નવી દિલ્હી, તા. 22 : ખાંડના વધતા
ભાવ પર શનિવારે રાજકીય ઘમસાણ સર્જાયું હતું. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ખાંડની
વધતી કિંમતો અને ઉપલબ્ધ જથ્થા મુદ્દે મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા. ખડગેએ એવો સવાલ
કર્યો હતો કે, દુનિયાના સૌથી મોટા ખાંડ
ઉત્પાદક દેશ ભારતમાં ખાંડનો સ્ટોક નવ વર્ષના તળિયે કેમ પહોંચી ગયો? ભાજપે પલટવાર કરતા કહ્યું હતું કે, ઉત્પાદનમાં ઘટાડો
અને સ્થિર માંગ અને ઘટતો જથ્થો કિંમતોમાં દબાણના અસલી કારણો છે. આ કેવો `આત્મનિર્ભર' ભારત દેશ છે જ્યાં ખાંડની વિદેશથી આયાત કરવી
પડે છે, તેવો સવાલ ખડેગેએ ઊઠાવ્યો હતો. ઈથેનોલ મુદ્દે પણ કોંગ્રેસ
અધ્યક્ષે મોદી સરકારને સવાલ કર્યા હતા, ભાજપ નેતા અમિત માલવિયએ
કહ્યું હતું કે, ખાંડની કિંમત, જથ્થો,
આયાતને ઈ-20 સાથે જોડવું
એ સગવડિયું રાજકારણ છે. માલવિયએ આંકડા આપતાં જણાવ્યું હતું કે, આયાતના ફેંસલા પાછળ અલગ કારણો છે. તે ઉત્પાદન,
ઉપયોગ, સ્ટોક, ંિકંમતો,
ઈ-20થી નક્કી
નથી થતું. તેમણે કહ્યું હતું કે, 2025-26નું પ્રારંભિક ખાંડ ઉત્પાદન
અનુમાન લગભગ 349 લાખ ટન હતું, જે ઘટીને 280 લાખ ટન જેટલું થઈ ગયું. કોંગ્રેસ
અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, ખાંડના ભાવ 70 રૂપિયે કિલો
સુધી પહોંચી ગયા છે. છેલ્લા ત્રણ મહિનામાં લગભગ 40 ટકા એટલે કે, 19 રૂપિયા કિલો જેટલી કિંમતો વધી
છે. રાજ્યસભામાં વિપક્ષના નેતા ખડગેએ એવો પણ સવાલ ઊઠાવ્યો હતો કે, 10 લાખ ટન ખાંડની
ડયૂટિ મુક્ત આયાત કરવી પડે, તે હદ સુધી
સ્થિતિ કેમ પહોંચી ? ખાંડની અછત છે તો શેરડીને ઈ-20માં શા માટે નાખી રહ્યા છો. તેવા ખડગેના
સવાલનો જવાબ આપતાં ભાજપ નેતા માલવિયએ કહ્યું હતું કે, ઈ-20ને ખાંડની અછતનું કારણ બતાવવું ખોટું છે. તેમણે જણાવ્યું હતું
કે, ભારત દેશ તો ઈ-20 આવ્યું તેનાથી ઘણું પહેલાંથી
ખાંડની આયાત કરે જ છે.