• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

નાની રાયણ-નાના લાયજાનો માર્ગ પાંચ દિવસથી બંધ

કોડાય (તા. માંડવી), તા. 5 : માંડવી તાલુકામાં ભારે વરસાદે તારાજીનો માહોલ સર્જ્યો છે ત્યારે અનેક રસ્તાઓ બિસ્માર બનતાં વરસાદ વિરામના પાંચ દિવસ પછી પણ લોકોને હાલાકી વેઠવી પડી રહી છે. તાલુકાના 24 ગામડાને જોડતા પંચાયતી માર્ગો તથા સ્ટેટ હાઇવેના છ રસ્તા બંધ થતાં મુસાફરોને અસર પહોંચી છે. માર્ગ-મકાન પંચાયત પેટા વિભાગના શંકરભાઇ પટેલના જણાવ્યા મુજબ નાની રાયણથી મોટી રાયણ અને નાના લાયજાથી ભાડાને જોડતો માર્ગ પાણીના વહેણના કારણે બંધ?છે. જ્યારે રાજડા અને રતડિયા વચ્ચે બોક્ષ કલવર્ટને નુકસાન થયું છે. 24 પંચાયતી માર્ગોમાંથી 22 માર્ગ મરંમત સાથે ચાલુ કરી દેવાયા છે. સ્ટેટ હાઇવેના કલ્પેશભાઇએ પોલડિયા, દેવપર, ફરાદી, રામાણિયા, કોડાય, રાયણને જોડતા માર્ગો ઉપર નુકસાન થયું હતું. દેવપરથી કોટડા માર્ગનું સદંતર ધોવાણ થયું હતું. તેની યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ કરાઇ છે. ગામડાઓને જોડતા માર્ગો ધોવાતાં ગ્રામજનોને લાંબા ફેરા ખાઇને જવાની ફરજ પડતી હતી અને હાલાકી પણ વેઠવી પડી હતી. તાલુકાના ગોણિયાસર ગામની પાપડી તૂટતાં પાંચ દિવસ માર્ગ બંધ રહ્યો હતો. અહીંથી ખનિજ ભરેલા વાહનો પસાર થાય છે અને રોયલ્ટીની આવક પણ સરકારને થાય છે ત્યારે આ રસ્તા ઉપર વહેલી તકે પુલ બનાવવામાં આવે તેવી માંગ ગ્રામજનોએ કરી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang