ભુજ, તા. 5 : મુંદરા તાલુકાના મોટા કપાયામાં
પરિવાર પ્રસંગમાં બહાર ગયો અને પાછળથી ત્રાટકેલા ચોર ઈસમે બંધ મકાનનાં તાળાં તોડી સોના-ચાંદીના
દાગીના તથા રોકડ મળી કુલ રૂપિયા 1,57,820ના
મુદ્દામાલની ચોરી કરી નાસી ગયો હોવાની ફરિયાદ મુંદરા પોલીસ મથકના ચોપડે નોંધાવાઈ હતી.
અંજારમાં રહેતા સંબંધીના ઘરે પ્રસંગ હોતાં ફરિયાદી કિશોરભાઈ સુમારભાઈ મહેશ્વરી પરિવાર
સાથે ત્યાં ગયા હતા. દરમિયાન ગત તા. 3-6ના ઘરે પરત ફરતાં મકાનનો અંદરનો મુખ્ય લાકડાનો દરવાજો ખુલ્લી
હાલતમાં જોવા મળ્યો હતો, જેના પર તાળું
તોડવાના નિશાન જોવા મળ્યા હતા. ત્યારબાદ તેમણે તાત્કાલિક ઘરમાં જઈને જોયું તો સામાન
વેરવિખેર હાલતમાં પડયો હતો, તેમજ રૂમમાં રખાયેલા કબાટનો દરવાજો
પણ ખુલ્લો હતો તથા તેમાં રહેલો સામાન પણ વિખેરાયેલો પડયો હતો, જેમાં રહેલા સોના-ચાંદીના દાગીના જેની અંદાજિત કિ. રૂા. 87,820 તથા રોકડા રૂા. 70,000 મળી કુલ રૂપિયા 1,57,820નો મુદ્દામાલ ચોરાયો હોવાનું
ખુલ્યું હતું. પોલીસે આપેલી વિગતો મુજબ, દીવાલ કૂદીને બંધ મકાનનું તાળું તોડી અંદર ઘૂસેલા ચોરે અંદરના રૂમમાં રહેલા
કબાટમાં મૂકેલી તિજોરી તોડી તેમાં પડેલા સોનાની બે વીંટી, ચાંદીના
સાંકડાની એક જોડી, ચાંદીની એક ચેન, લોકેટ,
ચાંદીનો એક કડો તથા રોકડા રૂપિયા 70,000 સહિત કુલ રૂા. 1.57 લાખથી વધુના મુદ્દામાલની ચોરી
કરી નાસી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ મુંદરા પોલીસનો કાફલો બનાવસ્થળે પહોંચ્યો હતો
અને છાનબીન આદરી હતી. આ મામલે પોલીસે અજ્ઞાત ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધીને ચોરીના કૃત્યને
અંજામ આપનારો કોઈ જાણભેદુ છે કે અન્ય કોઈ તે જાણવા આસપાસના સીસીટીવી ચેક કરવા સહિતની
તપાસ હાથ ધરી છે.