• ગુરુવાર, 01 જૂન, 2023

મહારાષ્ટ્રની તુલનાએ ગુજરાતના હજયાત્રીઓ પાસેથી વધુ રકમ વસૂલાતી હોવાની રાવ

અંજાર, તા. 25 : ગુજરાતના હજયાત્રીકો પાસેથી મહારાષ્ટ્રની તુલનાએ રૂા. 67,981 જેટલી વધુ રકમ લેવાની હોવાની રાવ સાથે આ વિસંગતાઓ દૂર કરવા માટે ઈત્તિહાદુલ મુસ્લેમિન-એ-હિન્દ સંસ્થાએ રજૂઆત કરી હતી. સંસ્થાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અલ્પસંખ્યક વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની, હજ કમિટીના ચેરમેન એ.પી. અબ્દુલ્લા કુટ્ટીને રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, દર વર્ષે નિર્ધારિત સંખ્યામાં યાત્રીકો હજયાત્રામાં જાય છે. ગુજરાતના યાત્રીકો પાસેથી રૂા. 3,37,824  જ્યારે મહારાષ્ટ્રના યાત્રીકો પાસેથી રૂા. 3,04,843 જેટલી રકમ લેવામાં આવે છે. મુંબઈથી જીહાદ  જવા માટેનું અંતર 3515 કિ.મી., જ્યારે અમદાવાદથી જીહાદ જવા માટેનું અંતર 3430 કિ.મી છે. આમ મુંબઈની સરખામણીએ અમદાવાદથી હવાઈ સફરનું અંતર પણ ઓછું છે, જેથી વધારાની રકમ લેવી અયોગ્ય છે. હાલમાં હજયાત્રા માટે અંતિમ હપ્તો ભરવા માટેનો સમય આવી ગયો છે, ત્યારે ગુજરાતના યાત્રીકો માટેની રકમની વિસંગતાઓ દૂર કરવાની માંગ કરાઈ હોવાનું પ્રવકતા જલાલશા સૈયદે એક યાદીમાં જણાવ્યું હતું.