સુરત, તા. 5 (અમારા પ્રતિનિધિ તરફથી) : એક
સમયે સુરતને મહામારી પ્લેગથી ઓળખવામાં આવતું હતું,
આજે સુરતને સ્વચ્છતા માટે ઓળખવામાં આવે છે, આ જ
છે સુરત શહેરની સ્પીરિટ, તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શહેરની
મુલાકાત દરમિયાન આયોજિત ઇન્ડોર સ્ટેડિયમની સભામાં ટાંક્યું હતું. દક્ષિણ ગુજરાતને રૂા.
18 હજાર કરોડથી વધુના વિવિધ વિકાસના
પ્રોજેક્ટોની ડિજિટલ માધ્યમથી ભેટ આપતાં વડાપ્રધાને પોતાનું ઉદ્બોધન ગુજરાતીમાં શરૂ
કર્યું હતું પછીથી હિન્દીમાં ભાષણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, પશ્ચિમ એશિયાના ઘર્ષણને લીધે સર્જાયેલી વૈશ્વિક
કટોકટીએ ઊર્જામાં આત્મનિર્ભરતાનું મહત્ત્વ સમજાવ્યું છે અને અમારી સરકાર 12 વર્ષથી એ કામ કરી રહી છે. સૌરઊર્જામાં
ભારત આજે ટોચના પાંચ દેશમાં સામેલ છે. વડાપ્રધાને તેમના ભાષણમાં કોંગ્રેસની આકરી આલોચના
કરતાં જણાવ્યું કે, દેશની જનતા
ક્યારેય અરાજકતા, અનિશ્ચિતતા અને નકારાત્મકતાને પસંદ કરતી નથી.
હિમાચલ પ્રદેશ, હરિયાણા અને પંજાબની સ્થાનિક ચૂંટણીના પરિણામો
દર્શાવે છે કે, જનતાએ કોંગ્રેસના કુશાસન અને પરજીવી રાજનીતિને
નકારીને તેને હાંસિયામાં ધકેલી દીધી છે. ભારત આશાવાદ અને સંકલ્પોથી ભરેલો દેશ છે અને
140 કરોડ દેશવાસીના સામૂહિક પ્રયાસોથી
દેશ તમામ વૈશ્વિક આપત્તિઓનો મજબૂતીથી સામનો કરી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની
ઉપસ્થિતિમાં મોદીએ ગુજરાત રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે હજુ વધુ વિકાસના નવી ઊંચાઈઓ હાંસલ
કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, આજે દેશ 250 ગીગા વોટની ઐતિહાસિક ક્ષમતા
પર પહોંચ્યું છે, જેમાંથી 50 ગીગા વોટ ઊર્જા એકલું ગુજરાત
પૂરું પાડે છે. આનો અર્થ એ થાય કે દેશની કુલ ગ્રીન એનર્જીનો પાંચમો હિસ્સો ગુજરાતની
ધરતી પર પેદા થાય છે. 12 વર્ષ પહેલાં
દેશમાં સૌરઊર્જા નામ માત્રની હતી, જ્યારે
આજે ભારત વિશ્વના ટોચના પાંચ દેશમાં સ્થાન ધરાવે છે. ભારત હવે ગ્રીન હાઇડ્રોજન,
ગ્રીન એમોનિયા અને ઇથેનોલ બ્લેન્ડિંગ જેવા ક્ષેત્રોમાં પણ ક્રાંતિ લાવશે,
જેમાં ગુજરાત કેન્દ્રસ્થાને રહેશે. વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં આયોજિત
કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી ઉપસ્થિત રહ્યા હતા. આજના દિવસના સંયોગને લઈને વડાપ્રધાન
મોદીએ કહ્યું હતું કે, એક લાખ લોકોએ પાંચ દિવસ દરમિયાન સફાઈ અભિયાન
ચલાવ્યું છે તે મારા માટે મોટી સોગાદ છે. પોતાની વાત શરૂ કરતાં પહેલાં વડાપ્રધાને સુરતના
પૂર્વ મેયર, પૂર્વ ધારાસભ્ય ડો. કનુભાઈ માવાણીને યાદ કરી શ્રદ્ધાંજલિ
આપી હતી. વડાપ્રધાને હજીરા ઔદ્યોગિક ક્ષેત્રની મુલાકાતનો ઉલ્લેખ કરી તેને આત્મનિર્ભર
ભારતનું સાચું પ્રતાબિંબ ગણાવ્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું કે, હજીરા હવે માત્ર ઉદ્યોગો પૂરતું મર્યાદિત નથી, પણ ત્યાં
ડિફેન્સ પ્રોડક્શન, ઊર્જા, પોર્ટ કનેક્ટિવિટી
અને ગ્લોબલ ટ્રેડનું એક આખું મોટું ઇકો સિસ્ટમ ઊભું થયું છે. તાજેતરમાં યોજાયેલી સ્થાનિક
સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપને મળેલા પ્રચંડ બહુમત બદલ તેમણે ગુજરાતની જનતાનો આભાર માન્યો
હતો. તેમણે ઉમેર્યું કે, જનતાએ આ ચૂંટણીઓમાં જૂના તમામ રેકોર્ડ
તોડીને મારો પોતાનો રેકોર્ડ પણ ધ્વસ્ત કરી નાખ્યો છે. તેમણે ચૂંટાયેલા પ્રતિનિધિઓને
આ પ્રચંડ વિજયને અહંકાર નહીં, પરંતુ સેવાના મિશન તરીકે સ્વીકારી
વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પ માટે વધુ પરિશ્રમ કરવા હાકલ કરી હતી.