દયાપર (તા. લખપત), તા. 5 : પુનરાજપર-લખપત
લિગ્નાઇટ ખાણના નવા પ્રોજેક્ટ સામે તાજેતરમાં નખત્રાણા ખાતે પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં
આયોજિત બેઠકમાં પુનરાજપર ગ્રામજનોના વિરોધ પછી પણ જીએમડીસી દ્વારા બળજબરીપૂર્વક પોલીસની
હાજરીમાં કામ ચાલુ કરાતાં સ્થળ પર મોટી બબાલ થઇ હતી. આ બાબતે પુનરાજપરના ખેડૂતોની એક
બેઠક યોજાઇ હતી, જેમાં આંદોલન માટે તૈયાર
રહેવા આહ્વાન કરાયું હતું. જિ.પં. પૂર્વ સદસ્ય હઠુભા સોઢાએ કહ્યું હતું કે,
વર્ષો પહેલાં ખેડૂતોને જમીનો મળી છે અને ઘણી જમીનો નકશામાં બેઠેલી નથી,
માપણી થયેલી નથી, છતાં જીએમડીસીએ કાંઇ સાંભળ્યા
વગર મશીન, વાહનો લઇ કામનો પ્રારંભ કરાવ્યો હતો. સ્થળ પર બબાલ
થઇ હતી, પણ પોલીસ બંદોબસ્ત વચ્ચે અધિકારીઓએ કોઇનું સાંભળ્યું
નહીં. ખેડૂતો અગાઉ જિલ્લા કલેક્ટરમાં પણ રજૂઆતો કરી છે. કોઇ પરિણામ ન આવતાં હવે તાલુકા-જિલ્લા
કક્ષાના ખેડૂતોનો સહકાર મેળવી આંદોલન કરવા નક્કી કરાયું છે, જો
બે-ચાર દિવસમાં ઉકેલ આવી જાય તો કોઇ વિકલ્પ નથી રહ્યો. બેઠકમાં ક્ષત્રિય સમાજના પૂર્વ
પ્રમુખ જેતમાલજી જાડેજા, સરપંચ હમીરજી જાડેજા, ચાંદુભા જાડેજા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.