મુંબઇ, તા. 5 : ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઇ)એ
નવાં નાણાંકીય વર્ષની બીજી બેઠકમાં રેપોદરમાં કોઇ જ બદલાવ કર્યો નથી. વ્યાજદર 5.25 ટકા પર સ્થિર રહેતાં લોન મોંઘી
નહીં થાય. જો કે, આવનાર સમયમાં
મોંઘવારીમાં વધારો થશે તેવો સામાન્ય માણસનો ઉચાટ વધારતો વર્તારો પણ કેન્દ્રીય બેન્ક
તરફથી શુક્રવારે અપાયો હતો. બીજીતરફ, વિદેશી રોકાણકારોને પાછા
ભારત તરફ આકર્ષવા માટે લોંગટર્મ કેપિટલ ગેઈનમાં છૂટ આપી દેવાનો ફેંસલો લેવાયો હતો.
રિઝર્વ બેન્કના ગવર્નર સંજય મલ્હોત્રાએ આજે આરબીઆઇની આર્થિકનીતિ સમિતિની બેઠકમાં લેવાયેલા
ફેંસલાની જાણકારી આપી હતી. ભારતીય રિઝર્વ બેન્કે 2027માં મોંઘવારીનું અનુમાન 4.6 ટકાથી વધારીને 5.1 ટકા કરી નાખ્યું છે. આરબીઆઇ
ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, છૂટક મોંઘવારી અત્યારે અલબત્ત લક્ષ્યની મર્યાદાની અંદર છે, પરંતુ વૈશ્વિક તાણનાં કારણે ઇંધણ અને ઊર્જાની વધતી કિંમતો આગળ જતાં છૂટક બજાર
અને સામાન્ય જનતાનાં ગજવાં પર બોજ વધારી શકે છે. નૈઋઍત્ય ચોમાસું નબળું રહેવાની એટલે
કે, વરસાદ ઓછો થવાની આગાહી પર મલ્હોત્રાએ ચિંતા વ્યક્ત કરી હતી.
નબળાં ચોમાસાંની સીધી અસર ખેતી પર પડી શકે છે. જો કે, પાકવૈવિધ્ય
જેવી પહેલો આ અસરને ઓછી કરી શકે છે. બીજી તરફ, મધ્ય-પૂર્વમાં
જારી તાણ અને પુરવઠા સાંકળમાં અવરોધોને ધ્યાને લેતાં રિઝર્વ બેન્કે આર્થિક વિકાસદર
(જીડીપી)નું અનુમાન પણ ઘટાડી નાખ્યું છે. ચાલુ નાણાંકીય વર્ષ માટે જીડીપીનું અનુમાન
કેન્દ્રીય બેન્કે અગાઉના 6.9 ટકામાંથી
ઘટાડીને 6.6 ટકા કરી દીધું હતું. અર્થવ્યવસ્થા
માટે પડકારરૂપ લેખી શકાય, તેવી વિકટ
સ્થિતિ વચ્ચે પણ આશ્વાસન રૂપ હકીકત એ છે કે, ઘરેલુ આર્થિક ગતિવિધિઓ
અત્યારે પણ મજબૂત બનેલી છે. ઉત્પાદન અને સેવા ક્ષેત્રનું પ્રદર્શન સારું છે. વિદેશી
મૂડીરોકાણ ખેંચવા માટે નવા ઉપાય રૂપે ગવર્નમેન્ટ સિક્યુરિટીઝ હેઠળ ફુલી એક્સેસિબલ રેટ
નોંધતા એ વધારી દેવાયો છે. 15, 30 અને 40 વર્ષની અવધિવાળા
નવા સરકારી બોન્ડ્સ પણ સામેલ કરાયા છે. બીજીબાજુ વિદેશી રોકાણકારો માટે રાહતકારી વટહુકમ
અનુસાર ઈક્વિટી અને ઋણમાં રોકાણથી થતાં નફા ઉપર 12.5 ટકા લોંગટર્મ કેપિટલ
ગેઈન (એલટીસીજી) લાગતો હતો. જેને જુલાઈ 2024નાં બજેટમાં 10 ટકાથી વધારીને 12.5 ટકા કરવામાં આવ્યો હતો. હવે એલટીસીજીને સમાપ્ત કરવાનો નિર્ણય
એવા સમયે લેવામાં આવ્યો છે, જ્યારે વિદેશી
રોકાણકારોએ અત્યાર સુધીમાં ભારતીય શેરબજારમાંથી 2.6 લાખ કરોડ રૂપિયાની તોતિંગ રકમ
પાછી ખેંચી લીધી છે. વિદેશી ભંડોળનો આ મોટો ઉપાડ,
મોંઘું ઓઈલ અને વધતી વેપાર ખાધ ઉપરાંત અમેરિકાનાં ટેરિફનાં કારણે ભારતીય
ચલણ રૂપિયા ઉપર ભારે દબાણ પેદા થઈ ગયું છે. જે ડોલર સામે 95-96નાં સ્તર સુધી ગગડી ગયો છે.
આ સ્થિતિમાંથી ઉગરવાના પ્રયાસ રૂપે હવે વિદેશી રોકાણકારોને પાછા ખેંચવા માટે એલટીસીજીમાં
છૂટ આપી દેવાનો ફેંસલો કરાયો છે.