• મંગળવાર, 23 જુલાઈ, 2024

યોગેશ્વર ચોકડી બની મોતની ચોકડી : 109 જિંદગી હોમાઈ

અંજાર, તા. 9 : પૂર્વ કચ્છના વડામથક ગણાતાં ઐતિહાસિક અંજાર શહેરમાં છેલ્લા અનેક મહિનાઓથી કાયદો-વ્યવસ્થાનો તદ્દન છેદ ઊડતો હોય તેમ વારંવાર બનતા ચોરી, લૂંટ, હત્યાના બનાવ, પોલીસની રહેમ નજર હેઠળ ઇંગ્લિશ અને દેશી દારૂનો બેફામ વેચાણ, ટ્રાફિક અમલવારીનું ઉલ્લંઘન, અસામાજિક તત્ત્વો દ્વારા કરાતી ગેરવૃત્તિઓ દ્વારા અંજાર શહેરના નાગરિકોમાં પોલીસ તંત્ર સામે ભારે અસંતોષ ફેલાયો છે, શહેરમાં અવાર-નવાર ચોરી અને લૂંટના બનાવો, પોલીસની નજર હેઠળ ખુલ્લેઆમ વેચાતા ઇંગ્લિશ-દેશી દારૂના હાટડાઓના કારણે પોલીસની છબી જાહેર જનતા સમક્ષ ખરડાઈ ચૂકી છે, લોકોના મતે જે પોલીસતંત્રે પ્રજા માટે કાયદો-વ્યવસ્થા જાળવવાની અને નીતિ-નિયમોની અમલવારી કરાવવાની હોય છે, તે પોલીસતંત્ર માત્ર શાસકોને રીજવવા અને તેમની સેવામાં જ વ્યસ્ત રહેતી જોવા મળતી હોવાનો  આક્રોશ લોકોમાં ફેલાયો છે. પ્રજાલક્ષી કાર્યો પોલીસતંત્ર માટે જાણે કોઈ મહત્ત્વ જ ધરાવતા નથી એવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે. આજે અંજાર યોગેશ્વર ચોકડી મધ્યે બનેલા અકસ્માતના બનાવમાં માત્ર 16 વર્ષની કન્યાનું  કરુણ મોત નીપજ્યું હતું, વાસ્તવમાં જો પોલીસ વિભાગ દ્વારા કચ્છ કલેક્ટરના જાહેરનામાની યોગ્ય અને ચુસ્ત અમલવારી કરાવવામાં આવતી હોત, તો કદાચ આ સ્થિતિ જ ઉત્પન્ન ન થાત. ખુદ અંજાર પોલીસ ટ્રાફિક વિભાગના જ ઇન્ચાર્જની પુત્રી પોલીસતંત્રની ઘોર લાપરવાહીનો ભોગ બની છે, ત્યારે હજુ ક્યારે પોલીસતંત્રની આંખો ક્યારે ખૂલશે એવો ઉગ્ર કટાક્ષ લોકોના મૂખે સંભળાઇ રહ્યો છે. - પોલીસતંત્ર દ્વારા ઉઘરાવાય છે હપ્તા? : જાણકારોના જણાવ્યા પ્રમાણે પોલીસતંત્ર દ્વારા કચ્છ કલેક્ટરના જાહેરનામાની અમલવારીના નામમાત્ર માટે  કળશ સર્કલ પાસે એકાદ પોલીસકર્મી તેમજ ટી.આર.બી.ના અન્ય જવાનોને અહીં તૈનાત કરવામાં આવે છે, પરંતુ ભારે-મોટાં વાહનોને અટકાવવાને બદલે અહીં તે કર્મીઓ દ્વારા પોતાના ખિસ્સાં ગરમ કરીને તે ભારે વાહનોને આગળ જવાની મૌખિક પરવાનગી આપવામાં આવે છે, જેના કારણે છાશવારે અંજાર યોગેશ્વર ચોકડી મધ્યે જીવલેણ અકસ્માતો સર્જાયા કરે છે. આ બાબતે લોકોએ ખૂલીને પોતાનો ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો. - 109 કરતાં વધુ મોત માટે જવાબદાર કોણ? : યોગેશ્વર ચોકડી મધ્યે અવારનવાર બનતા અકસ્માતોમાં અત્યાર સુધી 109 કરતાં વધુ નિર્દોષ લોકોનો ભોગ લેવાઇ ચૂક્યું છે, બનાવ બાદ લોકોનો આક્રોશ ભભૂકી ઊઠે છે, જ્યાર બાદ પ્રજાના ગુસ્સાને શાંત પાડવા તંત્ર દ્વારા માત્ર વચનોની લ્હાણી કરાય છે, પરંતુ નક્કર કામગીરીના અભાવે આવા જીવલેણ બનાવોને અટકાવી શકાયું નથી, ત્યારે આ બનાવો અને 109 કરતાં વધુ મોતનો જવાબદાર કોણ? એ પ્રશ્નનો ઉત્તર માત્ર જવાબદાર તંત્ર જ આપી શકે એમ છે. આજના બનાવના કારણે લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. સ્થાનિકોએ પોલીસની કામગીરી સામે વેધક પ્રશ્નો કરેલા હતા. અંજારના બનાવ અંગે આક્રોશ વ્યક્ત કરતાં રવિ આહીરે જણાવ્યું હતું કે, અંજાર શહેરની પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે સતત ટ્રાફિકને કારણે, લોકો રસ્તા ઉપર મજબૂર થઈ ગયા છે, છતાં પણ તંત્ર હરકતમાં આવતું નથી. પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ્યારે પ્રજાને સાચા અર્થમાં સેવાની જરૂર હોય, ત્યારે દેખાતા ન હોવાનો બળાપો તેમણે વ્યક્ત  કર્યો હતો. ડો. બી.એન. સોરઠિયાએ  જણાવ્યું હતું કે, યોગેશ્વર ચોકડી ઉપર અગાઉ પણ ભારે વાહનો નિર્દોષ લોકો માટે યમદૂત પુરવાર થવાની ઘટનાઓ બની ચૂકી છે. દરરોજ ભારે વાહનોને કારણે ટ્રાફિકજામ આમ વાત છે, ઘણા સંઘર્ષ પછી જિલ્લા કલેક્ટર દ્વારા એક જાહેરનામું બહાર પડાયું છે, પરંતુ તેની અમલવારી કરવા તંત્ર વામણુ પુરવાર થયું છે. અમારી માત્ર એક જ વિનંતી આ જવાબદાર તંત્રને છે કે, મહેરબાની કરી કલેક્ટરના જાહેરનામાનો અમલ થાય. જિલ્લા મેજિસ્ટ્રેટના 22/7/20ના જાહેરનામા મુજબ અનેક આંદોલન બાદ ભારેથી અતિ ભારે વાહનોની પ્રવેશબંધી કરવામાં આવી હોવા છતાં પોલીસતંત્રની મીઠીનજર હેઠળ ભારેથી અતિ ભારે વાહનો બેફામ દોડી રહ્યાં હોવાનું પૂર્વ વિપક્ષી નેતા જિતેન્દ્ર ચૌટારાએ જણાવ્યું હતું. અંજાર શહેરના ભૂકંપ બાદ રિંગરોડને બાયપાસ રોડ તરીકે ઉપયોગમાં લેવાતાં અંદાજે 107 લોકો અકાળે મૃત્યુ પામ્યા છે. અવાર-નવાર રજૂઆત કરવા છતાં તંત્ર પોતાની ફરજમાં નિષ્ફળ પુરવાર થઈ હોવાનો આક્ષેપ તેમણે રોષ સાથે કર્યો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang