નખત્રાણા, તા. 5 : સરકારના શિક્ષણ વિભાગ દ્વારા
અબડાસા તાલુકાના બાંડિયા ગામે રૂા. 240.34 લાખના ખર્ચે નિર્માણ પામનારા માધ્યમિક શાળાના સંકુલનું ભૂમિપૂજન
ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના હસ્તે જિલ્લા-તાલુકાના રાજકીય અગ્રણીઓ, સ્થાનિક સંસ્થાઓના અગ્રણીઓની ઉપસ્થિતિમાં કરાયું
હતું. ગ્રામ્ય વિસ્તારમાં સરકારની પહેલના કારણે ગામડે-ગામડે માધ્યમિક શાળાના સંકુલ
સ્થાપિત કરવાના અભિયાન અંતર્ગત રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રૂા. 2.40 લાખથી વધુ રકમના ખર્ચે માધ્યમિક
શાળાનું સંકુલ આકાર લેશે જે ગામ તથા નજીકના ગામોના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ થશે
તેવું ખાતમુહૂર્ત કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું
હતું. વિકાસકામોમાં મજબૂતી બાબતે સ્થાનિક લોકોને ધ્યાન રાખવું જરૂરી હોવાનું ઉમેર્યું
હતું. પાયાની જરૂરિયાતના વિકાસકામો માટે સરકાર પાસે નાણાંની કોઈ કમી નથી જેથી આવશ્યક
જરૂરી કામો માટે સૂચન કરવાનો જાડેજાએ અનુરોધ કર્યો હતો. તંત્ર દ્વારા લોક કલ્યાણ માટે
થતા વિકાસકામોમાં સૌથી અગત્યનું શિક્ષણ છે. માધ્યમિક શાળાઓના નિર્માણકાર્યેમાં સહયોગની
ખાતરી આપતાં જિ. પં.ના ઉપપ્રમુખ મહાવીરસિંહ જાડેજાએ જણાવ્યું હતું. છેવાડાના નાના ગામોમાં
ધારાસભ્ય શ્રી જાડેજા પ્રયત્નોથી અનેક વિકાસકામો થયા છે. તેને બિરદાવતા અબડાસા તા.
પંચાયતના પ્રમુખ જયેન્દ્રસિંહ જાડેજાએ વધુ વિકાસકામો કરવા માટે જાગૃત રહેવા જણાવ્યું
હતું. સરકાર દ્વારા થયેલા વિકાસકામોની વિગતો અપાઈ હતી. ભૂમિપૂજનવિધિ શાત્રી રમેશ મારાજે
સંપન્ન કરાવી હતી. આ અવસરે અગ્રણીઓ રાજુભા સોઢા કમાભાઈ રબારી, વિનોદભાઈ દરજી, પ્રહલાદ
કાનજી ગંઢેર, તોષીક સોઢા, છોટુભા,
મામદ સિધિક ઈબ્રાહીમભાઈ, હરિભાઈ સુતાર,
જયદીપ જાડેજા વિ. જોડાયા હતા. કાર્યક્રમ અંતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી
દ્વારા મન કી બાતનું લાઈવ પ્રસારણ ઉપસ્થિતોએ નિહાળ્યું હતું. સંચાલન ગોપાલભાઈ ગઢવી
તથા આભારવિધિ છત્રસિંહ જાડેજાએ કરી હતી.