• શનિવાર, 06 જૂન, 2026

કચ્છની વિશેષતાઓને વૈશ્વિકસ્તરે વધુ સારી રીતે રજૂ કરવાની જરૂર

ભુજ, તા. 5 : ભુજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશનના આગેવાનોએ કલેક્ટર અનિલ રાણાવસિયા સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. મુલાકાત દરમ્યાન કચ્છના વેપાર, ઉદ્યોગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટી અને ભવિષ્યના વિકાસને લગતા વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચા દરમ્યાન કલેક્ટરે કચ્છના વિકાસ માટે પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કચ્છમાં એવું આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અનુકૂળ વાતાવરણ નિર્માણ થવું જોઇએ, જેથી દેશ-વિદેશના રોકાણકારો કચ્છ તરફ આકર્ષાય, કચ્છની આ વિશેષતાઓને વૈશ્વિકસ્તરે વધુ સારી રીતે રજૂ કરવાની જરૂર છે. આ અનુસંધાને અનિલ ગોરે જણાવ્યું કે, ગ્લોબલ કચ્છ ફેડરેશન છે, જે વિશ્વના 192 દેશમાં વસતા કચ્છી સમાજનું એક વિશાળ નેટવર્ક કાર્યરત છે. વિશ્વભરના કચ્છીઓ કચ્છના વિકાસ માટે યોગદાન આપવા આતુર છે, પરંતુ એર કનેક્ટિવિટી ખૂટતી કડી અવરોધરૂપ બની રહી છે. શ્રી ગોરે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જો ભુજ એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવામાં આવે તથા એર કાર્ગો સુવિધાઓ ઉપલબ્ધ બને, તો કચ્છના કૃષિ, હેન્ડીક્રાફ્ટ, ફૂડ પ્રોસેસિંગ અને નિકાસ આધારિત ઉદ્યોગોને મળી શકે તેમ છે. કચ્છના વિકાસ માટે વિશેષ આયોજન કરવા કહેતા તેના પ્રતિસાદમાં શ્રી ગોરે જણાવ્યું કે, દર વર્ષે નવેમ્બર અને ડિસેમ્બર માસ દરમ્યાન મોટી સંખ્યામાં વિદેશમાં વસતા કચ્છીઓ વતનની મુલાકાતે આવે છે. તે સમયગાળા દરમ્યાન  મુખ્યમંત્રી, વિવિધ રાજકીય અને ઔદ્યોગિક અગ્રણીઓ તથા વૈશ્વિક કચ્છી પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં કચ્છના ભવિષ્ય અને વિકાસલક્ષી સંભાવનાઓ અંગે વિશેષ સંમેલનનું આયોજન ભુજ ચેમ્બર અને ગ્લોબલ કચ્છ ફેડરેશન દ્વારા કરવાનું વિચારણાધીન મુલાકાત દરમ્યાન ચેમ્બરના આગેવાનો સાથે થયેલી ચર્ચામાં કલેક્ટરે વેપાર, ઉદ્યોગ, રેલવે, એર કનેક્ટિવિટી અને વિવિધ વિભાગોને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે હકારાત્મક અભિગમ વ્યક્ત કર્યો હતો. ભુજ ચેમ્બરના અગ્રણીઓ, કચ્છ ટેક્સ કન્સલ્ટન્ટ એસોસિયેશનના પ્રમુખ રમેશભાઇ પિંડોરિયા, જીઆઇડીસી એસોસિયેશનના પ્રમુખ અરવિંદભાઇ ઠક્કર, કચ્છ એન્જિનીયર્સ એન્ડ આર્કિટેકટ્સ એસોસિયેશનના પ્રમુખ રાજભાઇ માણેક, બુલિયન મર્ચન્ટ એસોસિયેશનના પ્રમુખ ભદ્રેશભાઇ દોશી, ચેમ્બરના જોઇન્ટ  સેક્રેટરી એડવોકેટ સંદીપભાઇ શાહ તથા યુનિયન સેક્રેટરી હરિભાઇ ગોર ઉપસ્થિત રહ્યા હતા. 

Panchang

dd