• મંગળવાર, 23 જુલાઈ, 2024

દીકરીનો જન્મદિવસ ઊજવી માનવતા મહેકાવી...

રાપર, તા. 24 : આજના ઈન્ટરનેટ યુગમાં કોઈને કોઈની પડી નથી. જાણે કે, માનવતા મરી પરવારી હોય એવા લોકોને અનુભવ થઈ રહ્યા છે, ત્યારે રાપર ખાતે આવેલાં ગ્રામ્ય સેવા સંગઠન દ્વારા ચલાવવામાં આવતી મંદબુદ્ધિની સંસ્થામાં રાપર પોલીસ દ્વારા માનવીય અભિગમ દાખવી હતી. મહારાષ્ટ્ર અને કર્ણાટકની બોર્ડર પર આવેલા કોઈ ગામની વતની અકા ઉર્ફે અલકા નામની એક માનસિક દિવ્યાંગ દીકરીના જન્મદિવસની પૂર્વ કચ્છ જિલ્લા પોલીસવડા સાગર બાગમારની પ્રેરણાથી રાપર પોલીસે  ઉમંગભેર ઉજવણી કરી હતી. સંસ્થાના શૈલેશભાઈ કોઠારીએ જણાવ્યું હતું કે, આમ તો અહીં રહેતા માનસિક-શારીરિક દિવ્યાંગોનો જન્મદિવસ કોઈને યાદ પણ નથી હોતો, ત્યારે પોલીસ દ્વારા પૂછવામાં આવતાં સંસ્થાના રેકર્ડ મુજબ આ દીકરીનો જન્મદિવસ યોગાનુયોગ આ દિવસે આવતો હોવાથી તેનો જન્મદિવસ ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.  જેમના કોઈ સગા-સંબંધી હોવાં છતાં નથી, જે પરિવાર માટે પણ ભારરૂપ લાગતાં હોય તેવા આ મનોદિવ્યાંગોનો જન્મદિવસ આજે કોઈને યાદ પણ હોય, ત્યારે ઊજવવાની વાત જ ક્યાં આવે? ત્યારે રાપર પોલીસની આ પ્રેરક પહેલથી આ નિર્દોષ સંસ્થાવાસીઓ તો ખુશખુશાલ થઈ ગયા. બધા મનોદિવ્યાંગોએ  પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે કેક કાપી, ભાવતાં ભોજનિયાં કરી તેમની સાથી અકા (અલ્કા)નો જન્મદિવસ આનંદ ઉલ્લાસથી ઊજવ્યો. સંસ્થાનાં ભારતીબેન અને અન્ય મહિલાઓ દ્વારા નવાં કપડાં પહેરીને તૈયાર થયેલી અનાથ એવી અકા કે જે ગુજરાતી જાણતી કે બોલી શકતી નથી, તેણે પ્રેમ-હૂંફની ભાષામાં આનંદ વ્યક્ત કર્યો. આ પ્રસંગે રાપર પીઆઈ જે.બી. બુબડિયા, વશરામ ચૌધરી, દશરથ મહારાજ, ચંદનભાઈ પુરબિયા, રંજનબેન, ઉર્વશી સોલંકી, વર્ષાબેન, મહેશ પટેલ, મુકેશ ચાવડા, નરેશ ઠાકોર, મનહર ચૌધરી, મુકેશાસિંહ રાઠોડ સહિતના તમામ પોલીસ કર્મચારીઓએ ઉપસ્થિત રહી આ મનોદિવ્યાંગો માટે સંગીતસંધ્યા તથા જમણવારનું આયોજન કર્યું હતું. ગ્રામ્ય સેવા સંગઠનના શૈલેશ કોઠારી, ભારતીબેન કોઠારી, દામાભાઈ ગોહિલ, હરખચંદ સોલંકી, ગણપત પુરોહિત, વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. ખાખી વરદીની અંદર પણ એક ઋજુ હૃદય ધબકતું હોય છે, તે રાપર પોલીસે આ પ્રેરક પહેલથી પૂરવાર કર્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang