ગાંધીધામ, તા. 5 : શહેરના ટ્રાન્સપોર્ટ નગરમાં
ભંગારના વાડામાં ગત મોડી રાત્રિના લાગેલી આગથી
ભારે દોડધામ થઈ પડી હતી. સવાર સુધી આગની જ્વાળાઓ
ભભૂકતી રહી હતી. આગમાં વ્યાપક નુકસાન થયું હતું.
આ અંગે મળતી વિગતો મુજબ ખોડિયારનગર
ખાતે રાત્રિના 11 વાગ્યાના અરસામાં આગનો બનાવ
બન્યો હતો. સંભવત: શોર્ટ સર્કિટનાં કારણે આગ
લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. થોડીવારમાં
જ આખા ભંગારના વાડામાં આગ ફેલાઈ ગઈ હતી. અંદાજે
10 ગેસ સિલિન્ડર, 200થી વધુ ટાયર
તેમજ પાંચ મોટી ગાડી આગની ઝપેટમાં આવી સંપૂર્ણપણે ખાખ થઈ ગઈ હતી. મોડી રાત્રિ સુધી આગ બેકાબૂ રહી હતી.. આગ બુઝાવવા
માટે લેવા માટે યુદ્ધનાં ધોરણે કામગીરી હાથ
ધરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ ગાંધીધામ મહાનગરપાલિકાના મેયર દિવ્યાબેન નાથાણીનાં માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકાની
ફાયર બ્રિગેડની ટીમ ઉપરાંત ટિમ્બર એસોસીએશની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેજસ શેઠ, નાયબ કમિશનર સંજયભાઈ રામાનુજ, મામલતદાર જાવેદ સિંધીએ
તંત્ર સાથે સંકલન કરી કંડલા પોર્ટ, વેલસ્પન તેમજ અન્ય સ્થળોથી
વધારાની ફાયર બ્રિગેડની ટીમોને પણ તાત્કાલિક બોલાવવામાં આવી હતી. આખી રાત ગાંધીધામના
ધોરીમાર્ગ ઉપર ફાયર ટેન્કરો દોડતા રહ્યા હતા. પરોઢના અરસામાં આગ મહદઅંશે કાબૂમાં આવી
હતી. પરંતુ સવારના 10 વાગ્યા સુધી
જ્વાળાઓ દેખાતી હતી. મહાનગરપાલિકાની ફાયર ફાઈટિંગ ટીમ દ્વારા સવારે 10 વાગ્યા સુધી પાણી છંટકાવ જારી રખાયો હોવાનું
કહ્યું હતું. આગ બુઝાવવા માટે વ્યાપક પાણીનો
મારો ચલાવાયો હતો. ઘટના સ્થળે, ખોડિયારનગર
વિસ્તારના સ્થાનિક નગરસેવક કમલેશ પરિયાણી, દુદાભાઈ ભજાનિયા,
જીતુભાઈ નાથાણી, મહાનગરપાલિકાની ફાયર ટીમ સહિત
વિસ્તારના આગેવાનો અને સ્થાનિક નાગરિકોએ બચાવ અને રાહત કામગીરીમાં સહયોગ આપ્યો હતો. આગના બનાવના પગલે ભારે દોડધામ થઈ પડી હતી. જો કે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.