ગાંધીધામ, તા. 5 : અહીંના મીઠીરોહર નજીક આવેલા
સરકારી માન્યતા પ્રાપ્ત અભિષેક ઓટોમેટેડ વ્હીકલ ફિટનેસ ટેસ્ટિંગ સ્ટેશનમાં લાંચ રૂશ્વત
વિરોધી દળે ટ્રેપ ગોઠવીને લાંચ ચોરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. વાહનના ફિટનેસ
પ્રમાણપત્ર માટે કાયદેસરની ફી ઉપરાંત વધારાના રૂા. 2250ની લાંચ સ્વીકારતા ખાનગી કર્મચારીને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો
હતો. અહીંની એ.સી.બી.ને સરકારના વાહનવ્યવહાર વિભાગ તરફથી વાહનોની ફિટનેસ ચકાસણી કરવાનું
કામ મેળવનાર અભિષેક ઓટોમેટેડ વ્હીકલ ફિટનેસ સેન્ટર ખાતે વ્યાપક ભ્રષ્ટાચાર ચાલી રહ્યો
હોવાની સચોટ બાતમી મળી હતી. નાના-મોટા કોમર્શિયલ વાહનોના ફિટનેસ પ્રમાણપત્ર આપવા તથા
રિપાસિંગ માટે ઓનલાઇન કાયદેસરની ફી ઉપરાંત અરજદારો પાસેથી રૂા. 1000થી રૂા. 10,000 સુધીની વધુ રકમ માગવામાં આવતી
હોવાનું બહાર આવ્યું હતું. એ.સી.બી.એ એક જાગૃત નાગરિકનો સંપર્ક કરી તેને બનાવટી ગ્રાહક
(ડીકોયર) તરીકે તૈયાર કરીને આજે લાંચનું છટકું ગોઠવ્યું હતું. આ ગ્રાહક પોતાના વાહનનું
રિપાસિંગ કરાવીને વ્હીકલ ફિટનેસ પ્રમાણપત્ર મેળવવા માટે ગાડી અને જરૂરી કાગળો સાથે
આ સેન્ટર ખાતે પહોંચ્યા હતા, જ્યાં
સેન્ટરમાં હાજર ખાનગી કર્મી એવો વિક્રમસિંહ મનદ્રુપસિંઘ જાટે વાહનની કાયદેસરની ઓનલાઇન
ફી રૂા. 900 ઉપરાંત કામ
કરી આપવાના બદલામાં વધારાના રૂા. 2250ની લાંચની માગણી કરી હતી. આ ગ્રાહક પાસેથી અક્ષેપિત કર્મચારીએ
હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી હતી. દરમ્યાન, રકમ સ્વીકારતાંની સાથે જ આસપાસ ગોઠવાયેલી એ.સી.બી.ની
ટીમે ત્રાટકીને આ ખાનગી કર્મચારીને લાંચની રોકડ રકમ સાથે સ્થળ પર જ રંગેહાથ પકડી પાડયો
હતો અને લાંચની રકમ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. એ.સી.બી. પી.આઇ. એચ.વી.
ચૌધરી તથા ટીમ આ કાર્યવાહીમાં જોડાઇ હતી. આ સફળ ટ્રેપના કારણે આર.ટી.ઓ. કચેરી સાથે
સંકળાયેલી એજન્સીઓ તથા વચેટિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.