અમેરિકા-ઇરાન વચ્ચેનું યુદ્ધ રોજ નવા સમાચાર લઇને આવે છે. પોતાના
ટ્રૂથ એપ્લિકેશન પર અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નીતનવી જાહેરાતો કરતા રહે છે.
વિશ્વને એક દિવસ આશા જાગે છે તો થોડા જ સમયમાં ફરી નિરાશાની ગર્તામાં ધકેલાય છે. યુદ્ધગ્રસ્ત
બન્ને દેશો વચ્ચે સમજૂતીના ચમકારા આશા જગાવે છે,
તો વળતી પળે સમજૂતીની વાત પાટા પરથી ઊતરતી દેખાય છે. તેની પાછળ મહત્ત્વનું
કારણ છે બન્ને દેશોનો જિદ્દી સ્વભાવ. આ બન્ને દેશો પોતાને જીતેલા બતાવવા માગે છે. પરિણામે
જેવી સમજૂતીની વાત થોડાં ડગલાં આગળ ચાલે છે અને પછી રસ્તો ચાતરી જાય છે અને આવુંય છેલ્લા
એક મહિનાથી થતું આવ્યું છે. નાની-મોટી ઘટનાઓ કે યુદ્ધ છમકલાંની વાત બાજુ પર મૂકીએ તો
એ વાત સ્પષ્ટ છે કે, બન્ને દેશો યુદ્ધવિરામ ઝંખે છે, પણ વાત હોર્મુઝ પર આવીને અટકી જાય છે, વળી આ હોર્મુઝના
કારણે જ આખું વિશ્વ ઊર્જા સંકટમાં ઘેરાઇ ગયું છે. આ યુદ્ધની અસર વિશ્વની સાથે સાથે
અમેરિકા પર પણ પડી છે.પશ્ચિમ એશિયા આજે એવા
પણ વળાંક પર ઊભું છે, જ્યાં યુદ્ધ અને શાંતિ વચ્ચેનું અંતર ઓછું
દેખાય છે. છેલ્લે એક મહિના કરતાં વધુ સમયથી બન્ને દેશો વચ્ચે પ્રત્યક્ષ અને પરોક્ષ
વાતચીત ચાલી રહી છે, પણ ચોક્કસ પરિણામ સામે આવતું નથી. આ પાછળનું
કારણ બન્ને દેશો પોતપોતાની શરતો પર સમાધાનની જિદ્ પર અડયા છે, અલબત્ત થોડા અઠવાડિયામાં કોઇ મોટો હુમલો થયો નથી એ દર્શાવે છે કે બન્ને પક્ષો
યુદ્ધવિરામ જાળવી રાખવામાં સફળ રહ્યા છે, પણ આખું વિશ્વ સ્થિર
શાંતિની રાહ જોઇ રહ્યું છે. બન્ને દેશો વચ્ચે વિવાદનું રૂપ હોર્મુઝ, તેની અલાયદી અને આર્થિક બાબતો પર અટકી ગયું છે, હોર્મુઝના
વિવાદે આખા વિશ્વને મોંઘવારીની ઝપટમાં લઇ લીધું છે, તેનાથી આપણો
દેશ પણ બાકાત નથી. આ કારણે જ અમેરિકા-ઇરાન યુદ્ધ હવે માત્ર બન્ને દેશ પૂરતું નથી પણ
આખા વિશ્વને અસર કરી રહ્યું છે. દરમ્યાન, એ હવે સ્પષ્ટ બન્યું
છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા પર આ યુદ્ધ ઇઝરાયલના હિતોનાં
રક્ષણ માટે થોપી બેસાડયું છે. ઘરઆંગણે ડોનાલ્ડની ઘટેલી લોકપ્રિયતા પાછળ આવા કારણો જવાબદાર
છે. એક વાત એવી ચર્ચાય છે કે, નેતાન્યાહુ અને શક્તિશાળી યહૂદી
લોબી ટ્રમ્પ પાસે પોતાનું ધાર્યું કરાવી રહ્યા છે. ક્યાંક એપસ્ટીન ફાઇલ્સ ટ્રમ્પને
બધું માનવા માટે મજબૂર કરી રહી છે ? અમેરિકી રાષ્ટ્રપતિએ તાજેતરમાં
સાઉદી અરબ, પાકિસ્તાન, કતર, તુર્કી, ઇજિપ્ત, જોર્ડન,
બેહરિન જેવા મુસ્લિમ દેશોને અબ્રાહમ એકોર્ડમાં સામેલ થવા અપીલ કરી હતી.
એનો અર્થ એ થયો કે, અત્યાર સુધી જેને કટ્ટર દુશ્મન માને છે એ
ઇઝરાયલને માન્યતા આપીને રાજદ્વારી સંબંધ સ્થાપિત કરે. ટ્રમ્પે એવી ચીમકીએ આપી કે,
જે આમ નહીં કરે એ દેશોને અમેરિકા-ઇરાન સંધિમાં સામેલ થવા નહીં દેવાય.
તુર્કી, પાકિસ્તાન સહિતના દેશોએ તત્કાળ પ્રતિક્રિયામાં ટ્રમ્પની
વાત માનવાનો ઇન્કાર કરી દીધો. અહીં મુદ્દો એ છે કે, મનમાની કરવાની
ટેવ ધરાવતા ટ્રમ્પને નારાજ કરવાનું પાકિસ્તાન અને બીજા આરબ દેશોને પાલવશે ?
અહીં શતરંજની ચોપાટ બિછાવાયેલી છે અને ઇઝરાયલ પોતાની તરફેણમાં નવી વ્યવસ્થા
ગોઠવવા બાજી ખેલી રહ્યું છે, ટ્રમ્પને વજિર બનાવીને. અમેરિકામાં
નવેમ્બર મહિનામાં સેનેટની ચૂંટણી છે અને ટ્રમ્પ તેમના પક્ષને વિજેતા બનાવવા ઇચ્છુક
છે, તેથી ટ્રમ્પ ઇરાનના દરેક પ્રસ્તાવને જોખી-તોળીને જૂએ છે.
દર પ્ર્રસ્તાવ પર એ કંઇક નવું અને અલગ માગે છે તેને કારણે વાતચીત પાટા પરથી ઊતરી જાય
છે, આમ જોવા જઇએ તો ટ્રમ્પની ઇચ્છા મુજબનું સમાધાન આવતાં ઘણા
મહિના લાગી જશે, તેથી જ વિશ્વ ઇચ્છે છે કે હોર્મુઝ પર સ્થિતિ
સામાન્ય બને અને પછી અન્ય જટિલ મુદ્ઓનું સમાધાન થઇ જાય.