલ એક્ઝિબિશનોમાં પણ જ્વેલરી ડિઝાઇનરો દ્વારા અવનવું પીરસાઇ
રહ્યું છે. મિરરવર્ક જ્વેલરી, કાપડ સાથે ઓક્સોડાઇઝ ઝૂમર, ઘૂઘરીનો ટચ આપી તૈયાર કરાયેલી
એસેસરીઝ ખૂબ સુંદર લાગે છે. ઉપરાંત બેલ્ટ વિથ મોબાઇલ કવર તો ફેશન સાથે મોબાઇલ સાચવવાની
સગવડ પણ આપે છે. પગરખાંમાં પણ યુવક-યુવતીઓ સૌ સ્પોર્ટસ સૂઝમાં પણ કચ્છી પેચ ડિઝાઇન-મિરર
ટચ આપી પહેરે છે. નવરાત્રિ પરિધાન સાથે મેચિંગ ફેશનેબલ જૂતા મન મૂકીને ઝૂમવા ઇચ્છતા
ખેલૈયાઓમાં લોકપ્રિય થયા છે. વિવિધ સ્પર્ધાઓમાં સ્પર્ધકો તરીકે ભાગ લેનારા ખેલૈયાઓની
વાત કરીએ તો તેઓ ફેશન ડિઝાઇનરો-બૂટિક પાસે ઓરિજિનલ કચ્છી પહેરવેશ કસ્ટમાઇઝ કરાવતા હોય છે. લગભગ
20 હજારથી શરૂ થતા બજેટમાં ટ્રેડિશનલ ભરતગૂંથણવાળા વજનદાર, ઘેરાવદાર, નિર્ણાયકોને આકર્ષે
એવા પરંપરાગત પરિધાન પોતાની સ્ટાઇલ અને સાઇઝ મુજબ સ્પેશિયલ તૈયાર કરાવીને પહેરતા હોય
છે. વળી વાગલેની દુનિયાની જેમ એકસરખા પરિધાનોમાં સજ્જ પરિવાર (માતા-પિતા સાથે બાળકો)
જોવા મળશે. માતા-પુત્રી ટ્વિનિંગ, પિતા-પુત્ર ટ્વિનિંગ માટે સ્પેશિયલ મેચિંગ વત્રો
બનાવડાવે છે. આ વાત થઇ એ વર્ગની જેઓ દર વર્ષે નવરાત્રિ માટે સ્પેશિયલ બજેટ રાખી ખર્ચ
કરી શકે છે. જ્યારે બીજો વર્ગ જે ફેશન અને સમયના દોર સાથે તાલ મિલાવવા માટે આટલો ખર્ચ
કર્યા વિના પણ દરરોજ નવા-નવા વત્રો પહેરવા માટેના વિકલ્પ અપનાવે છે. ભાડે ચણિયાચોળી
લેવાનું આ અંગે વાત કરતાં ભુજના ઝીલ રેન્ટલ શોપના ચિંતનભાઇ જણાવે છે કે તેમના પિતા
પ્રવીણભાઇ મહેતાએ આશરે 30 વર્ષ પહેલાં કચ્છમાં પ્રથમ ભાડે વત્રો આપવાની દુકાન ચાલુ
કરી ને આજે આ વિકલ્પને ધમધમતો કર્યો છે. ગ્રુપો દ્વારા નવરાત્રિ અગાઉ જ એકસરખા પરિધાન
માટે એડવાન્સ બુકિંગ કરવામાં આવે છે. આ વર્ષે અતિ હેવી ચણિયાચોળીના બદલે આર્ટિફિશિયલ
મશીન વર્કવાળા ટ્રેન્ડી લૂકની ફેશન હોવાથી તેમણે એવું કલેક્શન તૈયાર કર્યું છે, સૌને
પરવડે તથા 150થી 300 રૂા.ના એક દિવસના ભાડાંમાં નવેનવ દિવસ માટે નવા પરિધાનો મળી રહે
છે. પુરુષો માટે કેડિયા સૂટ સાથે એક-બે કલગીવાળા સાફાની ડિમાન્ડ ઘણી છે. આ વર્ષે યુવતીઓ
પણ પાઘડી સાથે લોંગ કેડિયા, સ્લીવલેસ કોટીમાં જોવા મળશે. જત વર્કવાળા કમખાં કેડિયા
પણ ઇન છે. સાથે છત્રી દાંડિયા પણ મળી રહે છે. મિલનભાઇ કહે છે કે ખરીદેલા કપડાંને ડ્રાયક્લીન
કરાવાનો ખર્ચ 200-250 રૂા. થઇ જતો હોય ત્યારે એ જ બજેટમાં ભાડે રોજ નવા ચણિયાચોળી મળી
રહે તો કોને ના ગમે ! છેલ્લા છ વર્ષથી નવરાત્રિ પહેલાં એક મહિના દરમ્યાન અમદાવાદના
મિની લો ગાર્ડન માર્કેટની ઝલકસમી બજાર ભુજના કોલેજ રોડ પર ભરાય છે. ભુજમાં દર વર્ષે
આવતા હંગામી બજારના વેપારી ધર્મેશભાઇ પરમાર કહે છે કે, અમદાવાદના ધંધાર્થીઓ ટેન્ટ બાંધીને
સ્ટોલમાં ચણિયાચોળીનું વેચાણ કરે છે. વિશાળ રેન્જમાં 500થી કરીને 3500 સુધીની કિંમતમાં
બાળકો-બાલિકાથી માંડીને યુવતીઓને મનપસંદ વત્રોનો ખજાનો મળી રહેશે. આ વર્ષે નવથી 12
મીટર ઘેરવાળા ચણિયાચોળીની વધારે માંગ છે. તો ચાલો, સૌ થઇએ તૈયાર, નવરાત્રિમાં જંગદંબાને
આવકારવા રંગબેરંગી પરિધાનમાં સજ્જ થઇ ગરબા રમીએ.