• શનિવાર, 06 જૂન, 2026

જન્મ-મરણમાં મલ્ટિ લોગિન બંધ થતાં સ્ટાફ પરેશાન, અરજદારો હેરાન

ભુજ, તા. 5 : નગરપાલિકા ખાતે હાલમાં જન્મ-મરણની ડેટા એન્ટ્રી તથા જૂના પ્રમાણપત્રો અપડેટ કેન્દ્ર સરકારના સીઆરએસ પોર્ટલમાં કરવામાં આવે છે, પરંતુ છેલ્લા આઠ-દસ દિવસથી મલ્ટિ લોગિન એટલે કે જુદા-જુદા કોમ્પ્યુટરમાં આઇડી લોગિન બંધ કરી દેવાયા છે અને એકજ કોમ્પ્યુટરમાં લોગિન કરી શકાય છે. આ સમસ્યાથી નગરપાલિકા તથા અન્ય પંચાયતોના સ્ટાફને પરેશાની ભોગવવી પડે છે, તો અરજદારોને પણ પારાવાર મુશ્કેલી ભોગવવી પડે છે. ભુજ નગરપાલિકામાં અંદાજે રોજના 100 જેટલા દાખલા અપડેટ થાય છે અને રોજની 60-70 એન્ટ્રી કરવાની થાય છે. આ સંજોગોમાં માત્ર બે કોમ્પ્યુટરમાં જ કામગીરી થઈ શકે છે. બીજા એન્ટ્રી કરતા કર્મચારી ડેટા એન્ટ્રી ક્યારે કરે એનો પ્રશ્ન ઊભો થાય છે. આ બાબતે જિલ્લા આરોગ્ય અધિકારી ઉપર ઉચ્ચકક્ષાએથી તાત્કાલિક નિરાકરણ લવાય એવી નગરપાલિકાનો સ્ટાફ તથા દરરોજ હેરાન થતા અરજદારો માંગ કરી રહ્યા છે. હાલે, વેકેશન પણ પૂર્ણ થવામા છે તો વિદ્યાર્થીઓને પણ એડમિશન લેવા જન્મ પ્રમાણપત્ર ફરજિયાત હોઈ અપડેટની કામગીરી વધશે જેથી મલ્ટિ લોગિન તાત્કાલિક ચાલુ કરવી જોઈએ જેથી એક જ કર્મચારી ઉપર કામનું ભારણ ન રહે અને અરજદારોને પણ હેરાનગતિમાંથી મુક્તિ મળે. 

Panchang

dd