• ગુરુવાર, 25 ડિસેમ્બર, 2025

પાક. એરલાઈનને મૂળ ગુજરાતીએ ખરીદી

ઈસ્લામાબાદ, તા.ર4 : પાકિસ્તાનની સરકારી એરલાઇન પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (પીઆઈએ) અંતે વેચાઈ ગઈ છે. આરિફ હબીબ ગ્રુપે તેને 135 અબજ પાકિસ્તાની રૂપિયા (43 અબજ ભારતીય રૂપિયા)માં હસ્તગત કરી છે. આ જૂથના માલિકનો પરિવાર મૂળ ગુજરાતનો છે. પીઆઈએ હસ્તગત કરનાર જૂથના માલિક આરિફ હબીબ છે. તેઓ પાકિસ્તાનના સૌથી ધનિક લોકોમાંના એક અને જાણીતા ઉદ્યોગપતિ અને પરોપકારી છે. તેઓ આરિફ હબીબ કોર્પોરેશન લિમિટેડના સ્થાપક અને સીઈઓ છે. તેમનું જૂથ ઉત્પાદન, નાણાં, રિયલ એસ્ટેટ અને ઊર્જા ક્ષેત્રોમાં ફેલાયેલું છે. આરિફ હબીબના માતા-પિતા ચાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને ગુજરાતના બાંટવામાં રહેતા હતા. ભાગલા દરમિયાન તેમનો પરિવાર પાકિસ્તાન ગયો હતો. કરાચીમાં જન્મેલા આરિફ હબીબનો પરિવાર પાકિસ્તાન આવ્યો ત્યારે આર્થિક મુશ્કેલીમાં હતો. ઇસ્લામાબાદમાં આયોજિત ખાનગીકરણના કાર્યક્રમમાં ત્રણ બિડર્સ-આરિફ હબીબ ગ્રુપ, લકી સિમેન્ટ અને ખાનગી એરલાઇન એરબ્લુએ બિડ રજૂ કર્યા બાદ સૌથી વધુ બોલી લગાવનારા આરિફ હબીબ અને લકી સિમેન્ટને ખુલ્લી હરાજીમાં ભાગ લેવાની તક આપવામાં આવી હતી. આખરે આરિફ હબીબ ગ્રુપે 135 અબજ રૂપિયાની અંતિમ બોલી સાથે પીઆઈએ હસ્તગત કરી હતી. નિયમો અનુસાર પ્રારંભિક વેચાણની રકમનો 92.5 ટકા હિસ્સો એરલાઇનમાં ફરીથી રોકાણ કરવામાં આવશે જ્યારે 7.5 ટકા હિસ્સો સરકારને જશે. રોકાણકારે પાંચ વર્ષમાં રૂ.80 અબજનું રોકાણ કરવાનું રહેશે.

Panchang

dd