• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

આરટીઇ યોજનામાં વંચિત જૂથનાં બાળકો જ વંચિત

ભુજ, તા. 25 : નબળા અને વંચિત જૂથનાં બાળકોને પણ સારી ખાનગી શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે હેતુથી રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ .....માં આર ટી ઇ એક્ટ હેઠળ જોગવાઈ કરી છે, પરંતુ ઘણા બધા કિસ્સામાં આવકોના ખોટા દાખલા મેળવી ઉચ્ચ વર્ગના લોકો પોતાનાં બાળકોના પ્રવેશ મેળવી લેતા હોઈ આ યોજનામાં વંચિત જૂથનાં બાળકો જ વંચિત રહી જતા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. શિક્ષણ વર્તુળોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ પછાત, નબળા વર્ગનાં બાળકો પણ શહેરની ખાનગી શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી શકે તેવા હેતુથી રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આર ટી ઇ એક્ટ હેઠળ દરેક શાળામાં 25 ટકાની મર્યાદામાં પ્રવેશ અપાવી ફી ચૂકવે છે, જેમાં આવા બાળકોના વાલીઓની વાર્ષિક આવકની મર્યાદા નક્કી કરાઇ છે. હવે આ યોજનાનો ઘણા ખરા સુખી સંપન્ન વર્ગના લોકો ખોટા આવકના દાખલા કઢાવી લાભ લઇ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે, જેના કારણે નબળા અને વંચિત જૂથના જરૂરતમંદ લોકોનાં બાળકોને પ્રવેશથી વંચિત રહેવું પડે છે. આરટીઇમાં ઓનલાઇન ફોર્મ ભરાયા બાદ તેની ચકાસણીની કામગીરી શિક્ષણ વિભાગના સીઆરસી કક્ષાના અધિકારીએ જે તે ફોર્મ ભરેલા લોકોનાં ઘરે જઈને કરવાની હોય છે, પરંતુ આ અધિકારીઓ અમુક સ્થળે જઇ બધું બરાબર હોવાનો રિપોર્ટ આપી દેતા હોવાનું પણ શિક્ષણ વર્તુળો જણાવી રહ્યા છે. તો કેટલાક કિસ્સામાં ખાનગી શાળાઓમાં મફતમાં શિક્ષણ મેળવવા વાલીઓ પોતાનો બાળક અગાઉથી જ પહેલાં અથવા બીજા ધોરણમાં અભ્યાસ કરતો હોવાનું છુપાવી ફોર્મ ભરતા હોય છે, જો કે, આવા કિસ્સામાં શિક્ષણ તંત્રના આવા બાળકોની ઓળખ થઈ જતી હોવાથી તેઓને પ્રવેશ અપાતો નથી. દરમ્યાન આવકોના દાખલા કાઢી આપતી મામલતદાર કચેરીઓ, ગ્રામ પંચાયતોએ પણ પૂરતી ખરાઈ કરી આવા દાખલા કાઢવામાં સાવચેતી રાખવી જોઈએ, જેથી કોઈ પણ યોજનામાં સાચા લાભાર્થી વંચિત રહી ન જાય.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang