ભુજ, તા. 5 : કચ્છમાં ઉદ્યોગ અને શિક્ષણ
ક્ષેત્રે સંશોધન તથા પ્રાદેશિક વિકાસને એક નવી ઊંચાઈ પર લઈ જવા માટે ક્રાંતિગુરુ શ્યામજી
કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી અને દીનદયાળ પોર્ટ ઓથોરિટી વચ્ચે સીમાચિહ્નરૂપ એમઓયુ પર
હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન્સની વિશેષ ઉપસ્થિતિમાં
આ કરાર વિધિવત રીતે સંપન્ન થયો હતો. આ ભાગીદારીનો મુખ્ય ઉદ્દેશ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, શૈક્ષણિક વિકાસ, અર્થ
સાયન્સ ઇન્ક્યુબેશન સેન્ટરની સ્થાપના, સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન,
નવીન સંશોધનો અને બૌદ્ધિક - સંપદા અધિકાર ક્ષેત્રે જાગૃતિ વધારવાનો છે. : આ ઐતિહાસિક
કરાર પર દીનદયાળ પોર્ટ ઓથોરિટીના ચેરમેન સુશીલકુમાર સિંઘ અને કચ્છ યુનિવર્સિટીના કુલપતિ
ડે. મોહન પટેલ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ અવસરે ફોકિયાના મેનાજિંગ ડિરેક્ટર
નિમિષ ફડકે, કચ્છ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર
ડો. અનિલ એચ. ગોર, યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટના સદસ્ય
કિરણભાઈ આહીર ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત કચ્છ
યુનિવર્સિટી, ડીપીએ અને ફોકિયાના અન્ય પદાધિકારીઓ અને અધિકારીઓ
પણ જોડાયા હતા. - ભૌગોલિક
- વૈજ્ઞાનિક ક્ષમતાનો લાભ મળશે : આ એમઓયુ અંતર્ગત ભવિષ્યમાં બંને સંસ્થાઓ
દ્વારા સંયુક્ત રીતે અનેક મહત્ત્વાકાંક્ષી આયામો હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ યુનિવર્સિટી પોતાની વિશિષ્ટ ભૌગોલિક
અને વૈજ્ઞાનિક ક્ષમતાઓનો લાભ ઉદ્યોગોને આપશે. આ ભાગીદારી હેઠળ કચ્છ યુનિવર્સિટીના ભૂ-વિજ્ઞાન
વિભાગના નિષ્ણાતો દ્વારા કચ્છના મોટા અને નાના રણ તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભૂગર્ભ જળ સંશોધન અને વ્યવસ્થાપન માટે પોતાની તકનીકી
વિશેષજ્ઞતા પૂરી પાડવામાં આવશે. તેની સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં પર્યાવરણીય અને
ભૌગોલિક જોખમો સામે `કોસ્ટલ વલ્નરેબિલિટી
માપિંગ' કરીને ઉપાયો અને યોગ્ય સૂચનો કરાશે. - ઐતિહાસિક વારસાને વૈજ્ઞાનિક
ઢબે ઉજાગર કરાશે : કચ્છના રણ
વિસ્તારમાં છુપાયેલા ઐતિહાસિક અને વૈજ્ઞાનિક વારસાને વૈજ્ઞાનિક ઢબે ઉજાગર કરવા માટે
દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા જિઓ-આર્કિયોલોજિકલ સંશોધન કાર્યો માટે સહયોગ પૂરો પડાશે.આ
કરારના ભાગરૂપે યુનિવર્સિટી કેમ્પસ ખાતે અત્યાધુનિક `અર્થ સાયન્સ ઇન્ક્યુબેશન સેન્ટર' સ્થાપવામાં આવશે, જેમાં
ભાવિ પેઢીમાં જાગૃતિ લાવવા માટે જિઓલોજિકલ મ્યુઝિયમ પણ બનાવવામાં આવશે. આ કેન્દ્ર દુર્લભ
ખનિજો, પુન:પ્રાપ્ય ઊર્જા, હાઇડ્રોકાર્બન
અને કુદરતી આપત્તિ વ્યવસ્થાપન જેવા વિષયો પર રિસર્ચ અને કન્સલ્ટન્સી સેવાઓ આપશે. - એક્સટેન્શન સેન્ટર માટે સહયોગ
: કચ્છના અંતરિયાળ અને ગ્રામીણ વિસ્તારોના
વિદ્યાર્થીઓ, ખાસ કરીને દીકરીઓ ઉચ્ચ
શિક્ષણથી વંચિત ન રહે તેની ચિંતા કરતાં ગુજરાત સરકારના શિક્ષણમંત્રી ત્રિકમભાઈ છાંગાના
સહકારથી શરૂ થવા જઈ રહેલા અંતરિયાળ વિસ્તારના પાંચ નવા એક્સટેન્શન સેન્ટર માટે ડીપીએનો
સહયોગ મળશે. આ એમ.ઓ.યુ. હેઠળ ડીપીએ દ્વારા કચ્છ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે ઇન્ટર્નશિપ,
ટ્રાનિંગ અને ડિઝર્ટેશનની ઉત્કૃષ્ટ તકો ઉપલબ્ધ કરાવાશે તથા ઉદ્યોગોની
જરૂરિયાત મુજબના કૌશલ્યવર્ધક અને વોકેશનલ કોર્સો
શરૂ કરાશે, સ્થાનીય સ્તરે રોજગારીની નવી તકોનું સર્જન થશે. ભારત સરકારના કેચ ધ રેઈનના સપનાને ઉજાગર
કરતાં યુનિવર્સિટી કેમ્પસમાં સુજલામ સુફલામ પ્રોજેક્ટ દ્વારા બનાવેલ સરોવરની આસપાસ
બ્યૂટિફિકેશન તેમજ વાકિંગ-ટ્રેક તથા બાળકો માટેના રમતનાં સાધનો પૂરાં પાડવા માટેનો
પણ સહયોગ મળી રહેશે.