કનૈયાલાલ જોશી તરફથી : મુંબઈ, તા. 21 : હેતુ ચેરિટેબલ ટ્રસ્ટ યોજિત દિવ્યાંગજનો સાથે દિવાળી સ્નેહમિલન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત કર્ણાટકના ગવર્નર થાવરચંદ ગેહલોતે જણાવ્યું કે, સક્ષમ ભારત, સમર્થ ભારત, વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારતનાં નિર્માણમાં દિવ્યાંગજનોની ભાગીદારી આવશ્યક છે. હેતુ ચેરિટેબલ ટ્રસ્ટ આ દિશામાં મહત્ત્વનું કાર્ય કરે છે. મલાડ-વેસ્ટમાં વિટ્ટી ઇન્ટરનેશનલ સ્કૂલમાં રવિવારે સવારે યોજાયેલા આ સમારોહમાં ગવર્નર થાવરચંદ ગેહલોતે જણાવ્યું કે, દિવ્યાંગજનોનાં કલ્યાણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો પ્રયત્નશીલ છે, કેન્દ્ર સરકારે સાંકેતિક ભાષાના 10 હજાર શબ્દનો શબ્દકોશ તૈયાર કર્યો છે. દિવ્યાંગ ખેલાડીઓ માટે ખેલ કેન્દ્રની સ્થાપના કરાઈ છે. દિવ્યાંગ ખેલાડીઓએ 10 ગિનેસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે. હેતુ ગૌરવ પુરસ્કાર આ સમારોહમાં નાસિક કોર્ટના જજ સતિષ હિવાળેને આ વર્ષનો હેતુ ગૌરવ પુરસ્કાર એનાયત કર્યો હતો. આ સાથે પાંચ લિટરના 1500 પ્રેસર કૂકર, 50 એઆઈ સ્ટિક, બે લેપટોપ, 1500 મીઠાઈ પેકેટ અને બ્લાઇન્ડ મ્યુઝિકલ બેન્ડને આર્થિક સહાય અપાઈ હતી. એઆઈ બેઝ સ્માર્ટ ગ્લાસીસના નવા મોડેલનું લોકાર્પણ કરાયું હતું. આરંભમાં મહેમાનોના હસ્તે દીપ પ્રાગટય કરાયું હતું. દિવ્યાંગને સરકાર રોજગાર આપશે સ્કીલ ડેવલપમેન્ટ ખાતાના પ્રધાન મંગલ પ્રભાત લોઢાએ રીખબ જૈનની વિનંતીના ઉત્તરમાં જણાવ્યું કે, દિવ્યાંગજનોને રોજગાર અપાવવા સરકારી ખાતાઓમાં ખાલી જગ્યા હશે ત્યાં નિયુક્તિ આપવામાં આવશે. એઆઈ સ્ટિકમાં સંશોધન હેતુ ટ્રસ્ટના સેક્રેટરી અને પ્રોગ્રામ કન્વીનર રીખબ જૈને જણાવ્યું કે, દિવ્યાંગજનોને ઉપયોગી એઆઈ ટોકિંગ સ્ટિક અને ચશ્મામાં હેતુ ટ્રસ્ટના પ્રયાસોથી સંશોધન કરાયું છે. હવે આ વસ્તુઓ વધુ સસ્તી બને એ દિશામાં પ્રયાસો ચાલુ છે. સંસ્થા તરફથી 18 વર્ષથી દિવ્યાંગજનો માટે આ સમારોહ ઉપરાંત બીજી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. 75 બાળકોને દત્તક લીધાં છે. 250થી વધુ સિલાઈ મશીન અપાયાં છે. અમારી પ્રવૃત્તિના પ્રેરક જસ્ટિસ કે.કે. તાતેડ, હેતુ ટ્રસ્ટના અધ્યક્ષ વિનયભાઈ છેડા અને રમેશ સાવંત આ ત્રિપુટીનો સહયોગ અમારા માટે પ્રેરણાદાયી અને આશીર્વાદ સમાન છે. મુંબઈ હાઈકોર્ટના જસ્ટિસ શ્યામ સી. ચાંડક, કર્ણાટકના જસ્ટિસ મારાલર ઇન્દ્રકુમાર અરુણ, રાજસ્થાન હાઈકોર્ટના જજ ચંદ્રપ્રકાશ શ્રીમાળી ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના વક્તવ્યમાં હેતુ ટ્રસ્ટનાં કાર્યોની પ્રશંસા કરી હતી. જસ્ટિસ કે.કે. તાતેડે પ્રવચનમાં જણાવ્યું કે, હેતુ ટ્રસ્ટના કાર્યકર્તાઓ માને છે કે, પહેલાં દિવ્યાંગજનોના ઘરમાં દિવાળી મનાવાય, પછી આપણે મનાવીએ જે ઉત્તમ ભાવના છે. વિટ્ટી ઇન્ટરનેશનલ-મલાડના પ્રિન્સિપાલ સોનિયા રાણા અને રેખાબેન કાંતિલાલજી શાહે પણ પ્રવચનો કર્યાં હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રીખબ જૈને કર્યું હતું. સંસ્થાના કાર્યકર્તાઓ ધર્મેશ માંડલિયા, હીરાભાઈ પટેલ, ધવલ ધરોડ, અનિલ બાબેલ, ભરત શાહ અને મહેશ જેલાણી વગેરેએ વ્યવસ્થા સંભાળી હતી. દિવ્યાંગજનો અને તેમના સ્વજનો સહિત ત્રણેક હજાર લોકો ઊમટયા હતા.