ગાંધીધામ, તા. 22 : તાજેતરમાં રાજયકક્ષાની કરાટે
સ્પર્ધામાં આદિપુરની શ્રી ગુરુ નાનક પબ્લિક
સ્કુલની બે વિદ્યાર્થીનીઓએ શાનદાર પ્રદર્શન કરી ગાંધીધામ અને કચ્છનું નામ રોશન કર્યું
હતું. આણંદ ખાતેની સ્પર્ધામાં ધોરણ 9 ની વિદ્યાર્થિની જેનિશા બોખાણીએ ગોલ્ડ મેડલ અને ધોરણ 10 ની વિદ્યાર્થિની અવની શેખાલિયાએ રજત ચંદ્રક મેળવ્યો હતો. જેનિશા
બોખાણી એ અગાઉ જુદી જુદી રાજય અને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં રમીને 22 જેટલા મેડલ પ્રાપ્ત કર્યા છે.જે
પૈકી 12 જેટલા સુવર્ણચંદ્રક તેણે મેળવ્યાં
છે વિદ્યાર્થિનીઓની આ ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ શાળાના પ્રાંગણમાં એક વિશેષ સન્માન સમારોહનું
આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના ટ્રસ્ટી
શીતલ સિંહ તથા એજ્યુકેશન ડિરેક્ટર કૃષ્ણ
કુમાર શૉ દ્વારા બંને તેજસ્વી વિદ્યાર્થિનીઓને પ્રોત્સાહિત કરી તેમનું સન્માન કરવામાં
આવ્યું હતું. આ સફળતા મેળવવા પાછળ વિદ્યાર્થિનીઓની મહેનત સાથે શાળા પરિવારનો પૂર્ણ
સહયોગ પ્રાપ્ત થયો હતો.