નવી દિલ્હી, તા.પ : સહારાના રણની સૂમસામ અને ગરમીથી બળબળતી
રેતીએ વધુ એક હૃદયદ્રાવક દુર્ઘટના સર્જી દીધી છે. નાઈજરમાં એક ટ્રક અચાનક ખોટકાઈ ગયા
બાદ તેમાં સવાર લોકો પાણી વિના તરસ્યા મરુભૂમિ(રણપ્રદેશ)માં ફસાઈ ગયા હતાં અને આ મરુભૂમિ
તેમનાં માટે મરણભૂમિ સાબિત થઈ હતી. ધોમધખતા તાપ અને તરસે કુલ 49 લોકોનાં શ્વાસ થંભાવી દીધા
હતાં. ટ્રકમાં સવાર આ લોકો માલીથી એક ધાર્મિક તહેવાર પછી પરત આવતાં હતાં પણ તેમની આ
યાત્રા અંતિમ સફરમાં પલટાઈ ગઈ હતી. આમાં બે લોકો કોઈપણ રીતે પ0 કિ.મી.નું લાંબુ અંતર પગપાળા કાપીને બચી
ગયા હતાં અને તેમણે જ દુનિયાને આ કાળમુખી દુર્ઘટનાની જાણ કરી હતી. આફ્રિકી દેશ નાઈજરમાં
સહારાનાં રણમાં બનેલી આ ઘટના વિશે આગાડેજ પ્રાંતની સરકારે સોશિયલ મીડિયામાં સત્તાવાર
રીતે જણાવ્યું હતું કે, આ 49 લોકો અસ્સમાકાનાં પશ્ચિમમાં
આશરે 80 કિ.મી. દૂર સૂમસામ વિસ્તારમાં
આ લોકોનાં તરસનાં માર્યા મૃત્યુ થયા હતાં.